US Military Losses: ઈરાનમાં યુદ્ધ શરૂ થયા બાદ અમેરિકાને 3.3 અબજ ડોલરનું મોટું નુકસાન થયું છે. અમેરિકન કોંગ્રેસના તાજા અહેવાલમાં આ માહિતી સામે આવી છે. કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસના નવા અહેવાલ અનુસાર, ઈરાનમાં યુદ્ધ શરૂ થયા બાદથી અમેરિકાના ઓછામાં ઓછા 81 મિલિટરી એરક્રાફ્ટ નષ્ટ થયા છે અથવા તેમને નુકસાન થયું છે. તેમાં અમેરિકાના કેટલાક સૌથી આધુનિક લડાકુ વિમાનો પણ સામેલ છે.
અમેરિકા અને ઇઝરાયલે આ જ વર્ષે 28 ફેબ્રુઆરીએ ઈરાન વિરુદ્ધ હુમલો કર્યો હતો, ત્યારબાદ મધ્ય પૂર્વમાં ભીષણ યુદ્ધ ફાટી નીકળ્યું હતું. ઈરાને મોટા પાયે હુમલા કરીને મધ્ય પૂર્વમાં આવેલા અમેરિકન ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. તેમાં અમેરિકાના ફાઈટર જેટ્સ, મિલિટરી વિમાનો અને સંરક્ષણ પ્રણાલીઓને નુકસાન થયું છે.
કોંગ્રેસના અહેવાલ અનુસાર, યુદ્ધ શરૂ થયા બાદથી એક F-35A લાઈટનિંગ II સ્ટેલ્થ ફાઈટર અને 12 F-15E સ્ટ્રાઈક ઈગલ ફાઈટરને નુકસાન થયું છે. આ વિમાનો કાં તો નષ્ટ થયા છે અથવા તેમને નુકસાન થયું છે. તેમાં ત્રણ F-15 ફાઈટર જેટ્સને યુદ્ધની શરૂઆતમાં 2 માર્ચે કુવૈત ઉપર ફ્રેન્ડલી ફાયરમાં તોડી પાડવામાં આવ્યા હતા. ફ્રેન્ડલી ફાયરનો ઉપયોગ એવી સ્થિતિ માટે થાય છે, જ્યારે પોતાની જ સેનાની ગોળીબારીથી નુકસાન થાય છે.
ત્યારબાદ બીજા એક જેટને આગામી મહિને ઈરાન ઉપર તોડી પાડવામાં આવ્યું હતું. 9 અને 10 સપ્ટેમ્બરે જોર્ડનમાં મુવાફ્ફક સલ્ટી એર બેઝ પર ઈરાનના હવાઈ હુમલા દરમિયાન અન્ય 8 F-15E વિમાનોને પણ સામાન્ય નુકસાન થયું છે.
ઈરાન વિરુદ્ધના સંઘર્ષમાં અમેરિકાને સૌથી મોટું નુકસાન MQ-9 રીપર ડ્રોનનું થયું છે. તેને ઓછામાં ઓછા 45 MQ-9 રીપર ડ્રોનનું નુકસાન થયું છે. એક ડ્રોનની કિંમત 3થી 5 કરોડ ડોલર વચ્ચે આંકવામાં આવે છે. એર ફોર્સના એક જનરલે જણાવ્યું કે આ નુકસાન બાદ અમેરિકાની પાસે આ ડ્રોનની સંખ્યા ઘટીને 135 રહી ગઈ છે. અગાઉ આ ડ્રોનની સંખ્યા 189 હતી.
ઈરાનના હુમલામાં અમેરિકાના સૌથી આધુનિક લડાકુ વિમાનોમાંના એક પાંચમી પેઢીના F-34Aને પણ નુકસાન થયું છે. 9.2 કરોડ ડોલરની કિંમત ધરાવતા આ વિમાન પર 19 માર્ચે હુમલો કરવામાં આવ્યો હતો. તેની સાથે જ 27 કરોડ ડોલરના E-3 સેન્ટ્રી સર્વિલન્સ પ્લેનને પણ નુકસાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
- F-15E સ્ટ્રાઈક ઈગલ ફાઈટર જેટ- 12
- F-35A લાઈટનિંગ II સ્ટેલ્થ ફાઈટર- 1
- A-10 “વોર્થોગ” એટેક જેટ- 2
- KC-135 સ્ટ્રેટોટેન્કર એરિયલ રીફ્યુઅલિંગ એરક્રાફ્ટ- 7
- E-3 સેન્ટ્રી સ્પાઈ પ્લેન- 1
- MC-130J કમાન્ડો II સ્પેશિયલ ઓપરેશન એરક્રાફ્ટ- 1
- HH-60W જોલી ગ્રીન II કોમ્બેટ સર્ચ-એન્ડ-રેસ્ક્યુ હેલિકોપ્ટર- 1
- MQ-4C ટ્રાઈટન હાઈ-ઓલ્ટિટ્યુડ લોંગ-એન્ડ્યુરન્સ ડ્રોન- 1
- MQ-1 મલ્ટી-રોલ ડ્રોન- 3
- AH-64 અપાચે એટેક હેલિકોપ્ટર- 1
- AH-6 લિટલ બર્ડ લાઈટ એટેક હેલિકોપ્ટર- 4
- MH-60 સી હોક મેરીટાઈમ હેલિકોપ્ટર- 1
- MQ-9 રીપર ડ્રોન- 45

