Bharuch Heavy Rain: ભરૂચ જિલ્લામાં મેઘતાંડવ: શહેરના વિસ્તારોમાં પાણી ભરાયા, દિવાલ ધરાશાયી, ૧૫ રસ્તા બંધ, કાંટોલ ગામનો સંપર્ક તૂટ્યો

Arati Parmar
4 Min Read

Bharuch Heavy Rain: શાળા, કોલેજ, સહિતની તમામ શૈક્ષણીક સંસ્થાઓમાં રજા જાહેર

By. પ્રજ્ઞેશ પાટણવાડીયા, ભરૂચ.

ભરૂચ:
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે ગુરુવારે મોડી રાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદે ભરૂચ જિલ્લામાં જનજીવનને ગંભીર રીતે પ્રભાવિત કર્યું છે. ભરૂચ શહેરથી લઈને ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકા સુધી અનેક વિસ્તારોમાં પાણી ભરાવા, માર્ગો બંધ થવા અને અવરજવરમાં ભારે વિક્ષેપ સર્જાયો હતો. ભરૂચ શહેરના કસક સર્કલ, સેવાશ્રમ રોડ, ફુરજા બંદર, શંભુ ડેરી સહિતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં લોકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કસક વિસ્તારની ન્યૂ નવીનગરીમાં ભારે વરસાદ દરમિયાન એક દિવાલ અચાનક ધરાશાયી થતાં નજીકમાં પાર્ક કરેલી બાઇક અને સાયકલ કાટમાળ નીચે દટાઈ ગઈ હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

- Advertisement -

જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર રહ્યું હતું. એસડીએમ મનીષા મનાણી, નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ અને નગરપાલિકાની ટીમે પાણી ભરાયેલા વિસ્તારોની મુલાકાત લઈને પાણીના ઝડપી નિકાલ માટે જરૂરી સૂચનાઓ આપી હતી. બીજી તરફ ઝઘડિયા તાલુકાના કાંટોલ ગામનો ભીલવાડા-કાંટોલ માર્ગ પર મધુમતી નદીમાં પાણી ફરી વળતા થોડા સમય માટે સંપર્ક તૂટી ગયો હતો. પાણીનું સ્તર ઘટતા વાહનવ્યવહાર ફરી શરૂ થયો હોવા છતાં ગ્રામજનોએ દર વર્ષે સર્જાતી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે ઊંચા અને મજબૂત પુલની માંગ ઉઠાવી છે. ભારે વરસાદના કારણે જિલ્લા માર્ગ અને મકાન (સ્ટેટ) તથા માર્ગ અને મકાન (પંચાયત) વિભાગે જિલ્લાના કુલ ૧૫ માર્ગો અસ્થાયી ધોરણે વાહનવ્યવહાર માટે બંધ કર્યા છે. સ્ટેટ વિભાગ હેઠળ વાલિયા અને ઝઘડિયા તાલુકાના ૪ રસ્તાઓ, જ્યારે પંચાયત વિભાગ હેઠળ વાલિયાના ૮, નેત્રંગના ૩ અને ઝઘડિયાના ૨ સહિત કુલ ૧૧ રસ્તાઓ બંધ કરાયા છે. કોઝવે પર પાણી ફરી વળવા અને માર્ગોને નુકસાન થવાના કારણે આ નિર્ણય લેવાયો છે. જોખમી માર્ગો પર અવરજવર રોકવા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે તથા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરાઈ છે.
દિવસ દરમિયાન ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા જોકે થોડા થોડા અંતરાલ સમયે વરસાદનું જોર ઘટતાં શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં ભરાયેલું પાણી ધીમે ધીમે ઓસરવા લાગ્યું હતું, જેના કારણે લોકોને રાહત મળી હતી. જોકે હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરતાં જિલ્લા તંત્રે નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અને જરૂરિયાત સમયે જિલ્લા કંટ્રોલ રૂમ ૧૦૭૭ અથવા ૦૨૬૪૨-૨૪૨૩૦૦ પર સંપર્ક કરવા અપીલ કરી છે. ભરૂચમાં વરસાદી માહોલ અને હવામાન ખાતા દ્વારા આગામી ૨૪ કલાક દરમિયાન રેડ એલર્ટ જાહેર કરતા રાજ્યમંત્રી અને જિલ્લા પ્રભારી પ્રફુલ્લ પાણસેરિયાએ જિલ્લા કલેક્ટરને ઓનલાઇન સૂચનો પણ આપ્યા જતા.

Bharuch Heavy Rain

- Advertisement -

બોક્સ:
ભારે વરસાદ વચ્ચે નદી-નાળામાં માછીમારી પર પ્રતિબંધ, નિયમ ભંગ કરનાર સામે કડક કાર્યવાહી થશે

રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લામાં પણ વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. ચોમાસાની સીઝન દરમિયાન માછીમારીની પ્રવૃત્તિ પર પ્રતિબંધ અમલમાં હોવાથી ભારે વરસાદ દરમિયાન કોઈપણ વ્યક્તિએ નદી, નાળા કે નીચાણવાળા વિસ્તારોમાં માછીમારી કરવા જવું નહીં તેવી અપીલ કરવામાં આવી છે. મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક, ભરૂચ દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદી મુજબ પ્રતિબંધ હોવા છતાં કોઈ વ્યક્તિ માછીમારી કરતી જોવા મળશે તો તેની સામે મત્સ્યોદ્યોગ કાયદો-૨૦૦૩ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદા હેઠળ કાયદેસરની સખત કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા વહીવટીતંત્રે તમામ સંબંધિતોને પોતાની અને અન્ય લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી સૂચનાઓનું કડક પાલન કરવા અનુરોધ કર્યો છે. ભારે વરસાદને પગલે નદી-નાળામાં પાણીના પ્રવાહમાં અચાનક વધારો થવાની શક્યતા હોવાથી જોખમ ટાળવા માટે માછીમારી સહિતની તમામ પ્રવૃત્તિઓથી દૂર રહેવાની ખાસ અપીલ કરવામાં આવી છે.

- Advertisement -

બોક્સ:
ભરૂચ જિલ્લામાં ભારે વરસાદને પગલે “કીમ નદી” ઓવરફ્લો થતા હાંસોટ અને વાલિયા તાલુકાના ૧૯ ગામોના ગ્રામજનોને તાકીદે સુરક્ષિત સ્થળે ખસી જવા જિલ્લા વહીવટી તંત્રની અપીલ કરી છે.

અસરગ્રસ્ત ગામોની યાદી

હાંસોટ તાલુકો:
૧. ઇલાવ
૨. ખરચ
૩. કંટિયાજાળ
૪. વમલેશ્વર
૫. પાંજરોલી
૬. ઓભા
૭. આસરમા

WhatsApp Image 2026 08 01 at 9.35.11 AM
વાલિયા તાલુકો:

૧. ડહેલી
૨. દણસોલી
૩. પણસોલી
૪. કરા
૫. ગાંધુ
૬. શીર
૭. દોલતપૂર
૮. કેસરગામ
૯. ઇટકલા
૧૦. તુણા
૧૧. લુણા
૧૨. સિનાડા

Share This Article