Chaitar Vasava Support Rally: ચૈતર વસાવાના સમર્થનમાં ‘આપ’નું શક્તિ પ્રદર્શન, છોટા ઉદયપુરમાં ૧ લાખ લોકોની રેલી અને હસ્તાક્ષર અભિયાનની તૈયારી

Arati Parmar
2 Min Read

Chaitar Vasava Support Rally: વનકર્મી પર હુમલાના કેસમાં સાત વર્ષની સજા ભોગવી રહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ વડોદરા જેલમાં બંધ છે. ત્યારે તેમના સમર્થનમાં ‘આપ’ હવે છોટા ઉદયપુરમાં મોટું શક્તિ પ્રદર્શન કરવા જઈ રહી છે. સોશિયલ મીડિયા પર ‘હું ચૈતર વસાવાની સાથે છું’ નામના પોસ્ટર વાયરલ થઈ રહ્યા છે. આગામી દિવસોમાં આ આંદોલન વધુ વેગ પકડે તેવી સંભાવના છે, જેમાં ૫૧,૦૦૦ હસ્તાક્ષર અભિયાન બાદ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવશે અને ત્યારબાદ ૧ લાખ લોકોની હાજરીમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવશે.

ડેડિયાપાડા બાદ હવે છોટા ઉદયપુર પર નજર

અગાઉ ડેડિયાપાડા ખાતે યોજાયેલા સંમેલનમાં ગોપાલ ઈટાલિયા, ઈશુદાન ગઢવી અને મનોજ સોરઠિયા જેવા દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી. આમ આદમી પાર્ટી આ મુદ્દાને આદિવાસી સમાજના હક અને અધિકાર સાથે જોડીને રાજકીય રીતે મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી છે. જોકે, આ કેસમાં સાંસદ મનસુખ વસાવાએ સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે કેસ ત્રણ વર્ષથી ચાલતો હતો, ત્યારે ચૈતર વસાવા માટે કોઈ મજબૂત વકીલ કેમ રોકવામાં ન આવ્યા?

- Advertisement -

આદિવાસી બેલ્ટમાં ‘આપ’નો વધતો જનાધાર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન આશ્ચર્યજનક રહ્યું છે. નર્મદા જિલ્લા પંચાયત અને છોટા ઉદેપુરના ક્વાંટ તાલુકા પંચાયતમાં ‘આપ’ને સ્પષ્ટ બહુમત મળ્યો છે. આ વિસ્તારમાં કોંગ્રેસના સુપડા સાફ થતા ‘આપ’ મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે ઉભરી આવી છે. આદિવાસી સમાજમાં પોતાનો જનાધાર વિસ્તારવા માટે પાર્ટી ચૈતર વસાવાના કેસને એક મોટા મુદ્દા તરીકે રજૂ કરી રહી છે, જે આગામી વિધાનસભા ચૂંટણીમાં પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

Share This Article