Pakistan Afghanistan Airstrike: TTPને નિશાન બનાવવાના પાકિસ્તાનના દાવા વચ્ચે અફઘાનિસ્તાન પર હવાઈ હુમલો, સરહદ પર તાલિબાન-પાકિસ્તાન વચ્ચે ભારે ગોળીબાર

Arati Parmar
3 Min Read

Pakistan Afghanistan Airstrike: પાકિસ્તાની એરફોર્સે એકવાર ફરી અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક કરી છે. પાકિસ્તાન તરફથી પૂર્વી અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતમાં સોમવારે વહેલી સવારે હવાઈ હુમલા કરવામાં આવ્યા. સોમવારે સવારે લગભગ સાડા ત્રણ વાગ્યે ઓછી ઊંચાઈએ ઉડાન ભરી રહેલા પાકિસ્તાની લડાકુ વિમાનોએ કુનારના નુરગલ જિલ્લામાં આવેલા પટંગ વિસ્તારમાં બોમ્બમારો કર્યો. હાલ એ સ્પષ્ટ નથી કે આ હુમલાથી કેટલું નુકસાન થયું છે અથવા કેટલા લોકોના મોત કે ઇજા થઈ છે. આ હુમલાઓથી પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર પણ તણાવ વધી ગયો છે.

સોમવારે સવારે અફઘાન તાલિબાન અને પાકિસ્તાની સેના વચ્ચે ડૂરન્ડ લાઇન પર ભારે ગોળીબાર થયો હોવાની માહિતી સામે આવી છે. ગોળીબાર અફઘાનિસ્તાનના પક્તિયા પ્રાંતના આર્યુબ જાજી જિલ્લા અને પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાના કુર્રમ જિલ્લાને અડીને આવેલી સરહદ પર થયો છે. અહેવાલ મુજબ, પાકિસ્તાનના હવાઈ હુમલા બાદ તાલિબાન લડવૈયાઓએ સરહદ પર આવેલી પાકિસ્તાની ચોકીઓને નિશાન બનાવી છે.

- Advertisement -

કોહાટ વિસ્ફોટથી વધ્યો તણાવ

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના કોહાટમાં ગયા અઠવાડિયે શુક્રવારે કાર બોમ્બ હુમલો કરવામાં આવ્યો હતો. આ આત્મઘાતી હુમલામાં 15 પોલીસકર્મીઓ સહિત 21 લોકોનાં મોત થયા હતા. મસ્જિદમાં થયેલા આ હુમલાથી ફરી એકવાર અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. હુમલા બાદ પાકિસ્તાન તરફથી એવા સંકેતો આપવામાં આવ્યા હતા કે અફઘાનિસ્તાનમાં TTPને નિશાન બનાવવામાં આવી શકે છે.

અફઘાન તાલિબાને પણ ગયા અઠવાડિયે જ પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે જો તેણે અફઘાનિસ્તાનની અંદર સૈન્ય કાર્યવાહી કરી તો તેનો કડક જવાબ આપવામાં આવશે. તાજેતરમાં તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે જો પાકિસ્તાન દેશની અંદર હુમલા કરશે તો અફઘાનિસ્તાન પોતાની સાર્વભૌમત્વની રક્ષા કરશે. તાલિબાન લડવૈયાઓ સંપૂર્ણ મજબૂતીથી હુમલાનો જવાબ આપશે.

- Advertisement -

પાકિસ્તાને સતત હુમલા કર્યા છે

પાકિસ્તાની સેનાએ ગયા વર્ષના ઓક્ટોબરથી અનેક પ્રસંગોએ અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલા કર્યા છે. પાકિસ્તાનનો દાવો છે કે તે અફઘાનિસ્તાનમાં TTP જેવા જૂથોને નિશાન બનાવી રહ્યું છે, જે તેની સેનાને સતત નિશાન બનાવી રહ્યા છે. પાકિસ્તાની સરકાર અને સૈન્ય અધિકારીઓ પોતાના દેશમાં થતી હિંસા પાછળ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ને જવાબદાર માને છે. પાકિસ્તાન આ જૂથને અફઘાનિસ્તાનમાં આશ્રય મળતો હોવાનો દાવો કરે છે.

પાકિસ્તાનનો આરોપ છે કે અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર TTPને આશ્રય આપે છે. બીજી તરફ કાબુલની સત્તામાં રહેલા અફઘાન તાલિબાને પાકિસ્તાનના આરોપોને નકારી કાઢ્યા છે. અફઘાનિસ્તાનનું કહેવું છે કે તેની ધરતીનો ઉપયોગ કોઈપણ દેશ વિરુદ્ધ કરવામાં આવી રહ્યો નથી. અફઘાન દળોએ પોતાના સ્તરે પાકિસ્તાની સેનાના હુમલાનો જવાબ પણ આપ્યો છે. ગયા વર્ષથી અત્યાર સુધી અનેક પ્રસંગોએ સરહદ પર ભારે ગોળીબાર જોવા મળ્યો છે.

- Advertisement -
Share This Article