CBSE DigiLocker Answer Sheets: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) એ વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ ફેરફારની તૈયારી શરૂ કરી દીધી છે. વર્ષ 2027 થી 12મા ધોરણના વિદ્યાર્થીઓને તેમની માર્કશીટની સાથે પરીક્ષાની સ્કેન કરેલી ઉત્તરવહી (Answer Sheet) પણ DigiLocker પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ નવી વ્યવસ્થા લાગુ થયા પછી આન્સર શીટ મેળવવા માટે અલગથી અરજી કરવાની જરૂર નહીં પડે.
આ નવી વ્યવસ્થાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને પોતાની ચેક કરેલી કોપી સરળતાથી મળી રહે તે અને પારદર્શિતા લાવવાનો છે. ચાલો જાણીએ કે સીબીએસઈ બોર્ડની આ સુવિધા ક્યારથી શરૂ થશે અને આનાથી વિદ્યાર્થીઓને શું લાભ મળશે.
ફરિયાદોને ધ્યાનમાં રાખીને CBSE બોર્ડે લીધો નિર્ણય
અહેવાલો અનુસાર, સીબીએસઈ બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર થયા પછી વિદ્યાર્થીઓએ પોતાની સ્કેન આન્સર શીટ મેળવવા માટે અલગથી ઓનલાઇન અરજી કરવી પડે છે. ત્યારપછી જ તેઓ ગુણના વેરિફિકેશન અથવા પુનઃમૂલ્યાંકન (Re-evaluation) ની પ્રક્રિયામાં સામેલ થઈ શકે છે. આ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓએ ઉત્તરવહીઓ સાથે જોડાયેલી ગડબડો, પોર્ટલ પર ટેકનિકલ સમસ્યાઓ અને ફી ચૂકવણીમાં આવતી મુશ્કેલીઓની ફરિયાદ કરી હતી. આ પડકારોને ઓછા કરવા અને પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવાના ઉદ્દેશ્યથી બોર્ડે આ નવી વ્યવસ્થા લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.
2027 થી માર્કશીટની સાથે સ્કેન આન્સર શીટ DigiLocker પર મળશે
આવતા વર્ષે એટલે કે 2027 થી CBSE 12મા ધોરણના વિદ્યાર્થીઓને તેમની માર્કશીટની સાથે ચેક કરેલી આન્સર શીટ સ્કેન ફોર્મેટમાં DigiLocker પર ઉપલબ્ધ કરાવશે. આનાથી વિદ્યાર્થીઓ પોતાની કોપી ઓનલાઇન જોઈ શકશે અને પોતાના આન્સરનું સરળતાથી મિલાન કરી શકશે.
આન્સર શીટ માટે અલગથી અરજીની જરૂર નહીં
નવી વ્યવસ્થા લાગુ થયા પછી 12મા ધોરણના વિદ્યાર્થીઓને આન્સર શીટ મેળવવા માટે અલગથી અરજી કરવાની જરૂર નહીં પડે.
CBSE ના આંકડા અનુસાર, ઉત્તરવહીઓની સ્કેન કોપી માંગનારા વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે.
2025 માં આશરે 2 લાખ વિદ્યાર્થીઓએ પોતાની આન્સર શીટની સ્કેન કોપી મેળવી હતી, જ્યારે 2026 માં આ સંખ્યા વધીને 4 લાખથી વધુ પર પહોંચી ગઈ.
હવે બોર્ડે વિદ્યાર્થીઓને સીધા DigiLocker પર સ્કેન આન્સર શીટ ઉપલબ્ધ કરાવવાની દિશામાં પગલું ભર્યું છે.
CBSE 12મા ધોરણના પુનઃમૂલ્યાંકન માટે 1 જૂનથી શરૂ થશે અરજી
CBSE એ ધોરણ 12મા ના વિદ્યાર્થીઓ માટે ગુણ વેરિફિકેશન (Verification) અને પુનઃમૂલ્યાંકન (Re-evaluation) ની અરજી પ્રક્રિયા 1 જૂન 2026 થી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. પહેલા આ પ્રક્રિયા 29 મે થી શરૂ થવાની હતી. બોર્ડ દ્વારા નક્કી કરાયેલી ફી મુજબ, ગુણના વેરિફિકેશન માટે 100 રૂપિયા પ્રતિ વિષય અને પુનઃમૂલ્યાંકન માટે 25 રૂપિયા પ્રતિ પ્રશ્ન ફી ચૂકવવી પડશે.

