US CPT Rules: CPT પર ટ્રમ્પ સરકારને કોર્ટનો ઝટકો, વિદેશી વિદ્યાર્થીઓને મોટી રાહત, નોકરી અને ઇન્ટર્નશિપના નિયમો પર રોક

Arati Parmar
4 Min Read

US CPT Rules: અમેરિકામાં કરિક્યુલર પ્રેક્ટિકલ ટ્રેનિંગ (CPT) હેઠળ વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન જ કામ કરવાની તક મળે છે. આ અંગે અમેરિકન સરકારે એક નિર્ણય લીધો હતો, જેના કારણે વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધી ગઈ હતી. જોકે, હવે આ મામલે કોર્ટનો નિર્ણય આવ્યો છે.

અમેરિકામાં કરિક્યુલર પ્રેક્ટિકલ ટ્રેનિંગ (CPT) હેઠળ કામ કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારને કોર્ટ તરફથી ફરી એકવાર ઝટકો લાગ્યો છે. અમેરિકાના એક ફેડરલ જજે મંગળવારે ટ્રમ્પ સરકારના તે નિર્ણય પર રોક લગાવી દીધી છે, જેના હેઠળ અમેરિકન યુનિવર્સિટીઓમાં વીઝા પર અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશિપ અને અન્ય પ્રેક્ટિકલ ટ્રેનિંગની તકો મર્યાદિત કરવામાં આવી રહી હતી. ટ્રમ્પ સરકારના નિર્દેશોને કારણે CPTનો લાભ મેળવવો મુશ્કેલ બની ગયો હતો.

- Advertisement -

બોસ્ટનની US ડિસ્ટ્રિક્ટ જજ જુલિયા કોબિકે એક ઇન્જંક્શન એટલે કે રોકનો આદેશ આપ્યો છે. તેના દ્વારા US ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS)ને ઓગસ્ટમાં જાહેર કરવામાં આવેલા 2 નિર્દેશો લાગુ કરતા અટકાવવામાં આવ્યા છે. આ બંને નિર્દેશોને લઈને હાયર એજ્યુકેશન ગ્રુપ્સનું કહેવું હતું કે તેના કારણે દેશભરમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે ટ્રેનિંગની તકો ઘટી ગઈ હતી. જજે આ નિર્ણય ‘એસોસિએશન ઓફ અમેરિકન યુનિવર્સિટીઝ’ અને ‘પ્રેસિડેન્ટ્સ અલાયન્સ ઓન હાયર એજ્યુકેશન એન્ડ ઇમિગ્રેશન’ સહિત 4 સંગઠનો દ્વારા ગયા મહિને દાખલ કરવામાં આવેલા કેસમાં સંભળાવ્યો હતો.

ટ્રમ્પ સરકારે કડક ઇમિગ્રેશન એજન્ડા અપનાવ્યો છે. તેના હેઠળ સ્ટુડન્ટ વીઝા ધારકોના દેશમાં નોકરી કરવાના અધિકારો મર્યાદિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ તમામ પ્રયાસો વિરુદ્ધ હવે એક પછી એક કોર્ટનો દરવાજો ખખડાવવામાં આવ્યો છે, જ્યાં અરજદારોને સરકાર સામે જીત મળી રહી છે. આ જ રીતે સોમવારે બોસ્ટનની જ એક અદાલતે તે નિયમ રદ કર્યો હતો, જેના દ્વારા વિદેશી વિદ્યાર્થીઓ માટે એક્સટેન્શન વિના અમેરિકામાં રહેવાની અવધિ મર્યાદિત કરવામાં આવી હતી. હાલમાં DHSએ આ મામલે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.

- Advertisement -

– કોર્ટ સમક્ષ અરજદારોએ દલીલ કરી કે DHSએ તે નિયમો કડક બનાવી દીધા હતા, જેના દ્વારા CPTનો લાભ મેળવવો મુશ્કેલ બન્યો હતો.
– તેમણે જજને જણાવ્યું કે CPT પ્રોગ્રામના કડક નિયમોને કારણે વિદેશી વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશિપ અને પ્રેક્ટિકલ ટ્રેનિંગ મેળવવી મુશ્કેલ બની ગઈ હતી.
– અરજદારોએ કોર્ટને જણાવ્યું કે વિદેશી વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ અને ટ્રેનિંગમાં ભાગ લેવાની મંજૂરી છે, જો તેમનો અભ્યાસક્રમ તે ક્ષેત્ર સાથે સંબંધિત હોય.
– અરજદારોએ એ પણ જણાવ્યું કે ઘણા અભ્યાસક્રમોમાં CPT કોર્સનો એક ભાગ હોય છે, પરંતુ કડક નિયમોને કારણે વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ શકતા નહોતા.
– અરજદારોના જણાવ્યા અનુસાર, સરકાર લાંબા સમયથી CPTનું અર્થઘટન એવી રીતે કરતી આવી છે કે જો ટ્રેનિંગથી એકેડેમિક ક્રેડિટ મળે અથવા તે ડિગ્રી મેળવવા માટે જરૂરી હોય, તો વિદ્યાર્થી તેમાં ભાગ લઈ શકે છે.

US ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE)ના આંકડા અનુસાર, વર્ષ 2024માં કુલ 1,40,775 વિદેશી વિદ્યાર્થીઓએ CPTનો લાભ લીધો હતો. તે દરમિયાન એમેઝોન અને ટેસ્લા CPT વિદ્યાર્થીઓને નોકરી આપનારા ટોચના બે નોકરીદાતાઓ હતા. પરંતુ ઓગસ્ટમાં, ICEની દેખરેખ રાખતા વિભાગ DHSએ યુનિવર્સિટીઓને સંદેશ મોકલીને કહ્યું હતું કે ઇન્ટર્નશિપ અને અન્ય તકોને માત્ર ત્યારે જ યોગ્ય માનવામાં આવશે, જ્યારે તે ડિગ્રી પ્રોગ્રામના દરેક વિદ્યાર્થી માટે જરૂરી હોય.

- Advertisement -

ICEએ કહ્યું હતું કે તેમાં એકેડેમિક ક્રેડિટ માટે લેવામાં આવતી વૈકલ્પિક ટ્રેનિંગનો સમાવેશ કરવામાં આવશે નહીં. એજન્સીએ કહ્યું હતું કે તેણે CPT મંજૂરીઓમાં એવો વધારો જોયો છે, જે તેના અનુસાર પ્રોગ્રામની શરતો પૂરી કરતો નહોતો અને તેથી તે મંજૂરીઓની તપાસ વધુ કડક કરશે…

Share This Article