શહેરના દક્ષિણ વિસ્તારના આ 6 વોર્ડમાં પાણી કાપ રહેશે
રાજકોટવાસીઓએ ફરી એકવાર પાણીની તંગી માટે તૈયાર રહેવું પડશે. ચોમાસાની શરૂઆત થતા જ શહેરીજનોને પાણીકાપનો સામનો કરવાનો વારો આવ્યો છે. શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ માટે 6 વોર્ડમાં પાણી કાપ મૂકવામાં આવ્યો છે.
રાજકોટમાં ચોમાસાની શરૂઆત થતા જ શહેરમાં પાણીકાપ થયો છે. બે દિવસથી શહેરીજનોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે. શુક્રવારે શહેરના બે વોર્ડ વોર્ડ નંબર 11 અને 12માં પાણી કાપ મુકવામાં આવ્યો હતો. જ્યારે શનિવારે વોર્ડ નંબર 7,14,17,18માં પાણી કાપ મુકાયો હતો. શુક્રવાર, 28 જૂને અંબિકા ટાઉનશીપ, પુનિતપાર્ક, આકાર હાઇટ્સ સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ થશે નહીં. પાણીની તંગીના કારણે આ વિસ્તારના લોકોને પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરવાની ફરજ પડશે.

રાજકોટમાં કુલ 6 વોર્ડમાં બે દિવસથી પાણી કાપ મુકવામાં આવ્યો છે. જેમાં શનિવારે ઢેબર રોડ, ભક્તિનગર પ્લોટ, વિજય પ્લોટ, લોહાનગર સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ કરવામાં આવશે નહીં. હસનવાડી, ગુજરાત હાઉસિંગ, સોલવન્ટ ક્વાર્ટર્સ જેવા વિસ્તારોમાં પાણી કાપ રહેશે. ભાદર ડેમથી રીબડા સુધીની પાણીની પાઈપલાઈનમાં સમારકામના કારણે આ પાણી કાપ મૂકવામાં આવ્યો છે.
રાજકોટ શહેરને આજી, ન્યારી અને ભાદર એમ ત્રણ ડેમમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે. ભાદર ડેમમાંથી રીબાડા સબસ્ટેશન સુધી પાણી વિતરણ કરવામાં આવે છે. આ લાઇન ઘણી જૂની હોવાથી લીકેજની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોવાથી શુક્રવાર અને શનિવારે સમારકામ કરવામાં આવશે. લોકોને કોઈ અગવડતાનો સામનો ન કરવો પડે તે ધ્યાનમાં રાખીને પાલિકાએ તે વિસ્તારોમાં પાણી કાપ જાહેર કરી દીધો છે. રાજકોટ દક્ષિણ વિસ્તારના લોકોને બે દિવસ દરમિયાન પાણીની અછતના કારણે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

