શું રાજનાથસિંહની મુલાકાતથી અમેરિકા સાથેની મિત્રતા મજબૂત થશે ?

Reena Brahmbhatt
3 Min Read

ભારત અને અમેરિકા વચ્ચેની મિત્રતા લગભગ તમામ સ્તરે સતત મજબૂત બની રહી છે. તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથાસિંહે અમેરિકાની મુલાકાત લીધી તે રાજદ્વારી અને વ્યૂહાત્મક રીતે ભારે મહત્ત્વની બની રહી હતી. રાજનાથસિંહની મુલાકાત એવા સમયે યોજાઇ હતી, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેન અને પોલેન્ડ ગયા હતા. આમ, વડાપ્રધાન મોદીએ તેમની રશિયા અને તે પછીની યુક્રેન યાત્રાની સાથે સંતુલન સાધતા હોય તેમ સંરક્ષણ મંત્રીની અમેરિકા મુલાકાત ગોઠવી હોય એ સ્પષ્ટ થઇ રહ્યંy છે.

ઉલ્લેખનીય છે કે, મોદી જ્યારે રશિયાની મુલાકાતે ગયા ત્યારે અમેરિકા તરફથી ભારતને સલાહ આપતાં ઘણા નિવેદનો સામે આવ્યાં હતાં. હવે રાજનાથાસિંહની મુલાકાતથી અમેરિકાની સલાહને પૂર્ણવિરામ લાગી રહ્યંy છે. લાંબા ગાળાના વ્યૂહાત્મક હિતોને જાળવી રાખવા માટે ભારતને અમેરિકા સાથેની મિત્રતા જરૂરી રહી છે. ચીન સામેના મોરચે ભારતને વૈશ્વિક સહયોગ માટે અમેરિકાની મિત્રતા અનિવાર્ય છે. આ સંદર્ભમાં રાજનાથાસિંહની મુલાકાતે આ ઉદ્દેશને વધુ સરળ બનાવ્યો છે. ભારતીય સંરક્ષણ મંત્રીની મુલાકાત સમયે અમેરિકાનાં સંરક્ષણ વડામથક પેન્ટાગોને હકારાત્મક નિવેદન કર્યું છે. પેન્ટાગોને લાગણી વ્યક્ત કરી છે કે, ભારત અને અમેરિકા વૈશ્વિક બાબતો પર સાથે મળીને કામ કરશે.

- Advertisement -

rajnath singh

ભારત અને અમેરિકા હિન્દ અને પ્રશાંત મહાસાગર વિસ્તારને મુક્ત અને સ્વતંત્ર રાખવાના વિચારની હિમાયત કરી રહ્યાં છે. આ વિચારને મૂર્તિમંત કરવા બન્ને દેશ સંરક્ષણ સરંજામનાં ઉત્પાદનમાં સહકારના સંબંધોને મજબૂત કરવા પર સતત ધ્યાન આપી રહ્યા છે. આ સંદર્ભમાં રાજનાથાસિંહ અમેરિકાની મુલાકાત દરમ્યાન સલામતી વ્યવસ્થા પુરવઠા કરાર પર અમેરિકાની સાથે સહી કરે એ ખાસ મહત્ત્વ ધરાવે છે. આ કરાર હેઠળ ભારત અને અમેરિકા એકમેકને સંરક્ષણ સાધનો અને સેવાઓ માટે પરસ્પર અગ્રતા આધારિત સમર્થન આપશે. અમેરિકાએ ભારતીય સંરક્ષણ મંત્રીની મુલાકાત દરમ્યાન ભારતને સબમરિન વિરોધી સોનોબોય્ઝ અને અન્ય આનુષાંગિક સાધનો 5.28 કરોડ ડોલરના ખર્ચે પૂરાં પાડવાની સૈદ્ધાંતિક સંમતિ આપી છે.

- Advertisement -

રાજનાથાસિંહે સબમરિન અને અન્ય નૌકા શત્રોનાં પરીક્ષણ માટે દુનિયાની શ્રેષ્ઠ વ્યવસ્થાઓ પૈકીની એકની અમેરિકામાં મુલાકાત લીધી હતી. ભારત આગામી સમયમાં પોતાને ત્યાં આવી વ્યવસ્થા ઊભી કરવા માગે છે, તે જોતાં સંરક્ષણ મંત્રીની આ મુલાકાત પણ મહત્ત્વની રહી હતી. શક્ય છે કે, અમેરિકા આવી સુવિધા ઊભી કરવામાં ભારતને સહયોગ આપવા તૈયાર થઇ જાય. ઉલ્લેખનીય છે કે, ભારત અને અમેરિકા સંયુક્ત રાષ્ટ્ર સંઘ, આઇએમએફ, ક્વાડ, આસિયાન, વિશ્વ બેંક, ડબલ્યુટીઓ જેવા મંચો પર પરસ્પર સહયોગ કરી રહ્યા છે. આ ઉપરાંત હિન્દ મહાસાગર અને પ્રશાંત મહાસાગરને અન્ય દેશ (ચીન)નાં દબાણથી મુક્ત રાખવા માટેની સમજૂતીમાં ભારત અને અમેરિકા અન્ય 12 દેશની સાથે ભાગીદારી કરી રહ્યા છે. અમેરિકા પણ ભારત સાથેની મિત્રતાનાં મહત્ત્વને બરાબર સમજે છે. એટલા માટે રશિયા સાથેની ભારતની દોસ્તીનો તેણે મને કે કમને સ્વીકાર કરી લીધો છે. આવામાં રાજનાથાસિંહની અમેરિકા મુલાકાતે બન્ને દેશોની મિત્રતા અને પરસ્પર સહયોગને નવી મજબૂતી આપી હોવાનો કોઇ ઇન્કાર કરી શકે તેમ નથી.

Share This Article