દુનિયામાં ભારતીયો પોતાની આગવી ઓળખ ઊભી કરી રહ્યા છે,

newzcafe
2 Min Read

ભારતીય મૂળના રાષ્ટ્રપતિ સિંગાપોરને મળ્યા


ભારતીય મૂળના રાષ્ટ્રપતિ સિંગાપોરને મળ્યા


સિંગાપોર: દુનિયામાં ભારતીયો પોતાની આગવી ઓળખ ઊભી કરી રહ્યા છે, જેમાં ભારતીય મૂળના લોકો અગ્રણી કંપનીમાં સીઈઓથી લઇને રાષ્ટ્રપતિપદે બિરાજી રહ્યાં છે, જેમાં વધુ એક દેશનું નામ જોડાયું છે. આજે સિંગાપોરમાં ભારતીય મૂળના થર્મન ષણમુગરત્નમ જંગી બહુમતી મતથી જીત્યા છે.


દુનિયાની આર્થિક મહાસત્તા અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અત્યારે તો ભારતીય મૂળના ઉમેદવારનું નામ અગ્રેસર છે. બીજી બાજુ ઈંગ્લેન્ડની સત્તા પર એક ભારતીયનો કબ્જો છે ત્યારે હવે સિંગાપોરમાં પણ રાષ્ટ્રપતિપદે ભારતીય મૂળના થર્મન ષણમુગરત્નમ ચૂંટાઈ આવ્યા હોવાના મહત્વનાં સમાચાર મળ્યા છે.


ભારતીય મૂળનો ષણમુગરત્નમનો પરિવાર બે પેઢીથી સિંગાપોરમાં રહે છે. સિંગાપોરના વર્તમાન રાષ્ટ્રપતિ હલીમા યાકૂબના પિતા પણ ભારતીય મૂળના હતા. જોકે, ષણમુગરત્નમના દાદા તમિલનાડુના રહેવાસી હતા. તે સિંગાપોરમાં સ્થાયી થયા હતા. થર્મનના પિતા કે.જે. ષણમુગરત્નમ પ્રોફેસર હતા. તેઓ વૈજ્ઞાનિક હતા.


ઇલેક્શનની વાત કરીએ તો સિંગાપોરમાં નવમા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ગઈકાલે મતદાન થયું હતું. આ ચૂંટણીમાં સિંગાપોરના 27 લાખથી વધુ મતદારોએ મત આપ્યા હતા, ત્યાર બાદ મતગણતરી હાથ ધરાઈ હતી. ત્રિકોણીય જંગમાં થરમનને 70.4 ટકા મત મળતાં વિજય થયો હતો.


આ ચૂંટણીમાં 66 વર્ષના થર્મન ષણમુગરત્નમ અને અન્ય બે ઉમેદવાર રાષ્ટ્રપતિપદની રેસમાં હતા. બંનેને પાછળ રાખીને થર્મન રાષ્ટ્રપતિ બન્યા છે. થર્મન ષણમુગરત્નમ સિંગાપોરના નાયબ વડા પ્રધાન રહી ચૂક્યા છે અને તે શિક્ષણ અને નાણા પ્રધાનનો હોદ્દો પણ સંભાળી ચૂક્યા છે. વર્ષ 2001થી સિંગાપોરના રાજકારણમાં પ્રવેશેલા ષણમુગરત્નમે બે દાયકા કરતાં વધુ સમયથી સત્તાધારી પીપલ્સ એક્શન પાર્ટી સાથે જાહેર ક્ષેત્ર અને મંત્રી પદ સંભાળ્યું છે.


થર્મન ષણમુગરત્નમની પત્નીનું નામ ચીની-જાપાનીઝ મૂળની જેન ઇટોગી છે. થર્મનને ત્રણ પુત્ર અને એક પુત્રી છે.


અહીં એ જણાવવાનું કે સિંગાપોરની 60 લાખ કરતાં વધુ વસ્તી છે, જ્યારે નવ ટકા ભારતીય મૂળ અને મોટા ભાગના લોકો ચીની છે.

Share This Article