Israel Rajeev Acharya Murder: ઇઝરાયલમાં ભારતીય કેરગિવરની હત્યા બાદ જવાબદારીની માંગ, પરિવારને વળતર અને સુરક્ષાની અપીલ
Israel Rajeev Acharya Murder: ઇઝરાયલમાં ભારતીય કેરગિવર (ઘરોમાં સંભાળ રાખનાર) રાજીવ આચાર્યની હત્યાએ ભારતના અન્ય કામદારોમાં ચિંતા ઊભી કરી છે. ભારતીય કામદારોએ રાજીવની હત્યા બાદ ન્યાય અને જવાબદારીની માંગ કરતાં અપીલ કરી છે. આચાર્યની હત્યા એક ઇઝરાયલી નાગરિકે ચાકુ મારીને કરી હતી. તેલ અવીવમાં ભારતીય દૂતાવાસે પીડિત પરિવારને મોકલેલા સંદેશમાં જણાવ્યું છે કે યરુશલેમમાં એક વૃદ્ધ દંપતીની સંભાળ રાખનાર ભારતીય નાગરિક રાજીવ આચાર્યનું 23 જુલાઈના રોજ તે દંપતીના ઘરે થયેલા હિંસક હુમલામાં મૃત્યુ થયું હતું.
ઇઝરાયલી અધિકારીઓએ એવિયોર ઝાકેન વિરુદ્ધ આરોપો નક્કી કર્યા છે. ઝાકેન તે વૃદ્ધ દંપતીનો પૌત્ર છે, જેમણે આચાર્યને કામ પર રાખ્યા હતા. કામદારોએ ઇઝરાયલી સરકાર પાસે માંગ કરી છે કે તે આ મામલે સંપૂર્ણ કાયદાકીય કાર્યવાહી કરે. આચાર્યના પરિવારને વળતર આપે અને હિંસાથી ભારતીય વિદેશી કામદારોની સુરક્ષા કરે.
ભારતીય સમુદાયની સુરક્ષા પર ધ્યાન
ઝાકેન પર ઇઝરાયલી દંડ સંહિતા હેઠળ ઇરાદાપૂર્વક હત્યા કરવાનો આરોપ છે. આ અઠવાડિયે રાજીવ આચાર્યની હત્યાના લગભગ એક મહિના બાદ તેલ અવીવમાં ભારતીય દૂતાવાસે X પર કહ્યું કે તે ઇઝરાયલી અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. અધિકારીઓએ જણાવ્યું છે કે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ બાદ સંપૂર્ણ સત્ય અને પરિસ્થિતિઓ જાણવા માટે તપાસ ચાલી રહી છે.
ભારતીય સમુદાયની અપીલમાં ઇઝરાયલમાં ઘરેલુ કામદારોની અસુરક્ષિત સ્થિતિ પર ખાસ ધ્યાન દોરવામાં આવ્યું છે, કારણ કે તેઓ એ જ ઘરોમાં રહે છે, જ્યાં તેમને કામ પર રાખવામાં આવે છે. મે 2023માં ભારત સરકારે 42,000થી વધુ ભારતીય કામદારોને ઇઝરાયલ મોકલવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તેમાંના 34,000 બાંધકામ ક્ષેત્રમાં અને 8,000 વૃદ્ધોની સંભાળના કામમાં ગયા હતા.
ઇઝરાયલમાં ભારતીય સમુદાય
ઇઝરાયલી સરકારે નવેમ્બર 2023માં પેલેસ્ટિનિયનોના વર્ક પરમિટ મોટા પાયે રદ કરી દીધા હતા, જેના કારણે કામદારોની ભારે અછત ઊભી થઈ હતી. તેના જવાબમાં ઇઝરાયલી બિલ્ડર્સ એસોસિએશને ઇઝરાયલી સરકારને ભારતમાંથી 50,000થી 90,000 કામદારો બોલાવવાની અપીલ કરી હતી. ફેબ્રુઆરી 2026માં થયેલા નવા કરારોમાં અંદાજ લગાવવામાં આવ્યો હતો કે 2028 સુધીમાં 1,00,000 સુધી ભારતીય કામદારો ઇઝરાયલ પહોંચી શકે છે.

