Switzerland Underwear Experiment: સ્વિટ્ઝર્લેન્ડમાં માટીની સ્થિતિ જાણવા વૈજ્ઞાનિકોએ દાટ્યાં 2000 જોડી અન્ડરવેર, બે મહિના બાદ મળ્યા ચોંકાવનારા પરિણામો

Arati Parmar
3 Min Read

Switzerland Underwear Experiment: સ્વિટ્ઝર્લેન્ડમાં વૈજ્ઞાનિકોએ માટીની સ્થિતિ જાણવા માટે એક અનોખો પ્રયોગ કર્યો છે. આ માટે બગીચાઓ અને લૉનમાં અન્ડરવેરની 2000 જોડીઓ દાટી દેવામાં આવી હતી, જેને બે મહિના બાદ બહાર કાઢવામાં આવી. તેને પ્રૂફ બાય અન્ડરપેન્ટ્સ પ્રોજેક્ટ નામ આપવામાં આવ્યું છે. તેનો હેતુ માટીની સ્થિતિ વિશે માહિતી મેળવવાનો હતો. વૈજ્ઞાનિકોએ જ્યારે 2 મહિના બાદ આ અન્ડરપેન્ટ્સ બહાર કાઢીને તેમનો અભ્યાસ કર્યો ત્યારે ચોંકાવનારા પરિણામો સામે આવ્યા. આ અભ્યાસ પ્લાન્ટ્સ, પીપલ, પ્લેનેટ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

પ્રૂફ બાય અન્ડરપેન્ટ્સ પ્રોજેક્ટ

અભ્યાસમાં સંશોધકોએ લખ્યું કે માટીની સ્થિતિ વિશે માહિતી મેળવવા માટે પ્રૂફ બાય અન્ડરપેન્ટ્સ પ્રોજેક્ટ એક સરળ રીત છે. આ અભ્યાસ 5 વર્ષ પહેલાં કરવામાં આવ્યો હતો, જેમાં 1000 સ્વયંસેવકોએ સ્વિટ્ઝર્લેન્ડમાં અલગ-અલગ સ્થળોએ અન્ડરવેર અને 12000 ટી-બેગ દાટી હતી. બે મહિના બાદ તેમને બહાર કાઢીને લેબમાં મોકલવામાં આવ્યા હતા. તેમાંથી કેટલાકમાં ભાગ્યે જ કોઈ કાપડ બચ્યું હતું, જ્યારે કેટલાકમાં માત્ર એક કે બે છિદ્ર હતાં.

- Advertisement -

અભ્યાસમાં માટીની સ્થિતિની જાણ થઈ

ઝ્યુરિખ યુનિવર્સિટીના સંશોધકોની આગેવાની હેઠળ વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે છિદ્ર વગરના અન્ડરપેન્ટ્સ માટીમાં પોષક તત્ત્વોની અછતનો સંકેત છે. સંશોધકોએ લખ્યું કે માટી ઝડપથી ખરાબ થઈ રહી છે, જેના કારણે ફૂડ પ્રોડક્શન, બાયોડાયવર્સિટી અને પૃથ્વીની સિસ્ટમની કામગીરી સામે જોખમ ઊભું થઈ રહ્યું છે.

અભ્યાસમાં લૉન, ખેતીની જમીન અને ઘાસના મેદાનોમાં જૈવિક પ્રવૃત્તિના સૌથી ઓછા સંકેતો જોવા મળ્યા. ઘરો અને ઇમારતોની આસપાસના ઘાસવાળા વિસ્તારોમાં માટી સૌથી ઓછી ફળદ્રુપ હતી. બીજી તરફ, ખાનગી બગીચાઓમાં સૌથી વધુ સક્રિય ડીગ્રેડર્સ—જંતુઓ, ફૂગ, બેક્ટેરિયા—જોવા મળ્યા. તેની સાથે ત્યાં ઓર્ગેનિક કાર્બન અને પોષક તત્ત્વોનું સ્તર પણ સૌથી વધુ હતું.

- Advertisement -

ખાનગી બગીચાઓમાં કપાસનું વિઘટન થયું

ખાનગી બગીચાઓમાં રાખવામાં આવેલા અન્ડરવેરનો આશરે 58% કપાસ બે મહિનામાં ડીકમ્પોઝ થઈ ગયો. વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું કે આ સ્થળોની સારી રીતે જાળવણી કરવામાં આવે છે અને ફર્ટિલાઇઝર્સથી પોષણ આપવામાં આવે છે, તેથી ડીગ્રેડર્સને અહીં વધવાની તક મળી. બીજી તરફ, લૉનમાં કપાસના ડીકમ્પોઝ થવાનો આંકડો 40 ટકા હતો, જે તમામ સ્થળોમાં સૌથી ઓછો હતો.

અભ્યાસમાં ઉપરની માટીના ખરાબ થવાને મોટું જોખમ ગણાવવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ઉપરની માટી આપણા ખોરાકનો 95 ટકા હિસ્સો પૂરો પાડે છે. પરંતુ જેમ-જેમ તેની ગુણવત્તા ખરાબ થાય છે, તેમ-તેમ સમાજ માટે જોખમ વધે છે. સંશોધકોએ લખ્યું કે સમાજમાં આ જોખમને મોટાભાગના લોકો સમજી શકતા નથી, જેના કારણે માટીને બચાવવા માટે પગલાં લેવામાં અડચણ આવે છે.

- Advertisement -
Share This Article