Goldy Brar Nijjar Murder: ફરાર ગેંગસ્ટર ગોલ્ડી બરાડે ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરની હત્યાની જવાબદારી લીધી છે. કેનેડામાં નિજ્જરની હત્યાના ત્રણ વર્ષ બાદ સોશિયલ મીડિયા પર સામે આવેલી એક ઑડિયો ક્લિપમાં ગોલ્ડી બરાડા કહી રહ્યો છે કે તેણે અને તેના સાથીઓએ આ હત્યાને અંજામ આપ્યો હતો. બરાડાનો દાવો છે કે નિજ્જરને તેણે અને તેના સાથીઓએ એટલા માટે માર્યો કારણ કે તે યુવાઓનો ઉપયોગ ડ્રગ્સ વેચવા માટે કરી રહ્યો હતો.
મૂળરૂપે પંજાબના ફરીદકોટનો રહેવાસી સતિન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બરાડ આ ઑડિયો ક્લિપમાં ખાલિસ્તાની આતંકવાદી પરમજીત સિંહ પમ્મા સાથે વાત કરી રહ્યો છે. તેમાં તે જણાવી રહ્યો છે કે નિજ્જરના ડ્રગ્સના ધંધા અને તેમાં બાળકોના ઉપયોગથી તે કેવી રીતે ગુસ્સે થયો અને તેને મારી નાખ્યો. આ ઑડિયો ક્લિપની સચ્ચાઈની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી.
“જે લોકો 16-17 વર્ષના બાળકોને ડ્રગ્સ વેચવા માટે ઉશ્કેરતા હતા અને યુવાઓને બ્લેકમેલ કરીને ડ્રગ્સ વેચાવતા અને મુખબિર બનાવતા હતા. નિજ્જર આવા લોકોનું સમર્થન કરતો હતો જેથી જરૂર પડ્યે તેમનો ઉપયોગ કરી શકે.”- ગોલ્ડી બરાડ
ગોલ્ડી લાંબા સમયથી ફરાર
બરાડાનો દાવો છે કે ‘નિજ્જર એવા લોકોનો સાથ આપતો હતો, જે સગીર બાળકો અને યુવાઓને ડ્રગ્સ વેચવા અને મુખબિર બનવા માટે બ્લેકમેલ કરતા હતા. નિજ્જર હોય કે કોઈ અન્ય, દરેક વ્યક્તિએ પોતાના કામોનું પરિણામ ભોગવવું પડે છે.’ ગોલ્ડી બરાડ લાંબા સમયથી ફરાર છે. તેના ક્યારેક કેનેડા તો ક્યારેક અમેરિકા ખાતે હોવાના દાવા કરવામાં આવતા રહ્યા છે.
ગોલ્ડીની ઑડિયો ક્લિપ સાથે જોડાયેલો આ ઘટનાક્રમ ત્યારે સામે આવ્યો છે, જ્યારે અમેરિકાની ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI)એ બરાડની ધરપકડમાં મદદરૂપ માહિતી માટે 50,000 ડૉલરના ઇનામની જાહેરાત કરી હતી. તેને લૉરેન્સ બિશ્નોઈના સંગઠિત અપરાધી ગેંગ સાથે સંબંધો માટે વૉન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ ગેંગને ‘ઑપરેશન હાર્ડ બૉલ’ હેઠળ નિશાન બનાવવામાં આવી હતી.
કેનેડામાં થઈ નિજ્જરની હત્યા
હરદીપ સિંહ નિજ્જરની જૂન, 2023માં કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં આવેલા એક ગુરુદ્વારાની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી વિવાદ ઊભો થયો હતો. કેનેડાના તત્કાલીન વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ ભારતીય સરકારી અધિકારીઓ પર આ હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો, જેના પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી હતી.
ગયા મહિને લૉસ એન્જલસમાં જાહેર કરવામાં આવેલા અમેરિકન સંઘીય આરોપપત્ર અનુસાર, જેલમાં બંધ ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈએ કથિત રીતે નિજ્જરની હત્યાનો આદેશ આપ્યો હતો. અમેરિકાએ આ મામલે બિશ્નોઈ અને બરાડ પર આરોપો પણ લગાવ્યા છે. બરાડ 2017માં સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો. તે ભારતમાં અનેક કેસોમાં વૉન્ટેડ છે, જેમાં પંજાબી ગાયક સિદ્ધૂ મૂસેવાલાની હત્યા પણ સામેલ છે.

