ઢાકા, તા. 26 : લઘુમતી સમુદાયની સુરક્ષા માટે કાયદો લાવવા સહિતની આઠ માંગ સાથે હિન્દુ સમુદાયના હજારો લોકોએ શનિવારે બાંગલાદેશમાં રસ્તા પર ઊતર પડતાં ચટગાંવમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આંદોલનકારી હિન્દુ સમુદાયે લઘુમતીઓ વિરુદ્ધ અપરાધોના મામલામાં ગતિભેર સમાધાનમાં મદદ કરે, તેવી ટ્રિબ્યુનલ રચવાની માંગ કરી હતી.
સાથોસાથ લઘુમતી બાબતોનું એક મંત્રાલય બનાવવા તેમજ પીડિત લઘુમતીઓને યોગ્ય વળતર, પુનર્વસન કરી આપવાની માંગ પણ ચટગાંવમાં રેલી યોજીને કરાઈ હતી. દુર્ગાપૂજા માટે પાંચ દિવસની રજાની માંગ પણ કરી છે. પ્રદર્શન વચ્ચે બાંગલાદેશના પર્યાવરણ પ્રધાન સૈયદ રિઝવાના હસને હિન્દુ સમુદાયોને આશ્વાસન આપી દુર્ગાપૂજા માટે પહેલીવાર બે દિવસની રજાનું એલાન કર્યું હતું. હિન્દુ સમુદાયના નેતાઓએ કહ્યું હતું કે, આ રજા એક મહત્ત્વની શરૂઆત છે, પરંતુ અન્ય માગો પર પણ ધ્યાન અપાવું જોઈએ. પ્રદર્શનકારી સમુદાયે કહ્યું હતું કે, લઘુમતી સમુદાયોના કલ્યાણ માટે હિન્દુ, બૌદ્ધ અને ઈસાઈ કલ્યાણ ટ્રસ્ટને ફાઉન્ડેશનનો દરજ્જો આપવો જોઈએ.

