Geniben Thakor anti-superstition: બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી એકવાર સામાજિક ચેતના જગાવતા અંધશ્રદ્ધા અને ભુવાવાદ સામે મોરચો માંડ્યો છે. લાખણીના મોટી કાપરા ગામે આયોજિત એક કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરે હાજર મહિલાઓને સંબોધતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે અંધશ્રદ્ધા છોડીને શિક્ષણના માર્ગે આગળ વધવું જોઈએ. તેમણે કુદરત અને કર્મ પર વિશ્વાસ રાખવા પર ભાર મૂક્યો હતો.
ભુવાઓની યુક્તિઓથી સાવધાન રહેવા અપીલ
ગેનીબેન ઠાકોરે પોતાના ભાષણમાં ભુવાઓ દ્વારા કરવામાં આવતી છેતરપિંડીનો પર્દાફાશ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “આ લોકો લોકોનું મગજ વાંચતા હોય છે, તેમની માનસિક ક્ષમતા જાણી લેતા હોય છે અને પછી તેનો ગેરલાભ ઉઠાવે છે.” તેમણે મહિલાઓને સમજાવ્યું હતું કે ભુવાઓના કહેવાથી બાધાઓ રાખવી કે માનતા કરવી તે એક પ્રકારનું લૂંટવાનું સાધન છે. લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને આ લોકો પૈસા પડાવતા હોય છે, તેનાથી દરેક પરિવારે દૂર રહેવું જોઈએ.
“કર્મથી મોટું કોઈ નથી”
સાંસદે સ્પષ્ટ કર્યું કે ભક્તિ કરવી, ભગવાનની પૂજા કરવી કે ઉપવાસ રાખવા તે વ્યક્તિગત શ્રદ્ધાનો વિષય છે, પણ અંધશ્રદ્ધાના નામે થતા પાખંડમાં પડવું તે ખોટું છે. તેમણે કુદરતનો નિયમ સમજાવતા કહ્યું કે, “તમે ગમે તેટલા દીવા કરો, ધૂપ કરો કે માનતાઓ રાખો, પરંતુ જ્યાં સુધી તમારા દિલની મનની આશા સારી નહીં હોય અને તમારા કર્મો સારા નહીં હોય ત્યાં સુધી કુદરત ક્યારેય સાથ આપવાની નથી.” તેમના મતે સફળતાનો એકમાત્ર માર્ગ સારા કર્મો અને મહેનત છે.
શિક્ષણ જ પરિવર્તનનો એકમાત્ર માર્ગ
પોતાના ભાષણ દરમિયાન ગેનીબેન ઠાકોરે દીકરા-દીકરીઓને શિક્ષણ અપાવવા પર સૌથી વધુ ભાર મૂક્યો હતો. તેમણે માતાઓને અપીલ કરી હતી કે અંધશ્રદ્ધામાં સમય અને પૈસા બગાડવાને બદલે સંતાનોને ભણાવી-ગણાવીને સક્ષમ બનાવો. જે સમાજ શિક્ષિત હશે તે આપોઆપ અંધશ્રદ્ધાના દલદલમાંથી બહાર આવી જશે.
અગાઉ પણ વિવાદોમાં રહ્યું છે આ વલણ
ગેનીબેન ઠાકોર અગાઉ પણ અંધશ્રદ્ધા અને ભુવાઓ સામે જાહેરમાં પડકાર ફેંકી ચૂક્યા છે. ભૂતકાળમાં ભુવાઓ સાથે થયેલા તેમના સીધા સંઘર્ષો અને ચેલેન્જને કારણે તેઓ અવારનવાર ચર્ચામાં રહે છે. ગેનીબેનનું માનવું છે કે જ્યાં સુધી સમાજ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ નહીં કેળવે, ત્યાં સુધી લોકો ભુવાઓના રવાડે ચડીને લૂંટાતા રહેશે. લાખણીના આ કાર્યક્રમમાં તેમણે ફરી એકવાર આ મુદ્દાને મજબૂતાઈથી ઉઠાવીને સમાજ સુધારા માટે કટિબદ્ધતા દર્શાવી છે.

