Gujarat Semiconductor Shift: સાણંદ માઇક્રોન પ્લાન્ટમાં 12 કલાકની શિફ્ટને મંજૂરી, ગુજરાત સરકારે નક્કી કર્યા કડક નિયમો
Gujarat Semiconductor Shift: ગુજરાત સરકારે ઔદ્યોગિક વિકાસને ગતિ આપવા માટે સાણંદ સ્થિત માઇક્રોનના સેમિકન્ડક્ટર પ્લાન્ટને 12 કલાકની શિફ્ટની મંજૂરી આપી છે, કારણ કે આ વ્યવસ્થા લાગુ કરતા પહેલાં સરકારની મંજૂરી લેવી ફરજિયાત છે.
જોકે, કર્મચારીઓ પાસેથી એક સપ્તાહમાં 48 કલાકથી વધુ કામ કરાવી શકાશે નહીં. વિશ્વમાં આવેલી સેમિકન્ડક્ટર ઉત્પાદન એકમોમાં 12 કલાકની શિફ્ટ કાર્યપદ્ધતિને મંજૂરી આપવામાં આવી છે, તેથી ગુજરાતમાં પણ તેને લાગુ કરવામાં આવી છે.
ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસને પ્રોત્સાહન આપવા પર ભાર
ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ગુજરાતમાં ‘ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ’ને પ્રોત્સાહન આપવા માટે સરકારે આ નિર્ણય લીધો છે.
કર્મચારીઓની 12 કલાકની શિફ્ટ માટે સરકારની પૂર્વમંજૂરી ફરજિયાત છે. મંજૂરી વિના કોઈપણ ઔદ્યોગિક એકમ કર્મચારીઓ પાસે 12 કલાકની શિફ્ટ કરાવી શકશે નહીં.
લેખિત સંમતિ આપનારા કર્મચારીઓ જ 12 કલાકની શિફ્ટમાં કામ કરી શકશે. 12 કલાકની શિફ્ટમાં સપ્તાહ દરમિયાન 48 કલાકથી વધુ કામ કરાવી શકાશે નહીં.
સેમિકન્ડક્ટર ઉદ્યોગને મજબૂત બનાવવા સાથે શ્રમિકોના હિતોની રક્ષા કરવા માટે રાજ્ય સરકારે કડક નિયમો બનાવ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં દેશનું અગ્રણી રોકાણ ડેસ્ટિનેશન બન્યું છે. ફેબ્રિકેશન, એસેમ્બલી, પેકેજિંગ, ટેસ્ટિંગ અને અત્યાધુનિક ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન સહિતના ક્ષેત્રોમાં રાજ્યમાં મોટા પાયે રોકાણ આવી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન’ને સફળ બનાવવા માટે દેશમાં સંપૂર્ણપણે સ્વદેશી ચિપ ઉત્પાદન ઈકોસિસ્ટમ વિકસાવવાનું ગુજરાતનું લક્ષ્ય છે.
સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત મંજૂર થયેલા છ મોટા પ્રોજેક્ટ ગુજરાતને મળ્યા છે. આ તમામ પ્રોજેક્ટમાં લગભગ 1.40 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટથી લગભગ 50,000 પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારની તકો ઊભી થવાની અપેક્ષા છે.
સેમિકન્ડક્ટર ઉત્પાદન પરંપરાગત ફેક્ટરીઓથી અલગ છે, કારણ કે અહીં અત્યંત નિયંત્રિત ક્લીનરૂમ પરિસ્થિતિમાં ઉત્પાદન પ્રક્રિયા સતત ચાલે છે.
ચિપ એસેમ્બલી તથા ટેસ્ટિંગ માટે અત્યાધુનિક ઓટોમેટેડ મશીનો 24 કલાક કાર્યરત રહે છે, જેના કારણે સતત ઉત્પાદન જાળવી રાખવું કાર્યક્ષમતા અને ગુણવત્તા માટે અત્યંત મહત્વપૂર્ણ હોય છે.

