Major Cricket League: મેજર લીગ ક્રિકેટ 2026 ના 13માં મુકાબલામાં વોશિંગ્ટન ફ્રીડમ અને ટેક્સાસ સુપર કિંગ્સ વચ્ચે શ્વાસ થંભાવી દે તેવી મેચ રમાઈ હતી. ઓકલેન્ડ કોલિઝિયમ મેદાન પર રમાયેલી આ અત્યંત રોમાંચક મેચમાં વોશિંગ્ટન ફ્રીડમે છેલ્લી બોલ પર એક વિકેટથી ઐતિહાસિક જીત નોંધાવી હતી. મેચની અંતિમ બોલ પર જીત માટે 5 રનની જરૂર હતી અને ક્રીઝ પર હાજર નિખિલ ચૌધરીએ શાંત ચિત્તે કામ લેતા અકીલ હુસૈનની બોલ પર સિક્સ ફટકારીને પોતાની ટીમને 186 રનના લક્ષ્ય સુધી પહોંચાડી અને એક અતુલ્ય જીત અપાવી હતી.
ટેક્સાસ સુપર કિંગ્સની શરૂઆત સારી રહી નહીં
આ પહેલા ટેક્સાસ સુપર કિંગ્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ તેમની શરૂઆત સારી રહી નહોતી અને કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ માત્ર 8 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. ત્યારબાદ સાઈતેજા મુક્કામલ્લા (37 રન) અને રાઈલી રુસો (34 રન) એ મળીને ઈનિંગને સંભાળી હતી. મિડલ ઓર્ડરમાં રનનો ગતિ થોડી ધીમી જરૂર રહી હતી, પરંતુ અંતિમ ઓવરોમાં ડોનોવન ફરેરા અને વિયાન મુલ્ડરે કેરેબિયન અંદાજમાં તોફાની બેટિંગ કરીને મેચનો પાસો પલટી નાખ્યો હતો. ફરેરાએ માત્ર 20 બોલમાં 5 સિક્સની મદદથી 44 રન ફટકાર્યા હતા, જ્યારે મુલ્ડરે પણ 20 બોલમાં 4 સિક્સ લગાવીને અણનમ 43 રનની ઈનિંગ રમી હતી. આ બંનેના વિસ્ફોટક પ્રદર્શનની બદૌલત ટેક્સાસે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 185 રનનો મજબૂત સ્કોર ખડો કર્યો હતો.
મિશેલ ઓવેનની શાનદાર ઈનિંગ
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી વોશિંગ્ટન ફ્રીડમને મિશેલ ઓવેને વિસ્ફોટક શરૂઆત અપાવી હતી. ઓવેને મેદાનની ચારે તરફ શૉટ રમતા માત્ર 35 બોલમાં 7 ફોર અને 6 સિક્સની મદદથી 77 રનની આતિશી ઈનિંગ રમી હતી. તેમણે કેપ્ટન સ્ટીવ સ્મિથ (30 રન) સાથે મળીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી અને વોશિંગ્ટને 10 ઓવરમાં જ 2 વિકેટ પર 112 રન બનાવી લીધા હતા. એક સમયે ફ્રીડમની ટીમ ખૂબ જ સરળતાથી જીત તરફ આગળ વધતી દેખાતી હતી, પરંતુ ઓવેન આઉટ થતા જ આખી કહાની બદલાઈ ગઈ અને મિડલ ઓર્ડર પાનાની જેમ વિખેરાઈ ગયું.
YOU CAN’T ASK FOR A BETTER MATCH ENDING ‼️ Things looked bleak for the Washington Freedom after Akeal Hosein got the first hat trick in MLC history, but rookie Nikhil Chaudhary proved his mettled and took WF over the line for a last-ball thriller win—and all on his debut. 🏆 pic.twitter.com/er8Qp3zoPe
— Cognizant Major League Cricket (@MLCricket) June 28, 2026
છેલ્લી ઓવરમાં થઈ ગયો ડ્રામા
મેચની છેલ્લી ઓવરમાં વોશિંગ્ટન ફ્રીડમને જીત માટે માત્ર 6 રન જોઈતા હતા અને તેની 4 વિકેટ સુરક્ષિત હતી. ટેક્સાસ તરફથી બોલિંગ કરવા આવેલા અકીલ હુસૈને અહીં અતુલ્ય બોલિંગ કરી હતી. તેમણે દબાણની ક્ષણોમાં શાનદાર હેટ્રિક લેતા મેચનો ઝુકાવ સંપૂર્ણપણે ટેક્સાસ તરફ વાળી દીધો હતો. અકીલે તેના સ્પેલમાં 36 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તેમની આ ઘાતક બોલિંગની બદૌલત વોશિંગ્ટને તેની 9 વિકેટ ગુમાવી દીધી હતી અને મુકાબલો છેલ્લી બોલ પર 5 રનના સમીકરણ પર આવીને અટક્યો હતો.
અંતિમ બોલ પર જ્યારે ટેક્સાસની જીત લગભગ નક્કી લાગતી હતી, ત્યારે નિખિલ ચૌધરીએ ચમત્કાર કરી દીધો. તેમણે અકીલ હુસૈનની બોલ પર ગગનચુંબી સિક્સ ફટકારીને વોશિંગ્ટન ફ્રીડમને 1 વિકેટથી ચમત્કારી જીત અપાવી હતી. નિખિલના આ સિંગલ શૉટે માત્ર મેચનું પરિણામ જ નથી બદલ્યું, પરંતુ અકીલ હુસૈનના તે સ્પેલને પણ ફીકો પાડી દીધો જે MLC ઈતિહાસના સૌથી મહાન મેચ વિનિંગ સ્પેલમાં નોંધાવા જઈ રહ્યો હતો.

