US-Iran Conflict: શું ઈરાન પર અમેરિકાનો હુમલો થવો નક્કી છે? રિપોર્ટ્સ મુજબ, ઈરાન પર સંભવિત હુમલા પહેલા અમેરિકા વધુ એક એરક્રાફ્ટ કેરિયર ગ્રુપ મિડલ ઈસ્ટ મોકલી રહ્યું છે. સાથે જ, ઓપન સોર્સ ટ્રેકિંગ બતાવે છે કે અમેરિકી એરફોર્સના કેટલાક લડાયક વિમાનો પણ તે તરફ જઈ રહ્યા છે. ધ વોર ઝોનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ આ વિસ્તારમાં સંકટના વાદળો ઘેરાય છે, ત્યારે મોટી સંખ્યામાં અમેરિકાના કાર્ગો જહાજ, લડાયક વિમાનો અને અન્ય એરક્રાફ્ટ આવવા લાગે છે અને અત્યારે આજ જોવા મળી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલાના સંકેત આપી દીધા છે. જોકે ઈરાન તરફથી પ્રદર્શનકારીઓની ફાંસીની સજા ટાળ્યા પછી ટ્રમ્પનું વલણ નરમ પડ્યું છે, પરંતુ અગાઉ પણ ઈરાન પર હુમલા પહેલા ટ્રમ્પે આવા જ નરમાશના સંકેત આપ્યા હતા.
ધ વોર ઝોને કહ્યું છે કે અમેરિકાના મિલિટરી પ્લાનર્સે હુમલા પહેલા તૈયારી માટે થોડો સમય માંગ્યો છે. આવું એટલા માટે કારણ કે ઈરાન ફરી ઈઝરાયેલ અને મિડલ ઈસ્ટમાં આવેલા અમેરિકાના અન્ય સૈન્ય ઠેકાણાઓ પર એડવાન્સ બેલેસ્ટિક મિસાઈલોથી હુમલો શરૂ કરી દેશે. અમેરિકી અધિકારીઓ ઈરાન પર એક જ વારમાં ભીષણ હુમલો કરી સ્થિતિને સંપૂર્ણપણે પોતાના નિયંત્રણમાં કરવા માંગે છે, તેઓ કોઈ લાંબી ચાલનારી લડાઈમાં ફસાવવા માંગતા નથી અને અત્યારે અસરકારક હુમલાની તૈયારી કરવામાં આવી રહી છે. હાલમાં વ્હાઇટ હાઉસ દ્વારા કહેવામાં આવ્યું છે કે ૮૦૦ પ્રદર્શનકારીઓની ફાંસી રોક્યા પછી હુમલો કરવાનો ઈરાદો ટાળી દેવામાં આવ્યો છે.
ઈરાન પર શું અમેરિકી હુમલો થઈને રહેશે?
સવાલ એ છે કે જો અમેરિકા અને ઈઝરાયેલનો હેતુ ઈરાનમાં સત્તા પરિવર્તન છે, તો તે હુમલા વગર સંભવ નથી. ઈરાનમાં ૨૮ ડિસેમ્બરથી શરૂ થયેલા આ પ્રદર્શનની રફ્તાર હવે ધીમી પડવા લાગી છે. આશરે ૪૦૦૦ લોકો માર્યા ગયા છે. તેથી સવાલ મહત્વનો બની જાય છે કે અમેરિકા ઈરાનમાં સત્તા પરિવર્તન કરાવવા માંગે છે કે નહીં અને હુમલો થશે કે નહીં, તે આ જ સવાલ પર નિર્ભર છે. જો અમેરિકા મિલિટરી ઓપરેશન સાથે જવાનો નિર્ણય કરે છે તો તેની પાસે અનેક પ્રકારના ઓપ્શન છે. જેમ કે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC) ની સેના અને તેમના બાસિજ પેરામિલિટરી સૈનિકો પર એક જ વારમાં ઘાતક સર્જિકલ સ્ટ્રાઈક. બીજો ઓપ્શન ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનેઈની સાથે સાથે ઈરાન સરકારના ઉચ્ચ અધિકારીઓ પર હુમલો અથવા ફરીથી ન્યુક્લિયર ઠેકાણાઓ પર હુમલો કરવો. આ ઉપરાંત, ઈરાનની જવાબી કાર્યવાહીને ધીમી કરવા માટે તેની મિસાઈલ ફેક્ટરીઓ અને અંડરગ્રાઉન્ડ મિલિટરી બેઝ પર હુમલો કરવાનો ઓપ્શન હોઈ શકે છે.
કેટલાક રિપોર્ટ્સમાં તો એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ટ્રમ્પને ઈરાન પર હુમલો ન કરવા વિનંતી કરી છે. કારણ કે ગયા વર્ષે જૂનની લડાઈમાં ઓછામાં ઓછી ૫૦ એડવાન્સ બેલેસ્ટિક મિસાઈલો ઈઝરાયેલમાં પડી હતી, જેની ઘાતક અસર થઈ હતી. હુમલાની સ્થિતિમાં ઈરાન આ વખતે પણ એવું જ કરી શકે છે. જોકે હજુ પણ અમેરિકા પાસે આ વિસ્તારમાં ટેક્ટિકલ એરક્રાફ્ટ, છ જંગી જહાજ અને આશરે ૩૦,૦૦૦ સૈનિકો છે. પરંતુ એવું લાગતું નથી કે તે ઈરાન વિરુદ્ધ કોઈ મોટા અને સતત ચાલતા ઓપરેશન માટે તૈયાર છે. તે અત્યારે ઈરાનની એડવાન્સ બેલેસ્ટિક મિસાઈલોને સો ટકા રોકવાની સ્થિતિમાં પણ નથી. ડિફેન્સ એક્સપર્ટ ટાયલર રોગોવેએ X પર લખ્યું છે કે “મિડલ ઈસ્ટમાં એટલા એસેટ્સ નથી કે ઈરાનમાં કંઈક મોટું કરવા માટે સતત અભિયાન ચલાવી શકાય. આ ક્યારેય સવાલ જ નહોતો.”
શું હુમલા પછી ઈરાનને સંભાળી શકશે અમેરિકા?
ટાયલર રોગોવેએ એવો પણ સવાલ ઉઠાવ્યો છે કે જો અમેરિકા હુમલો કરે છે અને ટોચના નેતાઓને મારી નાખે છે, તો ત્યારબાદ જે સ્થિતિ બનશે, શું અમેરિકા પાસે તે હાલત સંભાળવાની ક્ષમતા છે? અને જો સરકાર ખતમ કરનારો હુમલો સફળ ન થયો તો શું થશે? આ માટે મોટી ઇમરજન્સી યોજનાઓની જરૂર પડશે, શું અમેરિકા ટૂંકા સમયમાં આવું કરી શકે છે? તેમનું કહેવું છે કે અનેક એરક્રાફ્ટ કેરિયર અને ૧૦૦ થી વધુ ફાઈટર જેટ્સ, ડઝનબંધ સબમરીન જોવામાં એક વિશાળ કાફલો લાગે છે, પરંતુ સવાલ એ છે કે શું તેઓ એક દેશને સંભાળવામાં સક્ષમ છે કે પછી હુમલો કરી ટોપ લીડરશીપને મિટાવીને ભાગી જવું વિકલ્પ બનશે. અને જો આવી સ્થિતિ બને છે તો ઈરાનની હાલત ભયાનક હોઈ શકે છે.
અમેરિકાએ અત્યારે અબ્રાહમ લિંકન કેરિયર સ્ટ્રાઈક ગ્રુપને આ ક્ષેત્રમાં મોકલી દીધું છે, જે એક અઠવાડિયામાં મિડલ ઈસ્ટ પહોંચી જશે. તેના CVW-9 કેરિયર એર વિંગમાં આઠ સ્ક્વોડ્રન છે જે F-35C લાઈટનિંગ II લડાયક વિમાન, F/A-18E/F સુપર હોર્નેટ, EA-18G ગ્રાઉલર, E-2D હોકઆઈ, CMV-22B ઓસ્પ્રે અને MH-60R/S સી હોકથી સજ્જ છે. તેની સાથે ચાલતા ટિકોન્ડેરોગા ક્લાસ ગાઈડેડ-મિસાઈલ ક્રૂઝર USS મોબાઈલ બે અને ડિસ્ટ્રોયર સ્ક્વોડ્રન (DESRON) 21 ના અર્લે બર્ક ક્લાસ ગાઈડેડ-મિસાઈલ ડિસ્ટ્રોયર મોટી સંખ્યામાં મિસાઈલ ટ્યુબથી સજ્જ છે, જેનો ઉપયોગ ઈરાન પર હુમલો કરવા માટે કરી શકાય છે.
આ ઉપરાંત જ્યોર્જ એચ.ડબલ્યુ. બુશ કેરિયર ગ્રુપ પણ આ વિસ્તારમાં જતું હોવાના રિપોર્ટ છે. હાલમાં અમેરિકી નૌસેનાએ જહાજોની અવરજવર અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે, જ્યારે મિડલ ઈસ્ટમાં મિલિટરી ઓપરેશન માટે જવાબદાર CENTCOM એ પણ વિગતો આપવાની ના પાડી છે.
અમેરિકી વાયુસેના પણ મિડલ ઈસ્ટમાં એક્ટિવ
નૌસેના ઉપરાંત આ ક્ષેત્રમાં એક ડઝનથી વધુ કાર્ગો જેટ મિડલ ઈસ્ટ તરફ આગળ વધી રહ્યા છે. એવા પણ સંકેતો મળ્યા છે કે આ વિસ્તારમાં યુરોપિયન મિલિટરી એરક્રાફ્ટની સંખ્યા વધી રહી છે. ઓનલાઈન ફ્લાઈટ ટ્રેકર્સ બતાવે છે કે ઓછામાં ઓછા ચાર રોયલ એર ફોર્સ યુરોફાઈટર ટાયફૂન ફાઈટર અને એક એરબસ KC-2 વોયેજર એરિયલ રિફ્યુલિંગ જેટ બહેરીન તરફ જઈ રહ્યા છે. જોકે, ફ્રાન્સ અને જર્મની પણ આ વિસ્તારમાં હવાઈ જહાજ મોકલી રહ્યા હોવાનું જણાય છે.

