Visnagar BJP Councilor Deepak Modi Suicide: મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારા અને રાજકીય આલમને હચમચાવી મૂકે તેવા દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વિસનગર નગરપાલિકાના ભાજપના એક સક્રિય અને લોકપ્રિય કોર્પોરેટરે રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સીધા, સરળ અને મિલનસાર સ્વભાવના ગણાતા આ નેતાના આકસ્મિક કદમથી પરિવાર સહિત સ્થાનિક રાજકીય વર્તુળો સ્તબ્ધ થઈ ગયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો મોટો કાફલો દોડી ગયો હતો અને આત્મહત્યા પાછળનું અસલી કારણ શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
રેલવે ટ્રેક નજીક બિનવારસુ એક્ટિવા મળતાં ભેદ ઉકેલાયો
આ ઘટનાની વિગત એવી છે કે સવારે આશરે આઠ વાગ્યાના સુમારે વિસનગર પોલીસ સ્ટેશનમાં એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો, જેમાં રેલવે ટ્રેક નજીક એક યુવકે આપઘાત કર્યો હોવાની વર્ધી મળી હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી ત્યારે ટ્રેકની નજીક એક બિનવારસુ એક્ટિવા સ્કૂટર પડેલું જોવા મળ્યું હતું. પોલીસે જ્યારે આ સ્કૂટરની નંબર પ્લેટના આધારે તપાસ લંબાવી ત્યારે જાણવા મળ્યું કે આ વાહન વિસનગરના જ રહીશ દીપકભાઈ મોદીનું છે. આ કડીના આધારે જ મૃતકની ઓળખ પ્રસ્થાપિત થઈ શકી હતી અને પોલીસે તુરંત તેમના પરિવારને જાણ કરી હતી.
વોર્ડ નંબર-૧ માંથી ભાજપના બિનહરીફ કોર્પોરેટર બન્યા હતા દીપકભાઈ
મૃતક દીપકભાઈ મોદી વિસનગરના જાહેર જીવનમાં એક જાણીતું નામ હતા. તેઓ વિસનગર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર-૧ માંથી ભારતીય જનતા પાર્ટી (BJP) ના સત્તાવાર ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા અને તેઓ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. સમાજમાં અને પક્ષમાં બહુ સારી છાપ ધરાવતા બિનહરીફ કોર્પોરેટરના આવા કરુણ અંતથી ભાજપના સ્થાનિક સંગઠનમાં પણ ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ અંતિમ સંસ્કાર માટે લાશ પરિવારને સોંપી દીધી છે.
‘ચા પીવા જાઉં છું’ તેમ કહીને એકદમ સામાન્ય રીતે ઘરેથી નીકળ્યા હતા
આ સમગ્ર મામલે વિસનગરના ડીવાયએસપી ડી. એમ. ચૌહાણે મીડિયાને સત્તાવાર વિગતો આપતા જણાવ્યું હતું કે, દીપકભાઈ સવારે પોતાના ઘરેથી એકદમ સામાન્ય મૂડમાં નીકળ્યા હતા. તેમણે પરિવારના સભ્યોને જણાવ્યું હતું કે તેઓ નજીકમાં નાકા પર ચા પીવા માટે જઈ રહ્યા છે અને થોડીવારમાં પાછા આવી જશે. પરિવારજનોની પ્રાથમિક પૂછપરછમાં એવું પણ બહાર આવ્યું છે કે ઘરમાં કોઈ જ પ્રકારનો ઝઘડો, કંકાસ કે તણાવ જેવું વાતાવરણ નહોતું. તેઓ રોજની જેમ જ ખૂબ શાંતિથી ઘરની બહાર નીકળ્યા હતા.
કોઈ સુસાઈડ નોટ ન મળી, આત્મહત્યાનું કારણ અકબંધ
પોલીસ સામે હાલ સૌથી મોટો પડકાર એ છે કે દીપકભાઈએ આટલું આકરું પગલું કેમ ભર્યું? ડીવાયએસપીના જણાવ્યા મુજબ, ઘટનાસ્થળેથી, મૃતકના કપડાંમાંથી કે તેમના સ્કૂટરમાંથી કોઈ પણ પ્રકારની ચિઠ્ઠી અથવા સુસાઈડ નોટ મળી આવી નથી. આ કારણે આત્મહત્યા પાછળ કોઈ પારિવારિક પ્રશ્ન હતો, આર્થિક સંકટ હતું કે અન્ય કોઈ માનસિક તણાવ, તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. પોલીસે તમામ પાસાઓ પર ઝીણવટભરી તપાસ આગળ વધારી છે.
હવે મૃતકનો મોબાઈલ ફોન ખોલશે આત્મહત્યાના રહસ્યના ગૂંચવાયેલા તાર
પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે આ હાઈપ્રોફાઈલ કેસનો ભેદ ઉકેલવામાં દીપકભાઈનો મોબાઈલ ફોન સૌથી મહત્ત્વનો પુરાવો સાબિત થઈ શકે છે. હાલમાં તેમનો ફોન પરિવાર પાસે છે, જેને પોલીસ કાયદેસરની પ્રક્રિયા હેઠળ રિકવર કરશે. આ ફોનની કોલ ડિટેલ્સ (CDR), છેલ્લા કેટલાક દિવસોના મેસેજીસ, વોટ્સએપ ચેટ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની ઊંડી ટેકનિકલ તપાસ કરવામાં આવશે. પોલીસને આશા છે કે મોબાઈલના ડેટામાંથી કોઈ એવી ચોંકાવનારી કડી કે અંગત માહિતી મળી શકે છે જે આ આપઘાતના રહસ્ય પરથી પડદો ઉઠાવી શકે.
આ પણ વાંચો: Gujarat New DGP Appointment: ગુજરાતને મળ્યા નવા DGP, જાણો કોણ છે નવા DGP જ્ઞાનેન્દ્ર સિંહ મલિક – Newz Cafe

