Sunita williams and Buch Wilmore News: આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાં અંતરિક્ષ યાત્રીઓ હવામાં તરતા જોવા ભલે આનંદદાયક લાગે પરંતુ ત્યાં ગુરૂત્વાકર્ષણ ન હોવાને લીધે પૃથ્વી ઉપર પાછા ફરતાં અનેક વિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેમ છે. તેને અસ્થિરતા, ચક્કર આવવા, વાત કરવામાં અને ચાલવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. નાસાનાં અંતરિક્ષ યાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર તથા રશિયન અંતરિક્ષ યાત્રી એલેકઝાન્ડર ગોર્બુનોવ બુધવારે સ્પેસ-એક્સના ડ્રેગન અંતરિક્ષ યાન (કેપ્શ્યુલ) દ્વારા પૃથ્વી પર પાછા આવી ગયા.
હાડકાં અને માંસપેશીઓ પર માઠી અસરનું જોખમ
સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર અંગે સૌથી મોટી ચિંતાનો વિષય એ છે કે તેમના હાડકા અને માંસપેશીઓ હવે નબળી પડી શકે છે. આઈએસએસમાં અંતરિક્ષ યાત્રી માઈક્રોગ્રેવિટીમાં તરે છે જે તેમના શરીર પર અસર કરે છે. પૃથ્વી પર આપણા શરીરને હંમેશા ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ કામ કરવું પડે છે જેનાથી આપણી માંસપેશીઓ અને હાંકાડાઓની સતત કસરત થાય છે પણ અંતરિક્ષમાં કોઈ અવરોધ ન થતાં માંસપેશીઓ અને હાડકાંની ઘનતા ઘટવા લાગે છે કેમ કે શરીરમાં પોતાનું વજન વહન કરવાની તાકાત નથી હોતી. અંતરિક્ષ યાત્રી દર મહિને તેમના હાડકાંનો 1% હિસ્સો ગુમાવી શકે છે. ખાસ કરીને કમર, થાપા અને જાંઘના હાડકામાં. તેના કારણે પૃથ્વી પર વાપસી બાદ હાડકાં તૂટવાનું જોખમ વધી જાય છે. આ સાથે અંતરિક્ષ યાત્રીઓની લંબાઈ 1-2 ઈંચ વધી જાય છે કેમ કે તેમના કરોડરજ્જુ લાંબા થઈ જાય છે. જોકે આ ઊંચાઈ પૃથ્વી પર પાછા ફરતાં સમાપ્ત થઈ જાય છે.
વિલ્મોર અને વિલિયમ્સ બોઇંગનાં નવા સ્ટાર-લાઇનર કેપ્શ્યુલ દ્વારા ગત વર્ષે પાંચમી જૂને કેપ-કેનવેરલથી રવાના થયા હતા. બંને આઠ દિવસમાં જ મિશન પર ગયા હતાં. પરંતુ અંતરિક્ષયાનમાં હીલિયમ લીકેજ તથા ગતિ ધીમી પડવાને લીધે લગભગ નવ મહિના સુધી અંતરિક્ષ સ્ટેશનમાં ફસાયેલા રહ્યા હતા.
સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને લાંબા સમય સુધી અંતરિક્ષમાં રહેતા દરેક અંતરિક્ષ યાત્રીઓને પડે છે તેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તેમને ચાલવામાં મુશ્કેલી પડશે, જોવામાં પણ તકલીફ થશે. ચક્કર આવશે. હલન ચલનમાં અસ્થિરતા આવશે.
તેઓને બેબી-ફીટની તકલીફ થશે. બેબી-ફીટ એટલે અંતરિક્ષ યાત્રીઓના પગનાં તળીયા-ચામડીનો મોટો ભાગ નીકળી જાય છે. તેથી તેમના પગના તળિયા તદ્દન નાના બાળક (નવજાત-શિશુ)ના પગના તળીયા જેવા કોમળ થઈ જાય છે.
હ્યુસ્ટન સ્થિત બેલર કોલેજ ઓફ મેડીસીનના તબીબો જણાવે છે કે જયારે અંતરિક્ષ યાત્રી પૃથ્વી ઉપર પાછા આવે છે ત્યારે તેમને ગુરૂત્વાકર્ષણનો સામનો કરવો પડે છે. તેને ચાલવામાં મુશ્કેલી થાય છે. તે ઉપરાંત પોતાની દ્રષ્ટિ સ્થિર રાખવામાં પણ મુશ્કેલી થાય છે. ચાલવાની તો સમસ્યા હોય જ છે. પરંતુ બેઠા પછી ઉભા થવામાં પણ મુશ્કેલી અનુભવે છે. તેથી પૃથ્વી પર આવ્યા પછી અંતરિક્ષ યાત્રીને તુર્ત જ વ્હીલ-ચેરમાં બેસાડી દેવામાં આવે છે. પરંતુ અંતરિક્ષ યાત્રીને પૃથ્વી પર પહેલા જેવું જીવન શરૂ કરવામાં કેટલાએ સપ્તાહ લાગે છે. મુશ્કેલી તો તે છે કે કાનમાં રહેલી વેસ્ટિબ્યુલર (કોંચીન)માં રહેલું પ્રવાહી પ્રાણીને (માનવીને) પોતાનું શરીર સંતુલિત કરવામાં સહાયરૂપ થાય છે.
જાપાની અંતરિક્ષ એજન્સી જે.ઓ. એક્સ આ માહિતી આપતા કહે છે કે વેસ્ટિબ્યુલર અંગોથી પ્રાપ્ત થનારી માહિતીમાં પણ બદલાવ આવે છે. તેથી મગજ ભ્રમિત થઈ જાય છે. સ્પેસ-સિકનેસ આવે છે. તો કોઇવાર ગ્રેવિટી-સિકનેસ પણ આવે છે. જેમાં લક્ષણ સ્પેસ-સિકનેસ જેવા જ છે.
ગુરૂત્વાકર્ષણ શરીરના તરલ પદાર્થોને નીચે ખેંચે છે. પરંતુ સ્પેસમાં ગુરૂત્વાકર્ષણ લાગતું નથી. તેથી તે તરલ પદાર્થો શરીરના ઉપરના ભાગમાં પહોંચે છે. આમ લાંબો સમય અંતરિક્ષમાં રહેનારને અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.