Home Buying Investment Planning: પહેલા ઘર ખરીદવું કે રોકાણ કરવું? જાણો તમારા માટે કયો નિર્ણય રહેશે વધુ ફાયદાકારક

Arati Parmar
4 Min Read

Home Buying Investment Planning: દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેનું પોતાનું એક ઘર હોય, પરંતુ આજના સમયમાં ઘર ખરીદવું ખૂબ જ મોટું કામ બની ગયું છે. તેનું કારણ મિલકતોના સતત વધી રહેલા ભાવ છે. બીજી બાજુ આજના સમયમાં રોકાણ કરવું પણ એટલું જ જરૂરી માનવામાં આવે છે, જેથી ભવિષ્યમાં આર્થિક મુશ્કેલીઓથી બચી શકાય. આવી સ્થિતિમાં ઘણા લોકોના મનમાં સૌથી મોટો સવાલ એ હોય છે કે જો બચત મર્યાદિત હોય તો પહેલા ઘર ખરીદવા માટે પૈસા બચાવવા જોઈએ કે પછી રોકાણ ચાલુ રાખવું જોઈએ? નોંધનીય છે કે આ સવાલનો એક જ જવાબ દરેક વ્યક્તિ માટે યોગ્ય નથી. યોગ્ય નિર્ણય તમારી આવક, બચત, ભવિષ્યની યોજનાઓ અને તમે ઘર ક્યારે ખરીદવા માંગો છો તેના પર આધાર રાખે છે.

સૌપ્રથમ નક્કી કરો કે ઘર ક્યારે ખરીદવું છે

- Advertisement -

જો તમે આગામી બે કે ત્રણ વર્ષમાં ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો ડાઉન પેમેન્ટ માટે રાખેલી રકમને વધુ જોખમવાળા રોકાણમાં મૂકવી સમજદારીભર્યું પગલું નહીં ગણાય. શેર બજાર અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ લાંબા ગાળામાં સારો વળતર આપી શકે છે, પરંતુ ટૂંકા ગાળામાં તેમાં ભારે વધઘટ જોવા મળે છે. જો ઘર ખરીદવાના સમયે બજારમાં ઘટાડો આવી જાય, તો તમારી બચત ઘટી શકે છે અને તમને કાં તો ઘર ખરીદવાનું મુલતવી રાખવું પડી શકે અથવા વધુ લોન લેવી પડી શકે. આવી સ્થિતિમાં વધુ સારું રહેશે કે ડાઉન પેમેન્ટની રકમ એવી જગ્યાએ રાખો જ્યાં જરૂર પડ્યે સરળતાથી ઉપાડી શકાય અને મૂડી પણ સુરક્ષિત રહે. એટલે કે ઘર ખરીદવાની યોજના મુજબ જ રોકાણ કરો.

જો તમને ઘર ઘણા વર્ષો પછી ખરીદવાનું હોય, તો તમે શેર બજાર અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો, કારણ કે અહીં લાંબા ગાળામાં તમને સારું વળતર મળી શકે છે.

- Advertisement -

આખી બચત ઘર ખરીદવામાં ખર્ચી નાખવી સમજદારી નથી

ઘણા લોકો ઘર ખરીદતી વખતે પોતાની સમગ્ર બચત અને રોકાણ ઉપાડી લે છે. પ્રથમ નજરે આ નિર્ણય યોગ્ય લાગી શકે છે, કારણ કે તેનાથી ઓછી લોન લેવી પડે છે. પરંતુ ત્યારબાદ તમારી પાસે ઇમરજન્સી, નિવૃત્તિ અથવા બાળકોના અભ્યાસ જેવા અન્ય મહત્વપૂર્ણ લક્ષ્યો માટે પૈસા બચતા નથી. ઘર એક મહત્વપૂર્ણ સંપત્તિ છે, પરંતુ તે તમારી સંપૂર્ણ નાણાકીય સુરક્ષા બની શકતું નથી. તેથી વિચારપૂર્વક નિર્ણય લો અને ઘર ખરીદ્યા પછી પણ થોડી બચત જરૂર રાખો.

- Advertisement -

માત્ર ડાઉન પેમેન્ટ જ એકમાત્ર ખર્ચ નથી

ઘર ખરીદવાની યોજના બનાવતી વખતે લોકો સામાન્ય રીતે માત્ર ડાઉન પેમેન્ટનો જ હિસાબ કરે છે, જ્યારે વાસ્તવિક ખર્ચ તેનાથી ઘણો વધુ હોય છે. રજિસ્ટ્રેશન ફી, સ્ટેમ્પ ડ્યૂટી, ઇન્ટિરિયર, શિફ્ટિંગ, મેન્ટેનન્સ અને અન્ય અનેક ખર્ચ પણ તમારા ખિસ્સા પર અસર કરે છે. તેથી આ તમામ જરૂરિયાતો માટે અલગ બજેટ બનાવવું જરૂરી છે.

ઇમરજન્સી ફંડ હંમેશા અલગ રાખો

ઘર ખરીદ્યા પછી પણ જીવનમાં અચાનક ખર્ચ આવી શકે છે. નોકરી બદલવી, તબીબી ઇમરજન્સી અથવા અન્ય કોઈ મુશ્કેલીના સમયે જો તમારી પાસે અલગથી બચત નહીં હોય, તો તમને મોંઘી લોન અથવા ક્રેડિટ કાર્ડનો સહારો લેવો પડી શકે છે. તેથી ઇમરજન્સી ફંડ હંમેશા તૈયાર રાખો.

જો તમે તમારી બચતને અલગ-અલગ હેતુઓ મુજબ વહેંચી દો, તો નાણાકીય આયોજન કરવું સરળ બની જાય છે. જે રકમ આગામી થોડાં વર્ષોમાં ઘર ખરીદવા માટે જરૂરી હોય, તેને સુરક્ષિત વિકલ્પોમાં રાખો. જ્યારે નિવૃત્તિ અથવા લાંબા ગાળાના લક્ષ્યો માટે રોકાણ ચાલુ રાખો. તેનાથી એક લક્ષ્ય માટે બીજા લક્ષ્યનો ત્યાગ કરવો નહીં પડે. તેથી યોગ્ય નિર્ણય એ જ છે કે તમે રોકાણ અને ઘર ખરીદવું – બંનેને પ્રાથમિકતા આપો અને બંને વચ્ચે સંતુલન જાળવો.

Share This Article