Pakistan Taliban Conflict: પાકિસ્તાન-તાલિબાન તણાવ વચ્ચે કાબુલ પહોંચ્યું તુર્કી-કતારનું પ્રતિનિધિમંડળ, મધ્યસ્થી પ્રયાસ તેજ

Arati Parmar
2 Min Read

TTP હુમલાઓ વચ્ચે તુર્કી-કતારની નવી પહેલ, પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે સમાધાનની કોશિશ

Pakistan Taliban Conflict: સાઉદી અરેબિયા પર હૂતીના હુમલાઓ વચ્ચે તુર્કીના ઇન્ટેલિજન્સ ચીફ ઇબ્રાહિમ કાલિન અને અધિકારી અલ-કુબૈસીના નેતૃત્વ હેઠળ કતારનું એક વરિષ્ઠ સુરક્ષા પ્રતિનિધિમંડળ કાબુલ પહોંચ્યું છે. અહેવાલ અનુસાર અચાનક શરૂ થયેલી આ મુલાકાતનો હેતુ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ છે. અચાનક થયેલી આ ઉચ્ચસ્તરીય મુલાકાત અંકાર અને દોહાના સંયુક્ત મધ્યસ્થી પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ પગલું છે. બંને દેશો ઇસ્લામાબાદ અને તાલિબાન નેતૃત્વ વચ્ચેના ઊંડા મતભેદો દૂર કરવા માટે કામ કરી રહ્યા છે.

અહેવાલો અનુસાર તુર્કી અને કતારનું પ્રતિનિધિમંડળ અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ પર તણાવ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે તાલિબાન સાથેનો તણાવ ઘટાડીને પાકિસ્તાનને રાહત આપવાનો હેતુ છે, જેથી તે સાઉદી અરેબિયાની સુરક્ષા માટે કેટલાક પગલાં લઈ શકે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે લાંબા સમયથી તણાવપૂર્ણ સ્થિતિ છે અને છેલ્લા લગભગ દોઢ વર્ષમાં બંને દેશોની સેનાઓ વચ્ચે અનેક વખત અથડામણ થઈ ચૂકી છે.

- Advertisement -

તુર્કી પાકિસ્તાન-તાલિબાન વચ્ચે શાંતિ કરાવી શકશે?

તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના હુમલાઓએ પાકિસ્તાન અને તાલિબાન વચ્ચેના વિવાદને વધુ ગંભીર બનાવ્યો છે. જેમાં વારંવાર થયેલા યુદ્ધવિરામ કરારો તૂટ્યા છે અને સંઘર્ષ ઝડપથી શહેરી વિસ્તારો તરફ ફેલાઈ રહ્યો છે. અનિયંત્રિત સંઘર્ષથી ઊભા થતા પ્રાદેશિક જોખમને ધ્યાનમાં રાખીને તુર્કી અને કતારે પોતાની રાજદ્વારી પહેલ ફરીથી ઝડપી બનાવી છે. બેલારુસમાં થયેલી પ્રારંભિક મંત્રણા બાદ આ પ્રક્રિયામાં ઝડપ આવી છે.

- Advertisement -

ગુપ્તચર સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે આ નવી મધ્યસ્થી વ્યૂહરચનાનો મુખ્ય ભાગ કંદહારમાં યોજાનારી એક મહત્વપૂર્ણ બેઠક હોઈ શકે છે, જેમાં તુર્કીના ઇન્ટેલિજન્સ ચીફ ઇબ્રાહિમ કાલિન અને કતારી અધિકારી અલ-કુબૈસી સીધી રીતે તાલિબાનના સર્વોચ્ચ નેતા સાથે મુલાકાત કરી શકે છે. જો આવું થાય છે તો સત્તા સંભાળ્યા બાદ તાલિબાનના અમીર અને વિદેશી પ્રતિનિધિઓ વચ્ચેની અત્યાર સુધીની આ બીજી જાણીતી બેઠક હશે.

ઇસ્લામાબાદમાં મહત્વપૂર્ણ પક્ષો તેમજ તાલિબાનના ટોચના નેતૃત્વ સાથે સીધી વાતચીત કરીને તુર્કી-કતાર ગઠબંધનનો હેતુ સરહદ સુરક્ષા અંગે મજબૂત કરારો કરવા, સરહદ પારથી થતી ઉગ્રવાદી પ્રવૃત્તિઓને રોકવા અને લાંબા સમય સુધી સ્થિરતા લાવવા માટે વ્યવહારુ માર્ગ તૈયાર કરવાનો છે.

- Advertisement -
Share This Article