Vishal Garg Better CEO: Better ના CEO વિશાલ ગર્ગની છૂટ્ટી, બોર્ડે નિર્ણય લેવાની રીત અને સ્વભાવ અંગે વ્યક્ત કરી ચિંતા
Vishal Garg Better CEO: ભારતીય-અમેરિકન એન્ટરપ્રેન્યોર વિશાલ ગર્ગ વર્ષ 2021માં ક્રિસમસના ઠીક પહેલાં ત્રણ મિનિટની Zoom કોલ પર 900 કર્મચારીઓને નોકરીમાંથી કાઢીને ‘બેરહમ કોર્પોરેટ છટણી’ના વૈશ્વિક પ્રતીક બની ગયા હતા. હવે ખુદ તેમની જ નોકરી ચાલી ગઈ છે. ગર્ગને Better Home and Finance ના ચીફ એક્ઝિક્યુટિવ (CEO) પદેથી હટાવી દેવામાં આવ્યા છે. આ અંગે દુનિયાભરમાંથી અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.
ગર્ગને ઓગસ્ટની શરૂઆતમાં હટાવવામાં આવ્યા હતા, જ્યારે એક અઠવાડિયા પહેલાં બોર્ડમાં સામેલ થયેલા ડેનિયલ લુઈસને વચગાળાના CEO બનાવવામાં આવ્યા હતા. Betterના બોર્ડે કહ્યું કે ગર્ગને છોડીને બાકીના તમામ ડિરેક્ટરોએ સર્વસંમતિથી તેમને હટાવવાના પક્ષમાં મત આપ્યો હતો. સમગ્ર બોર્ડે ગર્ગની નિર્ણય લેવાની રીત અને સ્વભાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. 2022થી 1.5 બિલિયન ડોલરના નુકસાન અને સ્ટોકની કિંમતમાં 90 ટકા ઘટાડાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
કોર્પોરેટની અજીબ કહાણી
વિશાલ ગર્ગની બરતરફી ગર્ગની અસાધારણ કોર્પોરેટ કહાણીમાં એક નવો વળાંક છે. તેમણે પરંપરાગત મોર્ગેજ પ્રક્રિયાથી નિરાશ થઈને ‘Better’ની શરૂઆત કરી હતી. ભારતમાં જન્મેલા અને ન્યૂયોર્કમાં ઉછરેલા ગર્ગે સ્ટુયવેસન્ટ હાઈ સ્કૂલ અને ન્યૂયોર્ક યુનિવર્સિટીના સ્ટર્ન સ્કૂલ ઓફ બિઝનેસમાંથી અભ્યાસ કર્યો હતો. આ પહેલાં તેમણે ઓનલાઈન સ્ટુડન્ટ લેન્ડર MyRichUncle ની સહ-સ્થાપના કરી હતી અને 2014માં ‘Better’ ની શરૂઆત કરી હતી.
કર્મચારીઓ સાથેના તેમના વ્યવહારે તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ કરી દીધા હતા. ડિસેમ્બર 2021માં ગર્ગે Zoom કોલ પર અચાનક 900થી વધુ કર્મચારીઓને જણાવ્યું હતું કે તેમને નોકરીમાંથી કાઢવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે તેમની નોકરી તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવી રહી છે. ત્યારબાદ સર્જાયેલા હોબાળા વચ્ચે તેઓ રજા પર જતા રહ્યા હતા અને ત્યારબાદ CEO તરીકે પરત ફર્યા હતા.
‘નોકરીમાંથી કાઢવા ખોટું હતું’
પાંચ વર્ષ બાદ ગર્ગ સ્વીકારે છે કે તે ઘટનાએ Better ની પ્રતિષ્ઠાને ખરાબ રીતે નુકસાન પહોંચાડ્યું હતું. જોકે તેમનું કહેવું છે કે તેમને ઠીક ત્યારે હટાવવામાં આવ્યા, જ્યારે કંપની સુધારાની દિશામાં આગળ વધી રહી હતી. તેમણે કહ્યું કે અમે જીતી રહ્યા છીએ. અમે લોન વોલ્યુમને ત્રણ ગણું કરી દીધું છે. અમે નફો મેળવવાની નજીક છીએ. બિઝનેસને ફરીથી ઊભો કર્યા બાદ તેમણે Betterની સ્થિતિને 5-યાર્ડ લાઇન પર હોવાનું જણાવ્યું.
મહામારી દરમિયાન રિફાઇનાન્સિંગ બૂમના સમયે જે કંપનીનું વેલ્યુએશન 8 બિલિયન ડોલર હતું, તેની માર્કેટ વેલ્યુ હવે 300 મિલિયન ડોલર છે. વાર્ષિક વેચાણ 2021માં 1.5 બિલિયન ડોલરથી ઘટીને 2023માં 70 મિલિયન ડોલર થઈ ગયું. ગર્ગનું કહેવું છે કે 2026 સુધીમાં રેવન્યુ 200 મિલિયન ડોલર સુધી પહોંચવાના માર્ગ પર છે. ‘Better’એ મોર્ગેજ પ્રોસેસિંગને ઓટોમેટ કરવા માટે AI પર ભરોસો કર્યો છે અને હોમ-ઇક્વિટી લેન્ડિંગના ક્ષેત્રમાં બિઝનેસ વધાર્યો છે.
વિશાલ ગર્ગ ચૂપ નથી
ગર્ગ પોતાની બરતરફીને ચૂપચાપ સ્વીકારી રહ્યા નથી. તેઓ CEOનું પદ પરત મેળવવા માટે એક લો ફર્મની મદદ લઈ રહ્યા છે અને ‘Better’ નફામાં આવે ત્યાં સુધી વાર્ષિક 1 ડોલરના પગાર પર કામ કરવાનો પ્રસ્તાવ આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેમને ખાસ વોટિંગ અધિકાર ધરાવતા શેરહોલ્ડર્સનું સમર્થન પ્રાપ્ત છે. તેમણે કહ્યું કે આ એ વાતની સ્વીકૃતિ છે કે હું 10 વર્ષથી આ કામ કરી રહ્યો છું. મને લાગે છે કે ‘Better’નું ભવિષ્ય ઉજ્જવળ છે.

