PM Modi Trinidad and Tobago Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુક્રવારે (4 જુલાઈ) ત્રિનિદાદ અને ટોબેગોના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ એન્ડ ટોબેગો’થી સન્માનિત કરાયા. આ સન્માન તેમને તેમની વૈશ્વિક નેતૃત્વ ક્ષમતા, ભારતીય પ્રવાસી સમુદાયથી ખૂબ લગાવ અને કોવિડ 19 મહામારી દરમિયાન માનવીય પ્રયાસો માટે આપવામાં આવ્યો.
વડાપ્રધાન મોદી હાલ પાંચ દેશોના પ્રવાસે છે, જેમાં તેઓ ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાતે પહોંચ્યા છે. ત્યાં સન્માન મળ્યા બાદ તેમણે ત્યાંની સંસદમાં કહ્યું કે, ‘ત્રિનિદાદ એન્ડ ટોબેગોના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત થઈને ગૌરવ અનુભવું છું. હું આ સન્માન 140 કરોડ ભારતીયો તરફથી સ્વીકારું છું. ત્રિનિદાદ અને ટોબેગોમાં UPI પેમેન્ટને મંજૂરી આપવા માટે ખુશી વ્યક્ત કરું છું.’
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘આતંકવાદ દુનિયા માટે ખતરો છે. જળવાયુ પરિવર્તનથી દુનિયા અસરગ્રસ્ત થઈ રહી છે. ભારત ટૂંક સમયમાં જ દુનિયાની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનશે. 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય છે.’
વડાપ્રધાન મોદીએ ભારત ત્રિનિદાદ અને ટોબેગો સંબંધોનો કર્યો ઉલ્લેખ
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘આ સંબંધો આપણા ઇતિહાસ અને સાંસ્કૃતિક ધરોહર પર આધારિત છે. 180 વર્ષ પહેલાં ભારતથી જે લોકો આવ્યા હતા, તેમણે આપણી મિત્રતાનો પાયો નાખ્યો હતો. ભલે તેમના હાથ ખાલી હતા, પરંતુ તેમના મન ભારતીય સભ્યતા સંસ્કૃતિ અને વિવિધતાથી સમૃદ્ધ હતા. તેમણે એકબીજાના સૌહાર્દ અને સદભાવના જે બીજ રોપ્યા હતા તે આજે ત્રિનિદાદ અને ટોબેગો પ્રત્યે સાકાર થઈ રહ્યા છે.’
વડાપ્રધાન મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની પહેલી યાત્રા
ત્રિનિદાદ અને ટોબેગોના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરે ગુરૂવારે આ સન્માનની જાહેરાત કરી હતી. તેમણે વડાપ્રધાન મોદીની યાત્રાને બંને દેશો વચ્ચે ગૌરવ અને ઐતિહાસિક સંબંધનું પ્રતિક ગણાવ્યું. આ વડાપ્રધાન મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની પહેલી યાત્રા છે. સાથે જ આ કોઈ ભારતીય વડાપ્રધાનની વર્ષ 1999 બાદ આ દેશની પહેલી દ્વિપક્ષીય યાત્રા છે.