EPF vs PPF vs NPS: ઈપીએફ, પીપીએફ કે એનપીએસ? નિવૃત્તિ માટે કઈ યોજના સૌથી વધુ ફાયદાકારક, જાણો ત્રણેય વચ્ચેનો સંપૂર્ણ તફાવત

Arati Parmar
4 Min Read

EPF vs PPF vs NPS: રોકાણ માટે ઈપીએફ, પીપીએફ અને એનપીએસમાં કયું શ્રેષ્ઠ? ટેક્સ, વ્યાજ અને વળતર સહિત સમજો સંપૂર્ણ સરખામણી

EPF vs PPF vs NPS: ઈપીએફ, પીપીએફ અને એનપીએસ ત્રણ લોકપ્રિય રોકાણ વિકલ્પો છે, જે તમને ટેક્સ બચાવવામાં અને નિવૃત્તિ માટે બચત કરવામાં મદદ કરે છે. જોકે, આ ત્રણેય યોજનાઓ લાંબા ગાળાની બચત માટે છે, પરંતુ તેમની કાર્યપદ્ધતિ અલગ-અલગ છે. ઈપીએફ અને પીપીએફ સરકારના સમર્થનવાળી યોજનાઓ છે, જે સ્થિર વળતર આપે છે. બીજી તરફ, એનપીએસ તમારા નાણાંનો એક ભાગ શેરબજારમાં રોકાણ કરે છે, તેથી તેમાં લાંબા ગાળે વધુ વળતર મળવાની શક્યતા રહે છે, પરંતુ બજારના ઉતાર-ચઢાવ સાથે તેનું વળતર પણ વધઘટ કરી શકે છે. આવો, હવે આ ત્રણેય વચ્ચેના તમામ તફાવતોને સારી રીતે સમજીએ.

EPF શું છે?

એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ (ઈપીએફ) એક નિવૃત્તિ બચત યોજના છે, જે મુખ્યત્વે પગારદાર કર્મચારીઓ માટે બનાવવામાં આવી છે. આ યોજના હેઠળ કર્મચારી અને નોકરીદાતા (રોજગાર આપતી કંપની) બંને દર મહિને ઈપીએફ ખાતામાં નક્કી કરેલી રકમ જમા કરે છે. સમય જતાં આ નિયમિત યોગદાન, વ્યાજ સહિત, કર્મચારી માટે નિવૃત્તિ ભંડોળ તૈયાર કરવામાં મદદ કરે છે.

- Advertisement -

ઈપીએફમાં કર્મચારી પોતાના મૂળ પગાર અને મોંઘવારી ભથ્થાના 12 ટકા દર મહિને જમા કરે છે. નોકરીદાતા પણ એટલી જ રકમ જમા કરે છે, જેના કારણે નિવૃત્તિ બચત ઝડપથી વધે છે. ઈપીએફનું વ્યાજદર દર વર્ષે સરકાર નક્કી કરે છે. નાણાકીય વર્ષ 2024-25 માટે વ્યાજદર 8.25 ટકા નક્કી કરવામાં આવ્યો હતો, જે ઈપીએફ ખાતામાં જમા થયેલી રકમમાં ઉમેરાય છે.

ઈપીએફને સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે, કારણ કે તે સરકારના સમર્થનવાળી યોજના છે. આ નાણાં મુખ્યત્વે નિવૃત્તિ માટે હોય છે, પરંતુ કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં, જેમ કે તબીબી ઇમરજન્સી, લગ્ન, બાળકોના અભ્યાસ અથવા ઘર ખરીદવા કે બાંધવા માટે તેમાંમાંથી અમુક રકમ ઉપાડી શકાય છે.

- Advertisement -

PPF શું છે?

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ) એક લાંબા ગાળાની બચત યોજના છે, જે સુરક્ષિત રોકાણ ઇચ્છતા લોકો માટે બનાવવામાં આવી છે. ઈપીએફથી વિપરીત, જે મુખ્યત્વે પગારદાર કર્મચારીઓ માટે છે, પીપીએફ ખાતું કોઈપણ ભારતીય નાગરિક ખોલી શકે છે.

સરળ ભાષામાં કહીએ તો, તમે પગારદાર હો, સ્વરોજગાર કરતા હો અથવા તમારી પાસે કોઈ નિયમિત નોકરી ન હોય, તો પણ તમે પીપીએફમાં રોકાણ કરીને સરકારના સમર્થનવાળી યોજના હેઠળ લાંબા ગાળાની બચત કરી શકો છો.

- Advertisement -

પીપીએફમાં તમે એક નાણાકીય વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 500 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. સરકાર દર ત્રિમાસિકે વ્યાજદરની સમીક્ષા કરે છે. નાણાકીય વર્ષ 2025-26ના બીજા ત્રિમાસિક માટે વ્યાજદર 7.1 ટકા છે.

જણાવી દઈએ કે પીપીએફમાં 15 વર્ષનો લોક-ઇન પિરિયડ હોય છે, જેના કારણે તે લાંબા ગાળાની બચત યોજના બની જાય છે. જોકે, યોજનાના નિયમો મુજબ નક્કી કરેલા વર્ષોની અવધિ પૂર્ણ થયા પછી તમે અમુક રકમ ઉપાડી શકો છો.

NPS શું છે?

નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ) એક નિવૃત્તિ બચત યોજના છે, જેમાં તમારા નાણાં શેરો (ઇક્વિટી) અને સરકારી સિક્યોરિટીઝ જેવી વિવિધ સંપત્તિઓમાં રોકાણ કરવામાં આવે છે.

કારણ કે નાણાંનો એક ભાગ શેરબજારમાં રોકાણ કરવામાં આવે છે, તેથી તેમાં મળતું વળતર નિશ્ચિત હોતું નથી. જો બજાર સારું પ્રદર્શન કરે તો તમારા રોકાણ પર વધુ વળતર મળી શકે છે. જો બજાર નબળું રહે તો વળતર ઓછું મળી શકે છે.

કોઈપણ પાત્ર ભારતીય નાગરિક નેશનલ પેન્શન સિસ્ટમમાં રોકાણ કરી શકે છે. ટિયર-1 એકાઉન્ટ ખોલવા માટે ઓછામાં ઓછું 1,000 રૂપિયાનું રોકાણ જરૂરી છે અને રોકાણ માટે કોઈ મહત્તમ મર્યાદા નથી.

એનપીએસ મુખ્યત્વે નિવૃત્તિ બચત માટે બનાવવામાં આવી છે. તમે 60 વર્ષની ઉંમર પૂર્ણ કર્યા પછી તમારી રકમ ઉપાડી શકો છો. જો તમે 60 વર્ષની ઉંમર પહેલાં યોજનામાંથી બહાર નીકળવા માંગો છો, તો નિયમો મુજબ તમે તમારી કુલ જમા થયેલી રકમમાંથી માત્ર 20 ટકા જ ઉપાડી શકો છો, જ્યારે બાકીની રકમનો ઉપયોગ એનપીએસના નિવૃત્તિ સંબંધિત નિયમો મુજબ કરવો પડશે.

Share This Article