નવી દિલ્હી, તા.21 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તાવાર યાત્રાએ પહેંચે તે પહેલાં જ યુક્રેને રશિયા પર અત્યાર સુધીનો તેનો સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું આ સાથે જ યુક્રેન- રશિયા યુદ્ધ તેના ભીષણ સ્તરે પહોંચ્યું હતું. યુક્રેની સેનાએ રૂસના અનેક વિસ્તારો પર પોતાનો કબજો કર્યો છે ત્યારે હવે મોસ્કો પણ હુમલાનું નિશાન બન્યું હતું. યુક્રેન તરફથી આજે મોસ્કો પર અનેક ડ્રોન છોડવામાં આવ્યાં હતાં જોકે, રૂસની સેનાએ તેને તોડી પાડયાં હતાં.

રૂસી સેનાએ જણાવ્યું હતું કે યુક્રેનના 11 ડ્રોનને તોડી પાડવામાં આવ્યાં હતાં. અધિકારીઓએ જણાવ્યું હતું કે ફેબ્રુઆરી-2022માં યુક્રેનમાં યુદ્ધ શરૂ થયું તે પછીનો આ રૂસી રાજધાની પરનો સૌથી મોટો હુમલો હતો. એજન્સીના અહેવાલ અનુસાર મોસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિને કહ્યું કે કેટલાંક ડ્રોન પોડોલ્સ્ક શહેરની ઉપર નષ્ટ કરવામાં આવ્યાં હતાં. પ્રાથમિક રીતે આ હુમલામાં કોઈને ઈજા કે નુકસાનના અહેવાલ નથી. રૂસના દક્ષિણ-પશ્ચિમમાં બ્રાયંસ્ક પરના હુમલા બાદ પણ કોઈ જાનહાનિ થઈ નથી.

