Kutch Medieval Settlement: કચ્છ સરહદ પાસે મધ્યકાલીન વસાહતના અવશેષો મળ્યા, 100 માનવ કંકાલો મળતાં સંશોધકો ચકિત

Arati Parmar
4 Min Read

Kutch Medieval Settlement: પુરાતત્વવિદોએ ભારત-પાકિસ્તાન સરહદ નજીક કચ્છના એક દૂરદરાજ વિસ્તારમાં મધ્યકાલીન વસાહતના અવશેષોની શોધ કરી છે. તેમાં ઈંટોથી બનેલા મોટા માળખાં, પ્રાચીન પુરાવસ્તુઓ અને લગભગ 100 માનવ કંકાલો ધરાવતું એક કબ્રસ્તાન મળ્યું છે. સરહદના નિર્જન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન BSFના જવાનોએ સૌથી પહેલા આ સ્થળને જોયું હતું. જવાનોએ વિસ્તારમાં વિખરાયેલા અનેક માળખાં જોયા અને તે સ્થળને એક ઉજ્જડ ગામ કહેવાનું શરૂ કર્યું.

ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સંયુક્ત સંશોધન પ્રોજેક્ટે આ સ્થળની તપાસ શરૂ કરી છે, જેને પ્રારંભિક રીતે ‘બરબાદી ગામ’ નામ આપવામાં આવ્યું છે.

- Advertisement -

11મી સદીની હોઈ શકે છે વસાહત

પ્રારંભિક પરિણામો દર્શાવે છે કે આ વસાહત મુખ્યત્વે 11મી અને 14મી સદી વચ્ચે એટલે કે સૂમરા કાળ દરમિયાન વસેલી હતી. ખોદકામમાં ઈંટોથી બનેલા મોટા માળખાં, માટીના ઘરગથ્થુ વાસણો, તેલના દીવા, તાંબાનો એક સિક્કો, ઊંટની એક મૂર્તિ અને ચોખામાંથી ભૂસી અલગ કરવા માટે વપરાતા સાધનો મળ્યા છે. આ વસ્તુઓ એવા વસેલા સમુદાય તરફ સંકેત કરે છે, જે ખેતી અને કદાચ વેપાર સાથે સંકળાયેલો હતો.

ભૂકંપના કારણે કંકાલો સપાટી પર આવ્યા?

સંશોધકોને એક કબ્રસ્તાન પણ મળ્યું છે, જેમાં લગભગ 100 કંકાલો છે. તેમાંના ઘણા કંકાલોના માથા પશ્ચિમ દિશા તરફ હતા. સંશોધકોનું માનવું છે કે ભૂકંપ જેવી ભૂગર્ભીય પ્રવૃત્તિઓ, જેમાં ભૂતકાળનો એક મોટો ભૂકંપ પણ સામેલ છે, તેના કારણે આ અવશેષો સપાટી પર આવી ગયા હશે.

- Advertisement -

KSKVK અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ કર્યું સંશોધન

આ શોધની જાહેરાત ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ (KSKVK) યુનિવર્સિટી અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ વ્યાપક સંશોધન બાદ કરી હતી. આ સ્થળની જાણ સૌપ્રથમ 2023-24 દરમિયાન BSFના જવાનોને નિયમિત પેટ્રોલિંગ દરમિયાન થઈ હતી. સરહદ નજીકના દૂરદરાજ વિસ્તારમાં વિખરાયેલા અજાણ્યા અવશેષોને જોઈ જવાનોએ આ સ્થળને ઉજ્જડગામ (વીરાન ગામ) કહેવાનું શરૂ કર્યું.

પછી KSKVK યુનિવર્સિટીના સંશોધકોએ BSFની મદદથી પ્રથમ વખત વૈજ્ઞાનિક સર્વે કર્યો. ત્યારબાદ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, બીરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ ઑફ પેલિયોસાયન્સિસ અને ડેક્કન કોલેજ પોસ્ટ-ગ્રેજ્યુએટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના નિષ્ણાતોએ આ સ્થળની તપાસ કરી.

- Advertisement -

“અમે તે વિસ્તારની તપાસ કરી, તો ટૂંક સમયમાં જ સ્પષ્ટ થઈ ગયું કે આ કોઈ એકલું મકાન નહોતું, પરંતુ એક મોટી પુરાતત્વીય વસાહત હતી. માળખાંના અવશેષોની ઘનતા, ઘેરાવની રચના અને તેની સાથે મળેલા માટીના વાસણોથી તરત જ સમજાઈ ગયું કે અમે એક મહત્વપૂર્ણ ઐતિહાસિક સ્થળ જોઈ રહ્યા છીએ.”- KSKVKUના આસિસ્ટન્ટ પ્રોફેસર ગૌરવ ચૌહાણ

આજે ઉજ્જડ વસાહત, ક્યારેક હતી સમૃદ્ધ

આ વસાહત કદાચ એવા જળમાર્ગની નજીક વસેલી હતી, જે આંતરિક વિસ્તારને અરબ સાગર સાથે જોડતો હતો, જેના કારણે અહીંના લોકોને વેપારના મહત્વપૂર્ણ માર્ગો સુધી પહોંચ મળતી રહી હશે. આ શોધ એવા વિસ્તારની ઝલક આપે છે, જે આજે બિનઉપજાઉ અને દૂરદરાજનો વિસ્તાર લાગે છે. સદીઓ પહેલાં આ જ વિસ્તાર કદાચ વસાહત, ખેતી અને વેપારનું સમૃદ્ધ કેન્દ્ર રહ્યો હશે, જે સમુદાયોને અરબ સાગરની આસપાસના મોટા વેપારી નેટવર્ક સાથે જોડતો હતો.

“આજની ઇન્ટરનેશનલ બોર્ડર એવા વિસ્તારોને વહેંચે છે, જેમનો પુરાતત્વીય ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. બરબાદગામ એવી સરહદી જગ્યાની તપાસ કરવાની અનોખી તક આપે છે, જ્યાં સિંધુ, હાકરા સિસ્ટમ, દરિયાઈ ખાડીઓ અને દરિયાઈ માર્ગો સમય સાથે એકબીજા સાથે જોડાયેલા રહ્યા છે.” – ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સંશોધક અજય યાદવ

સંશોધકોનું માનવું છે કે નીચલી સિંધુ નદીની પૂર્વીય શાખાઓ ક્યારેક સર ક્રીક સિસ્ટમ તરફ વહેતી રહી હશે, જેના કારણે જમીનની અંદર આવેલી વસાહતો અને અરબ સાગર વચ્ચે નાવોની અવરજવર માટે યોગ્ય માર્ગો બન્યા હશે. આવા જળમાર્ગોથી લોકો, ખેતીની ઉપજ અને અન્ય સામાનની અવરજવર શક્ય બની હશે, જેના કારણે આજના સરહદી વિસ્તારની વસાહતો એકબીજા સાથે જોડાયેલી રહી હશે. તેથી, જે વિસ્તાર આજે ઇન્ટરનેશનલ બોર્ડરથી વહેંચાયેલો છે, તે ક્યારેક એક સંયુક્ત સાંસ્કૃતિક અને પર્યાવરણીય વિસ્તાર રહ્યો હશે.

Share This Article