RSS Mohan Bhagwat UK Visit: બ્રિટન પ્રવાસે ગયેલા મોહન ભાગવતના લંડનમાં યોજાનારા કાર્યક્રમને લઈને સ્થાનિક સ્તરે વિરોધ વધી રહ્યો છે. UKની 20 નાગરિક સમાજ સંસ્થાઓએ લંડનના મેયર સાદિક ખાનને અપીલ કરી છે કે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવતના કાર્યક્રમને મંજૂરી ન આપે. સાથે જ તેમને પત્ર લખીને કહેવામાં આવ્યું છે કે ભાગવતની બ્રિટન યાત્રા દરમિયાન યોજાનારા કાર્યક્રમોથી લંડનના મેયર કાર્યાલય સાથે જોડાયેલા લોકો દૂર રહે.
ધ ઇન્ડિપેન્ડન્ટના અહેવાલ અનુસાર, મેયર સાદિકને લખેલા પત્રમાં આ સમૂહોએ RSSને લશ્કરીવાદી સમૂહ ગણાવીને દાવો કર્યો છે કે આ સમૂહે યુરોપિયન ફાસીવાદમાંથી સ્પષ્ટ પ્રેરણા લીધી છે. આવી સ્થિતિમાં ગ્રેટર લંડન ઓથોરિટીએ RSSના કાર્યક્રમો માટે સ્થળ ન આપવું જોઈએ. ભાગવત આ સપ્તાહના અંતે બ્રિટનમાં ભારતીય સમુદાયને સંબોધિત કરશે. ભાગવત અમેરિકા અને કેનેડાની યાત્રા બાદ બ્રિટન પહોંચ્યા છે. આ બંને દેશોમાં પણ તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
RSSનો શા માટે વિરોધ
RSS વિરુદ્ધ જેમણે સાદિક ખાનને પત્ર લખ્યો છે, તેમાં ‘હિન્દુઝ ફોર હ્યુમન રાઇટ્સ’, ‘UK-ઇન્ડિયન મુસ્લિમ કાઉન્સિલ’, ‘ઇન્ડિયા લેબર સોલિડેરિટી’, ‘સાઉથ એશિયા સોલિડેરિટી ગ્રુપ’ અને અન્ય સમૂહોએ હસ્તાક્ષર કર્યા છે. પત્રમાં ભાગવતની યાત્રા માટે મેટ્રોપોલિટન પોલીસ દ્વારા લેવામાં આવી રહેલા પગલાંની માહિતી માંગવામાં આવી છે.
બ્રિટનની આ સંસ્થાઓનું કહેવું છે કે ભાગવતની યાત્રા બ્રિટનમાં RSS સાથે જોડાયેલી સંસ્થાઓને એવી વાતો ફેલાવવા માટે પ્રોત્સાહિત કરી શકે છે, જેને તેઓ ‘હેટ સ્પીચ’ એટલે કે નફરત ફેલાવતું ભાષણ માને છે. તેનાથી ભારતીય સમુદાયની અંદર વિભાજન થઈ શકે છે અને નબળા સમુદાયો માટે ભય તથા ધમકીનું વાતાવરણ ઊભું થઈ શકે છે.
દક્ષિણપંથી હિંસાનો ગંભીર ઇતિહાસ ધરાવતા નફરત ફેલાવતા સમૂહના નેતાની યજમાની કરવી જોઈએ નહીં. RSSએ ધાર્મિક સ્વતંત્રતાને દબાવી છે અને લઘુમતીઓ વિરુદ્ધ હુમલાઓને પ્રોત્સાહન આપ્યું છે. – જેેરેમી કોર્બિન, સાંસદ
RSSએ આપ્યો જવાબ
બ્રિટનમાં મોહન ભાગવતના વિરોધ અંગે RSSએ કહ્યું છે કે લોકશાહીમાં અલગ-અલગ મતો હોવા સામાન્ય વાત છે. તેને ખૂબ આશ્ચર્યની વાત માનવી જોઈએ નહીં. RSSના મીડિયા પ્રમુખ સુનીલ આંબેકરે શુક્રવારે એક પ્રેસ બ્રીફિંગમાં કહ્યું કે લોકશાહીમાં અલગ-અલગ અવાજ ઉઠવા ખૂબ સામાન્ય વાત છે. અમે એવા લોકો સાથે વાતચીત કરવા તૈયાર છીએ, જેઓ સંવાદ કરવા માગે છે.
સુનીલ આંબેકરે કહ્યું કે બ્રિટનમાં 100થી વધુ સંગઠનો મોહન ભાગવતનું સ્વાગત કરી ચૂક્યા છે. આ સંગઠનો તેમના કાર્યક્રમોમાં સહયોગ પણ કરી રહ્યા છે. સંઘનો પ્રયાસ વધુમાં વધુ લોકો સાથે સંવાદ કરવાનો છે. આવી સ્થિતિમાં અમે કેટલાક સંગઠનો તરફથી ભાગવતના કાર્યક્રમના વિરોધને ખૂબ મોટી ઘટના તરીકે જોતા નથી, લોકશાહીમાં આવું થાય છે.

