US Transnational Repression Act: અમેરિકા પોતાના દેશમાં રહેતા ખાલિસ્તાનીઓ અને અન્ય દેશોના આતંકવાદીઓને બચાવવા માટે નવો કાયદો લાવવા જઈ રહ્યું છે. આ કાયદા હેઠળ અમેરિકામાં રહેતા કથિત ‘પોલિટિકલ વિરોધીઓ’ અને ‘એક્ટિવિસ્ટો’ને ડરાવવા-ધમકાવવાના વિદેશી સરકારોના પ્રયાસોને ગુનાની શ્રેણીમાં લાવવામાં આવશે. તેને સ્ટોપ ટ્રાન્સનેશનલ રિપ્રેશન એક્ટ 2026 નામ આપવામાં આવ્યું છે. અમેરિકા દ્વારા આવા કાયદા અંગે ચર્ચા ત્યારે શરૂ થઈ છે, જ્યારે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નૂને લઈને ભારત સાથેના સંબંધોમાં તણાવ છે.
વિધેયક કોણે રજૂ કર્યું?
આ વિધેયકને ડેમોક્રેટિક સેનેટર એડમ શિફ અને રિપબ્લિકન સેનેટર જૉન કર્ટિસે પ્રાયોજિત કર્યું છે. જો આ વિધેયક કાયદો બનશે તો અમેરિકામાં પ્રથમ વખત ટ્રાન્સનેશનલ રિપ્રેશનને એક વિશિષ્ટ ફેડરલ ગુનો બનાવવામાં આવશે. તેના કારણે અમેરિકાની ધરતી પર અસહમતિને દબાવવાના વિદેશી પ્રયાસોની તપાસ અને તેમના વિરુદ્ધ કેસ ચલાવવા માટે જસ્ટિસ ડિપાર્ટમેન્ટ અને એફબીઆઈના અધિકારક્ષેત્રમાં વધારો થશે.
પ્રસ્તાવિત વિધેયકમાં શું છે?
પ્રસ્તાવિત વિધેયક હેઠળ ટ્રાન્સનેશનલ રિપ્રેશનના દોષિત સાબિત થનારા લોકોને અન્ય ગુનાઓ માટે મળતી સજાની સાથે વધારાના 10 વર્ષ સુધીની જેલ અને 100,000 ડોલર સુધીનો દંડ થઈ શકે છે. આ બિલ આવા કેસોની કાર્યવાહી માટે અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટના નેશનલ સિક્યોરિટી ડિવિઝન અને નેશનલ સિક્યોરિટી માટેના આસિસ્ટન્ટ એટર્ની જનરલની ભૂમિકાને પણ વધુ મજબૂત બનાવશે. આ વિધેયકમાં પ્રથમ વખત દમનને એક વિશિષ્ટ ફેડરલ ગુનો બનાવવાનો પ્રસ્તાવ છે.
ભારત-અમેરિકા સંબંધો પર પડી શકે અસર
આ વિધેયક એવા સમયે આવ્યું છે જ્યારે કોંગ્રેસ અને અમેરિકાની કાયદા અમલવારી એજન્સીઓ વિદેશી સરકારો દ્વારા પોતાની સરહદોની બહાર ટીકાકારોનો અવાજ દબાવવાના વધતા પ્રયાસો પર વધુ ધ્યાન આપી રહી છે. અમેરિકાએ આવો જ આરોપ ભારત પર પણ મૂક્યો છે. અમેરિકાનો આરોપ છે કે ભારતના એક એજન્ટે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નૂની હત્યાનું કાવતરું રચ્યું હતું, પરંતુ તે સમયસર નિષ્ફળ બનાવવામાં આવ્યું હતું. જોકે, ભારતે આવા આરોપોને નકારી કાઢીને તપાસ શરૂ કરી હતી.

