Iran Missile Attack Diego Garcia: હિંદ મહાસાગરમાં આવેલા અમેરિકા અને બ્રિટનના સંયુક્ત મિલિટરી બેઝ ‘ડિએગો ગાર્સિયા’ પર ઈરાને હુમલો કર્યો છે. વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ) ના અહેવાલ મુજબ, ઈરાને ડિએગો ગાર્સિયા બેઝ પર મધ્યમ અંતરની બે મિસાઈલો દાગી છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે બંને મિસાઈલો અમેરિકી સૈન્ય મથકને ભેદવામાં નિષ્ફળ રહી છે અને બેઝને કોઈ નુકસાન થયું નથી. જોકે, આમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે ઈરાને આ મિસાઈલો ક્યારે દાગી હતી.
અમેરિકાએ મિસાઈલ પર દાગ્યો ઇન્ટરસેપ્ટર
WSJ ના અહેવાલમાં અધિકારીઓના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે એક મિસાઈલ ઉડાન દરમિયાન જ નિષ્ફળ ગઈ હતી, જ્યારે બીજી મિસાઈલને રોકવા માટે એક અમેરિકી યુદ્ધ જહાજે SM-3 ઇન્ટરસેપ્ટર દાગ્યું હતું. ઇન્ટરસેપ્ટર મિસાઈલને રોકવામાં સફળ રહ્યું કે નહીં તે જાણી શકાયું નથી.
ઈરાનની સીક્રેટ મિસાઈલ?
સમાચાર એજન્સી રોઇટર્સે વ્હાઇટ હાઉસ અને બ્રિટનના સંરક્ષણ મંત્રાલય પાસે આ મામલે ટિપ્પણીની માંગ કરી હતી પરંતુ તાત્કાલિક કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. આ પ્રથમ વખત છે જ્યારે ઈરાને ડિએગો ગાર્સિયાને નિશાન બનાવીને હુમલો કર્યો છે. આ હુમલાએ ઈરાનની મિસાઈલોની ક્ષમતાને લઈને નવી ચર્ચા જગાવી છે.
ઈરાનની કોઈ મિસાઈલમાં આટલી રેન્જ નથી
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક હેન્ડલ દ્વારા કહેવામાં આવ્યું કે, “ઈરાનથી ડિએગો ગાર્સિયાનું અંતર 4118 કિમી છે. આ ઈરાનની અત્યાર સુધીની જાણીતી કોઈપણ મિસાઈલ ક્ષમતા કરતા વધુ છે.” આનો અર્થ એ છે કે ઈરાને છેલ્લા કેટલાક સમયમાં પોતાની મિસાઈલ ક્ષમતામાં ઘણો વધારો કર્યો છે જેની જાણકારી કોઈની પાસે નથી.
ખાસ વાત એ છે કે ડિએગો ગાર્સિયા અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના ક્ષેત્રમાં નથી આવતું, જે મિડલ ઈસ્ટમાં ઓપરેશનની જવાબદારી સંભાળી રહ્યું છે. હિંદ મહાસાગરનો આ વિસ્તાર યુએસ ઇન્ડો-પેસિફિક કમાન્ડ ક્ષેત્રમાં સ્થિત છે. આવી સ્થિતિમાં સ્પષ્ટ છે કે યુદ્ધનો વ્યાપ વધી ગયો છે અને ઈરાને જબરદસ્ત તૈયારીનું પ્રદર્શન કર્યું છે.

