India-Australia-Canada tech triangle: વૈશ્વિક સ્તરે ટેકનોલોજી અને સપ્લાય ચેઈન પર ચીનના વધતા પ્રભુત્વને પડકારવા માટે ભારત, ઓસ્ટ્રેલિયા અને કેનેડાએ એક શક્તિશાળી ‘ટેક ટ્રાયંગલ’ની રચના કરી છે. તાજેતરમાં ત્રણેય દેશોએ ‘ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઈન્ડિયા ટેકનોલોજી એન્ડ ઈનોવેશન પાર્ટનરશિપ’ (ACITI) પર ઔપચારિક હસ્તાક્ષર કર્યા છે. આ સમજૂતીનો મુખ્ય ઉદ્દેશ્ય આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), ક્રિટિકલ મિનરલ્સ અને સેમિકન્ડક્ટર જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં એકબીજાના પૂરક બનીને ચીન પરની નિર્ભરતા ઘટાડવાનો છે.
દરેક દેશની વિશેષતા અને યોગદાન
આ ત્રિપક્ષીય સમજૂતીમાં ત્રણેય દેશો પોતાની મુખ્ય શક્તિઓનું યોગદાન આપશે:
ભારત: દુનિયાની સૌથી મોટી ડિજિટલ ઈકોનોમી અને કુશળ સોફ્ટવેર એન્જિનિયરો સાથે ભારત AI ઈનોવેશન, સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ અને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગમાં મહત્વની ભૂમિકા ભજવશે.
ઓસ્ટ્રેલિયા: સંસાધનોથી સમૃદ્ધ ઓસ્ટ્રેલિયા લિથિયમ, કોબાલ્ટ અને દુર્લભ ખનીજો (રેયર અર્થ એલિમેન્ટ્સ) નો પૂરવઠો સુનિશ્ચિત કરશે, જે આધુનિક બેટરી અને ઈલેક્ટ્રોનિક્સ માટે અનિવાર્ય છે. ઉપરાંત, ભારતને યુરેનિયમનો પૂરવઠો આપીને ભારતની ક્લીન એનર્જીની મહત્વાકાંક્ષાઓમાં પણ તે મદદરૂપ થશે.
કેનેડા: AI રિસર્ચ, એડવાન્સ સેમિકન્ડક્ટર ટેકનોલોજી અને માઈનિંગ એક્સપર્ટાઈઝમાં કેનેડા મોખરે છે. કેનેડાનો અનુભવ ભારતને વધુ કાર્યક્ષમ માઈનિંગ અને ટેકનોલોજી અપગ્રેડેશનમાં મદદ કરશે.
શા માટે આ ભાગીદારી મહત્વની છે?
છેલ્લા એક દાયકામાં કોવિડ-૧૯ અને રશિયા-યુક્રેન યુદ્ધ જેવી વૈશ્વિક ઘટનાઓએ સાબિત કર્યું છે કે સપ્લાય ચેઈન માટે માત્ર એક સિંગલ દેશ (ચીન) પર નિર્ભર રહેવું જોખમી છે. ચીન ઘણીવાર ક્રિટિકલ મિનરલ્સના નિકાસ પર નિયંત્રણો લાદીને વૈશ્વિક બજારોને અસ્થિર કરે છે. આ ‘ટેક ટ્રાયંગલ’ દ્વારા આ ત્રણેય દેશો સુરક્ષિત અને વિશ્વાસપાત્ર સપ્લાય ચેઈન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે ભવિષ્યમાં સેમિકન્ડક્ટર અને ડિફેન્સ ટેકનોલોજી ક્ષેત્રે વ્યૂહાત્મક સ્વાયત્તતા લાવશે.
જોકે, આ માર્ગ સરળ નથી. ખનન અને મિનરલ પ્રોસેસિંગમાં ઉંચો ખર્ચ અને પર્યાવરણીય પડકારો રહેલા છે. આમ છતાં, આ સમજૂતી ભારતની ‘મેક ઈન ઈન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ પહેલને વૈશ્વિક સ્તરે એક નવી ઊંચાઈ આપશે. આગામી સમયમાં, આ ત્રિપક્ષીય સહયોગ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સુરક્ષા અને આર્થિક સમૃદ્ધિનું એક નવું કેન્દ્ર બની શકે છે.

