ભુજ-દિલ્હી ટ્રેનની સફર અદ્યતન કોચ સાથેની શરૂ થઈ

Reena Brahmbhatt
3 Min Read

ભુજ, તા. 2 : ભુજથી દિલ્હી સરાઇ રોહિલ્લાને જોડતી અદ્યતન એલએચબી કોચ સાથેની સુપરફાસ્ટ ટ્રેનને ભુજ રેલવે સ્ટેશનેથી અગ્રણીઓએ લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ તકે આગામી સમયમાં ભુજને વધુ રેલવે સેવાનો લાભ આપવાની નેમ અગ્રણીઓ દ્વારા વ્યકત કરાઇ હતી. ભુજથી દિલ્હી ટ્રેનની પ્રથમ સફરને મુસાફરોનો સારો પ્રતિસાદ સાંપડયો હતો. હાલ આ ટ્રેન સપ્તાહમાં બેવાર દોડશે. જો પ્રવાસીઓનો ધસારો વધશે તો દિવસો વધારવામાં આવશે તેવી ધરપત અપાઇ હતી. ગાંધીધામ ખાતે પણ ધારાસભ્ય, રેલવેના અધિકારીઓ તેમજ અગ્રણીઓની ઉપસ્થિતિમાં ટ્રેનને પ્રસ્થાન કરાવાયું હતું. દરમ્યાન અંજાર પાસે ગાય અથડાતાં એન્જિનમાં નુકસાનીના કારણે ટ્રેન મોડી પડી હતી.

નવા બાવીસ એલએચબી કોચ સાથેની ટ્રેન 20983ને લીલીઝંડી દેખાડી ભુજના ધારાસભ્ય કેશુભાઇ પટેલ અને નગરઅધ્યક્ષા રશ્મિબેન સોલંકીએ પ્રસ્થાન કરાવ્યું હતું. રેલવેના એટીએમ અતિકુર રહેમાન, એ.સી.એમ. હાફીઝ ખાન, ભુજ સ્ટેશન મેનેજર રાજીવકુમાર સિંઘ, શીતલ શાહ, ભાવેશ ઠક્કર, રાજેન્દ્રસિંહ જાડેજા, પદ્મશ્રી અબ્દુલગફુર અને આનંદ રાયસોની ઉપસ્થિત રહ્યા હતા. રેલવે વિસ્તરણ?અને કચ્છ પેસેન્જર એસો.ના પ્રમુખ એ.વાય. આકબાની, મંત્રી પ્રબોધ મુનવર તથા આગેવાનોના હસ્તે ટ્રેન ચાલકોનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. કચ્છના સાંસદ વિનોદ ચાવડાની સતત રજૂઆતો અને રેલવે વિસ્તરણ અને કચ્છ પેસેન્જર્સ એસો., કચ્છ પ્રવાસી સંઘ-મુંબઇ તથા જાગૃત નાગરિકોની રજૂઆતોથી આખરે કચ્છને ભુજ-દિલ્હી નવી ટ્રેન મળી છે. રણોત્સવ માણવા કચ્છ આવતા દેશ-વિદેશના પર્યટકો રેલવે સેવા ઝંખે છે, તો કચ્છના પાટનગર ભુજને વધુને વધુ રેલવે સેવાઓથી જોડવાની માંગ પણ ઊઠી રહી છે.

- Advertisement -

QRPM5TAb train

ભુજ-નલિયા બ્રોડગેજ લાઇનનું કામ સમયસર પૂર્ણ થાય અને પ્રવાસી જનતાની લાંબા સમયની માગણી વેળાસર પરિપૂર્ણ થાય તેવી રજૂઆત પણ આ તકે કરવામાં આવી હતી. દરમ્યાન ગાંધીધામ ખાતે ટ્રેન આવી પહોંચી ત્યારે ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો. ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વસવરીએ આ ટ્રેન શરૂ થતાં પ્રવાસીઓને નવી સગવડતા મળશે તેવી લાગણી વ્યકત કરી હતી. સુધરાઈ પ્રમુખ તેજસ શેઠ, સલાહકાર સમિતિના સભ્ય મધુકાંત શાહ, શહેર ભાજપ પ્રમુખ પંકજ ઠક્કર, એરિયા રેલવે મેનેજર આશિષ ધાનિયા, બળવંત ઠક્કર, મોમાયાભા ગઢવી, ચેમ્બરના ખજાનચી નરેન્દ્ર રામાણી, પારસ નાહટા, બચુભાઈ આહીર, રાકેશ જૈન, ટિમ્બર પ્રમુખ નવનીત ગજ્જર, ઉપપ્રમુખ હેમચંદ્ર યાદવ , સ્ટેશન અધીક્ષક કૃષ્ણકુમાર શર્મા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. ટ્રેનના લોકોપાઈલટ, આસિસ્ટન્ટ લોકોપાઈલટને મીઠું મોં કરીને શુભેચ્છા પાઠવી હતી. દરમ્યાન અંજાર-આદિપુર વચ્ચે ટ્રેન હડફેટે ગાય આવી જતાં એન્જિનના પ્રેશર પાઈપમાં નુકસાન થયું હતું. ગાંધીધામથી બીજું એન્જિન મોકલીને ટ્રેન ગાંધીધામ લવાઈ હતી. જેના કારણે ટ્રેન ગાંધીધામ એક કલાક મોડી પહોંચી હતી. દિલ્હીની કાયમી ટ્રેનની પ્રથમ ટ્રિપમાં ગાંધીધામથી 60 ટકા પ્રવાસીઓનું બુકિંગ થયું હોવાનું જણાવા મળ્યું હતું.

- Advertisement -
Share This Article