ન્યૂઝીલેન્ડે વધાર્યો Post-Study Work Visa નો વ્યાપ, 1 વર્ષના ડિપ્લોમા કરનારાઓને પણ લાભ
New Zealand Post Study Work Visa: શું તમે ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવાનું આયોજન કરી રહ્યા છો? જો તમારો જવાબ હા છે, તો તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. ન્યૂઝીલેન્ડમાં બૅચલર્સ, માસ્ટર્સ અને PhD ગ્રેજ્યુએટ્સની સાથે હવે 1 વર્ષનો ડિપ્લોમા કરનારા લોકોને પણ પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા મળશે. સરકારે સ્ટુડન્ટ્સને મળતા પોસ્ટ-સ્ટડી વર્ક વિઝાનો વ્યાપ વધારી દીધો છે. હવે આ વ્યાપમાં ડિપ્લોમા કરનારા સ્ટુડન્ટ્સનો પણ સમાવેશ થશે.
ગ્રેજ્યુએટ ડિપ્લોમા માટે મળશે વર્ક વિઝા
હકીકતમાં, ન્યૂઝીલેન્ડ 16 નવેમ્બર, 2026થી ‘પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા’ની પાત્રતાનો વ્યાપ વધારશે, જેના કારણે લેવલ 7 ગ્રેજ્યુએટ ડિપ્લોમા અને બૅચલર ડિગ્રી ધરાવતા કેટલાક ગ્રેજ્યુએટ્સ એક વર્ષ સુધીના વર્ક વિઝા માટે પાત્ર બની શકશે. આ યોજના માટે પાત્ર બનવા માટે, ગ્રેજ્યુએટ્સે ન્યૂઝીલેન્ડમાં ગ્રેજ્યુએટ ડિપ્લોમાનો સંપૂર્ણ સમયગાળો ફુલ-ટાઇમ અભ્યાસ કર્યો હોવો જરૂરી છે.
ક્રૉસ-ક્રેડિટિંગ અને અગાઉ શીખેલી બાબતોની માન્યતાને આમાં ગણવામાં આવશે નહીં. બૅચલર ડિગ્રી ન્યૂઝીલેન્ડ અથવા વિદેશની હોઈ શકે છે અને તે ક્યારે પૂર્ણ કરવામાં આવી હતી તેની કોઈ સમય મર્યાદા નથી. અરજદારોએ પોતાની બૅચલર ડિગ્રીનું સર્ટિફિકેટ અને ઑફિશિયલ એકેડમિક ટ્રાન્સક્રિપ્ટ આપવું પડશે. વિદેશમાંથી મેળવેલી બૅચલર ડિગ્રી માટે ‘ઇન્ટરનેશનલ ક્વૉલિફિકેશન અસેસમેન્ટ’ની જરૂર રહેશે નહીં.
ડિપ્લોમા કરનારા લોકોને પણ મળશે વર્ક વિઝા
- ન્યૂઝીલેન્ડમાં 16 નવેમ્બરથી એવા ગ્રેજ્યુએટ્સ માટે ‘શૉર્ટ-ટર્મ ગ્રેજ્યુએટ વર્ક વિઝા’ શરૂ થશે, જેમને પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા મળી શકતો નથી.
- આ વિઝા એવા ગ્રેજ્યુએટ્સને મળશે જેમણે ન્યૂઝીલેન્ડમાં ઓછામાં ઓછા 24 અઠવાડિયાનો ફુલ-ટાઇમ અભ્યાસ કર્યા બાદ લેવલ 5થી 7ની ક્વૉલિફાઇંગ ડિગ્રી અથવા સર્ટિફિકેટ પૂર્ણ કર્યું હોય.
- આ વિઝા હેઠળ 6 મહિના માટે ‘ઓપન વર્ક રાઇટ્સ’ એટલે કે કોઈપણ સ્થળે કામ કરવાની મંજૂરી આપવામાં આવશે.
- અરજદારો પાસે પોતાનો ખર્ચ ઉઠાવવા માટે ઓછામાં ઓછા 5,000 ન્યૂઝીલેન્ડ ડૉલર હોવા જોઈએ અને તેમણે પોતાનો ન્યૂઝીલેન્ડ સ્ટુડન્ટ વિઝા સમાપ્ત થયાના 3 મહિનાની અંદર અરજી કરવી પડશે.
આ વિઝાને લંબાવી શકાશે નહીં અને તે એકથી વધુ વખત આપવામાં આવશે નહીં. વિઝા ધારકો કોઈ બિઝનેસ કરી શકશે નહીં અને ન તો વર્ક વિઝા માટે કોઈ પાર્ટનર અથવા ‘ડિપેન્ડન્ટ ચાઇલ્ડ સ્ટુડન્ટ વિઝા’ માટે બાળકોને સ્પૉન્સર કરી શકશે. બંને વિઝા માટેની અરજીઓ 16 નવેમ્બરથી ન્યૂઝીલેન્ડની ‘એન્હાન્સ્ડ ઇમિગ્રેશન ઑનલાઇન સિસ્ટમ’ દ્વારા કરી શકાશે.
જણાવી દઈએ કે સામાન્ય રીતે ‘ન્યૂઝીલેન્ડ ક્વૉલિફિકેશન્સ એન્ડ ક્રેડેન્શિયલ્સ ફ્રેમવર્ક’ (NZQCF) હેઠળ એક વર્ષના ડિપ્લોમા અથવા સર્ટિફિકેટ (120 ક્રેડિટ), જે મૂળભૂત ટેક્નિકલ, વોકેશનલ અથવા પ્રોફેશનલ સ્કિલ વિકસાવે છે, તેમને લેવલ 5 ક્વૉલિફાઇંગ ડિગ્રી અથવા સર્ટિફિકેટમાં રાખવામાં આવે છે.

