નવી દિલ્હી, તા. 31 : પાકિસ્તાને પીઓકેને લઈને પોતાની જ પોલ ખોલી નાખી છે. ઈસ્લામાબાદ હાઈ કોર્ટમાં પાકિસ્તાનના એક સરકારી વકીલે ચોંકાવનારો દાવો કર્યો હતો. પાકિસ્તાની કબજો ધરાવતા કાશ્મીરને પાકિસ્તાન આઝાદ કાશ્મીર કહે છે. જેના ઉપર સૌથી મોટું નિવેદન આપવામાં આવ્યું છે. પાકિસ્તાની વકીલે સરકારનો બચાવ કરતા કહ્યું હતું કે, પીઓકે પાકિસ્તાનનું નથી.

પીઓકે વિદેશી ક્ષેત્ર છે. ફેડરલ પ્રોસિક્યુટર જનરલ (સરકારી વકીલ) ઈસ્લામાબાદથી અપહરણ કરાયેલા કવિ અહમદ ફરહાદને લઈને પાકિસ્તાન સરકારનો બચાવ કરી રહ્યા હતા ત્યારે સરકારી વકીલે કહ્યું હતું કે અહમદ ફરહાદ બીજી જુન સુધી આઝાદ કાશ્મીરમાં રિમાન્ડ ઉપર રહેશે. સરકારી વકીલે કહ્યું હતું કે, તેને ઈસ્લામાબાદ કોર્ટ સામે રજૂ કરી શકાશે નહી કારણ કે આઝાદ કાશ્મીર પાકિસ્તાનનું નથી પણ વિદેશી ક્ષેત્ર છે. હાઈકોર્ટે પણ સરકારી વકીલના દાવા ઉપર ચોંકીને કહ્યું હતું કે આઝાદ કાશ્મીર એક વિદેશી ક્ષેત્ર છે તો પછી પાકિસ્તાની રેન્જર્સ પાકિસ્તાનમાંથી કેવી રીતે પ્રવેશ કરીને ગયા હતા. પાકિસ્તાની પત્રકાર દ્વારા સરકારી વકીલના દાવા ઉપર નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આ દાવો ન્યાયિક પ્રણાલી અને આઝાદ કાશ્મીરની સ્થિતિ ઉપર ઘણા સવાલ ઉભા કરે છે. તેમણે કહ્યું હતું કે જો આઝાદ કાશ્મીર પાકિસ્તાનનું નથી તો પાકિસ્તાનને એક વિદેશી ક્ષેત્રમાં સૈનિકોની તૈનાતી અને પ્રશાસનનો અધિકાર કેવી રીતે મળ્યો છે.

