Sarala Bhatt murder case: કાશ્મીરમાં આતંકવાદીઓની બર્બરતાનો ભોગ બનેલ નર્સ સરલા ભટ્ટ માટે 36 વર્ષ બાદ ન્યાયની આશા જાગી છે

Arati Parmar
7 Min Read

Sarala Bhatt murder case: કાશ્મીરમાં આતંકવાદીઓની બર્બરતાનો ભોગ બનેલ નર્સ સરલા ભટ્ટ માટે 36 વર્ષ બાદ ન્યાયની આશા જાગી છે.

તાજેતરમાં જમ્મુ-કાશ્મીરની સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી (SIA) દ્વારા સરલા ભટ્ટ કેસમાં આતંકવાદી યાસીન મલિક અને તેના સાથીદારો વિરુદ્ધ કોર્ટમાં 737 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. કાશ્મીરી પંડિત નર્સ સરલા ભટ્ટની ક્રૂર હત્યા એ કાશ્મીર ખીણમાં 1990ના દાયકામાં શરૂ થયેલા આતંકવાદ અને કાશ્મીરી પંડિતોના સામૂહિક પલાયન સમયની એક અત્યંત દર્દનાક અને કાળજું કંપાવી દેનારી ઘટના છે.

1963માં જન્મેલા ​સરલા ભટ્ટ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કાઝીબાગ વિસ્તારના રહેવાસી એક કાશ્મીરી હિન્દુ પંડિત પરિવારના દીકરી હતાં. તેમના પિતા એક શાળાના શિક્ષક હતા. સરલા ભટ્ટે અંગ્રેજી સાહિત્યમાં સ્નાતક કર્યા બાદ નર્સિંગનો અભ્યાસ કર્યો હતો. પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા માટે તેમણે લગ્ન ન કરવાનો નિર્ણય લીધો હતો. 1990માં તેઓ શ્રીનગરના સૌરા વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત હોસ્પિટલ શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (SKIMS) ખાતે સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવી રહ્યા હતાં અને ત્યાંની જ હોસ્ટેલમાં રહેતા હતાં.

​1990ની શરૂઆતમાં જ્યારે કાશ્મીરમાં આતંકવાદ ચરમસીમા પર હતો, ત્યારે કાશ્મીરી પંડિતોને નિશાન બનાવવામાં આવી રહ્યા હતા. સરલા ભટ્ટની હત્યા પાછળ આતંકવાદી સંગઠન જમ્મુ એન્ડ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF) નો હાથ હતો, જેના તત્કાલીન ચીફ કમાન્ડર યાસીન મલિક હતો. તા. 15 એપ્રિલ 1990ના રોજ (કેટલાક રિપોર્ટ્સ મુજબ 12 એપ્રિલ), 27 વર્ષના સરલા ભટ્ટ જ્યારે હોસ્પિટલથી ફરજ પૂરી કરીને હોસ્ટેલ તરફ પરત ફરી રહ્યા હતા, ત્યારે JKLFના આતંકવાદીઓએ કારમાં તેમનું અપહરણ કર્યું હતું. આતંકવાદીઓએ તેમને કેદમાં રાખ્યા હતા. આ દરમિયાન તેમની ઉપર અમાનુષી શારીરિક અત્યાચાર ગુજારવામાં આવ્યો, સિગારેટના ડામ દેવામાં આવ્યા અને સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. ક્રૂરતાની બધી હદો પાર કર્યા બાદ, આતંકવાદી ખુરશીદ અહમદ ચાલકુ (જેણે ગોળી ચલાવી હતી) અને તેના સાથીઓએ સરલા ભટ્ટને ઓટોમેટિક રાઇફલથી ગોળીઓ મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. 19 એપ્રિલ 1990ના રોજ શ્રીનગરના મલ્લબાગ (ઉમર કોલોની) વિસ્તારમાં રસ્તા કિનારેથી તેમનો ક્ષત-વિક્ષત અને લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યો હતો.

​આતંકવાદીઓએ સરલા ભટ્ટના મૃતદેહ સાથે એક હાથથી લખેલી ચિઠ્ઠી પણ છોડી હતી, જેમાં JKLF એ આ હત્યાની જવાબદારી સ્વીકારી હતી. ચિઠ્ઠીમાં એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે સરલા ભટ્ટ પોલીસ અને CID માટે ‘મુખબીર’ (ઇન્ફોર્મર/બાતમીદાર) તરીકે કામ કરતા હતા અને હોસ્પિટલમાં આતંકવાદીઓની હાજરીની માહિતી આપતા હતા. ​જોકે, તાજેતરની SIAની તપાસમાં સ્પષ્ટ થયું છે કે આ આરોપ સંપૂર્ણપણે ખોટો અને પાયાવિહોણો હતો. આતંકવાદીઓએ માત્ર પોતાની આ ક્રૂર હત્યાને યોગ્ય ઠેરવવા અને કાશ્મીરી પંડિતોમાં ડરનો માહોલ પેદા કરવા માટે જ આ ખોટો પ્રચાર કર્યો હતો.

​1990માં કાશ્મીરમાં આતંકવાદ એટલો ભયાનક હતો કે ડરના કારણે આ કેસની તપાસ આગળ વધી શકી નહીં અને ફાઇલ બંધ થઈ ગઈ. સરલા ભટ્ટના પરિવાર સહિત બાકીના કાશ્મીરી પંડિતોએ પણ ખીણ છોડીને પલાયન કરવું પડ્યું હતું.

- Advertisement -

યુપીએ સરકારના શાસનકાળ (2004 થી 2014) દરમિયાન આતંકવાદી અને કાશ્મીરી અલગતાવાદી નેતા યાસીન મલિકને કેન્દ્ર સરકાર તરફથી જે સ્તરનું રાજકીય મહત્વ અને સરભરા મળી હતી, તે આજે પણ ભારતના રાજકીય ઇતિહાસમાં ભારે વિવાદ અને ચર્ચાનો વિષય છે. એ સમયે કેન્દ્ર સરકારની નીતિ કાશ્મીરમાં શાંતિ સ્થાપવા માટે અલગતાવાદી જૂથો સાથે ‘નરમ વલણ’ અપનાવીને વાતચીત કરવાની હતી. આ નીતિ હેઠળ યાસીન મલિકને દિલ્હીના સત્તાવાર વર્તુળોમાં ઘણું મહત્વ મળ્યું હતું.

યાસીન મલિકના સત્તાવાર મહત્વની સૌથી ચરમસીમા 17 ફેબ્રુઆરી 2006ના રોજ જોવા મળી હતી. તત્કાલીન વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહે દિલ્હીમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન 7, રેસકોર્સ રોડ પર યાસીન મલિક સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં કાશ્મીર મુદ્દે અને ત્યાં શાંતિ પ્રક્રિયા અંગે ચર્ચા થઈ હતી. દેશના વડાપ્રધાન દ્વારા એક એવા વ્યક્તિને મુલાકાત આપવી, જેના પર 1990માં વાયુસેનાના અધિકારીઓની હત્યા, સરલા ભટ્ટની હત્યા અને રૂબિયા સઇદના અપહરણ જેવા ગંભીર આતંકવાદી કેસો નોંધાયેલા હતા, તે બાબત ભારે વિવાદાસ્પદ બની હતી. આ મુલાકાતની તસવીરો આજે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.

- Advertisement -

1990ના દાયકાના ગુનાઓ અને દેશવિરોધી પ્રવૃત્તિઓમાં લિપ્ત હોવા છતાં, UPA શાસન દરમિયાન યાસીન મલિકને વિદેશ પ્રવાસ માટે પાસપોર્ટ ઈશ્યૂ કરવામાં આવ્યો હતો અને તેને નિયમિતપણે રિન્યૂ પણ કરી આપવામાં આવતો હતો. આ અંતર્ગત તેણે પાકિસ્તાન, અમેરિકા અને યુકે જેવા દેશોનો પ્રવાસ કર્યો હતો. પાકિસ્તાન પ્રવાસ દરમિયાન તેણે ત્યાંના ટોચના નેતાઓ અને આતંકવાદી સંગઠનોના વડાઓ સાથે ખુલ્લેઆમ મુલાકાતો કરી હતી.

ફેબ્રુઆરી 2013માં જ્યારે યાસીન મલિક પાકિસ્તાનની મુલાકાતે હતો, ત્યારે ઇસ્લામાબાદમાં 26/11 મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ અને લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઇદ સાથે તે એકજ મંચ પર ભૂખ હડતાળ પર બેઠો હતો. ભારતમાં સંસદ હુમલાના દોષિત અફઝલ ગુરુની ફાંસીના વિરોધમાં આ પ્રદર્શન યોજાયું હતું.
આ ઘટના બાદ ભારતમાં ભારે હોબાળો મચ્યો હતો.

- Advertisement -

એ ગાળામાં યાસીન મલિકને દિલ્હીના હાઈ-પ્રોફાઈલ સેમિનારો, મીડિયા કોન્ફરન્સો અને બૌદ્ધિકોની બેઠકોમાં આમંત્રિત કરવામાં આવતો હતો. પ્રમુખ ન્યૂઝ ચેનલો પર તેની પ્રાઇમ-ટાઇમ ડિબેટ લેવાતી હતી, જ્યાં તેને “ભૂતપૂર્વ આતંકવાદી જે હવે ગાંધીવાદી માર્ગે ચાલે છે” એ રીતે રજૂ કરવાનો પ્રયાસ થતો હતો. તેના ભૂતકાળના લોહિયાળ ગુનાઓને નજરઅંદાજ કરીને તેને કાશ્મીરના એક સ્ટેક હોલ્ડર તરીકે સ્વીકૃતિ આપવામાં આવી રહી હતી.

યાસીન મલિક વિરુદ્ધ એરફોર્સના જવાનોની હત્યા, સરલા ભટ્ટની હત્યા અને રૂબિયા સઇદ અપહરણ જેવા અતિ ગંભીર ટાડાના કેસો નોંધાયેલા હતા. પરંતુ UPA ના 10 વર્ષના શાસન દરમિયાન આ કેસોની તપાસ કાં તો ઠંડા બસ્તામાં રહી અથવા તો કોર્ટમાં તેની ટ્રાયલ ખૂબજ ધીમી ગતિએ ચાલી. તેને કારણે તે દાયકાઓ સુધી ખુલ્લેઆમ ફરતો રહ્યો અને જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF) ના નામે અલગતાવાદી એજન્ડા ચલાવતો રહ્યો.

ટૂંકમાં કહીએ તો, UPA શાસનકાળ દરમિયાન કાશ્મીર નીતિના ભાગરૂપે યાસીન મલિકને ગુનાહિત ભૂતકાળ હોવા છતાં દિલ્હીના સત્તાવાળાઓ તરફથી જે ‘રાજકીય કવચ’ અને વૈધતા મળી, તેણે તેને કાશ્મીર ખીણનો એક મોટો નેતા સ્થાપિત કરવામાં મદદ કરી હતી. જે સ્થિતિ 2014 પછી બદલાઈ અને તેની સામે કડક કાનૂની કાર્યવાહી શરૂ થઈ. 34 વર્ષ બાદ ​માર્ચ 2024માં સરલા ભટ્ટ હત્યા કેસ જમ્મુ-કાશ્મીરની સ્પેશિયલ એજન્સી SIAને સોંપવામાં આવ્યો. SIA એ વૈજ્ઞાનિક પદ્ધતિઓ, ફોરેન્સિક પુરાવા અને ગુપ્ત સાક્ષીઓના નિવેદનોના આધારે કેસની કડીઓ જોડી અને જૂન 2026માં શ્રીનગરની ટાડા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં મુખ્ય કાવતરાખોર તરીકે યાસીન મલિક (જે હાલ અન્ય ટેરર ફંડિંગ કેસમાં તિહાર જેલમાં આજીવન કેદ ભોગવી રહ્યો છે) અને ગોળી ચલાવનાર ખુરશીદ અહમદ ચાલકુ (જે હાલ પાકિસ્તાનમાં હોવાનું મનાય છે) સહિત 5 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. આ ચાર્જશીટથી આતંકવાદના પીડિતો માટે લાંબા સમય બાદ ન્યાયની આશા જાગી છે.

Share This Article