China India Global Power: શું પશ્ચિમી દેશોના વર્ચસ્વનો યુગ દુનિયામાં સમાપ્ત થઈ રહ્યો છે અને તેની જગ્યાએ ઊભરી રહેલી નવી તસવીર કેવી છે? સર વિન્સ કેબલના પુસ્તક ‘Eclipsing the West: China, India and the Forging of a New World’ના કેન્દ્રમાં આ જ વાત છે. વિન્સ કેબલ બ્રિટનના પૂર્વ કેબિનેટ મંત્રી અને અર્થશાસ્ત્રી રહી ચૂક્યા છે. તેઓ લખે છે કે લગભગ ત્રણ સદી સુધી દુનિયામાં પશ્ચિમી દેશોનું વર્ચસ્વ રહ્યું, જે હવે ઢળતી દિશામાં છે. તેની જગ્યાએ દુનિયામાં એશિયાઈ દેશોની આગેવાની હેઠળ બહુપક્ષીય વ્યવસ્થા ઊભરી રહી છે.
વિન્સ કેબલ એશિયા વિશે સારી જાણકારી ધરાવે છે. તેમણે ચીન અને ભારતમાં થઈ રહેલા પરિવર્તનો પર દાયકાઓથી નજર રાખી છે. આ પુસ્તકમાં ઐતિહાસિક સંદર્ભ, આર્થિક વિશ્લેષણ અને જિયો-પોલિટિકલ પાસાઓને સામેલ કરીને જણાવવામાં આવ્યું છે કે 21મી સદીનું ભવિષ્ય અમેરિકા અથવા યુરોપ નક્કી નહીં કરે, પરંતુ તેમાં ચીન અને ભારતની ઘણી મોટી ભૂમિકા હશે.
કેબલ લખે છે કે ચીન અને ભારત ‘સુપરસ્ટેટ’ તરીકે ઊભરી આવ્યા છે. બંને દેશોની વસ્તી અન્ય કોઈપણ દેશ કરતાં વધુ છે. તેમનો વિસ્તાર પણ મોટો છે. ચીન જ્યાં દુનિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, ત્યાં ભારત પણ થોડા સમય પહેલાં ચોથી સૌથી મોટી ઇકોનોમી બન્યું હતું અને હાલમાં છઠ્ઠા ક્રમે છે. ટેક્નોલોજીમાં તો એવું માનવામાં આવે છે કે ચીને અમેરિકાને પણ પાછળ છોડી દીધું છે.
તેથી વૈશ્વિક વેપાર, નાણાં, સુરક્ષા અને ક્લાઇમેટ ગવર્નન્સ પર તેમનો પ્રભાવ વધી રહ્યો છે. વિન્સ લખે છે કે દુનિયાની એક તૃતીયાંશ વસ્તી આ બંને દેશોમાં રહે છે અને વૈશ્વિક GDPમાં તેમનો હિસ્સો સતત વધી રહ્યો છે. આજે અનેક બાબતોમાં ચીન કાં તો અમેરિકાને ટક્કર આપી રહ્યું છે અથવા તેનાથી આગળ નીકળી ગયું છે. બીજી તરફ, ભારત પણ આ સદીના મધ્ય સુધીમાં બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.
ભારત અને ચીન વચ્ચે સમાનતા અને તફાવત
લેખકે પુસ્તકમાં ભારત અને ચીન વચ્ચેની સમાનતાઓ સાથે બંને દેશ કઈ બાબતોમાં અલગ છે, તે પણ જણાવ્યું છે. તેઓ લખે છે કે બંને દેશોમાં શક્તિશાળી સરકારી કંપનીઓ સાથે ડાયનેમિક પ્રાઇવેટ સેક્ટર પણ છે. બંને વ્યૂહાત્મક ઔદ્યોગિક નીતિઓ બનાવી રહ્યા છે. ભારત અને ચીન પોતાના વિશાળ ઘરેલુ બજારને કારણે ઇનોવેશનને પ્રોત્સાહન આપી રહ્યા છે અને વિદેશી મૂડી પણ આકર્ષી રહ્યા છે.
વિન્સ લખે છે કે આ બંને દેશો વચ્ચેની કોમન બાબતો છે, પરંતુ ચીન જ્યાં નિકાસ આધારિત આર્થિક મોડલ પર ચાલી રહ્યું છે અને મોટા પાયે રોકાણ કરે છે, ત્યાં ભારતીય ઇકોનોમીની તાકાત તેનો સર્વિસિઝ સેક્ટર છે.
ઘરેલુ કન્ઝમ્પ્શન પણ ભારતીય અર્થવ્યવસ્થાનો મહત્વપૂર્ણ આધાર છે, જ્યારે ચીન લાંબા સમયથી પોતાના દેશમાં કન્ઝમ્પ્શનને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચીનને તેમાં કેટલીક સફળતા પણ મળી છે. વિન્સ બંને દેશોની રાજકીય વ્યવસ્થામાં રહેલા મોટા તફાવતનો પણ ઉલ્લેખ કરે છે.
તેઓ લખે છે કે ચીનમાં જ્યાં કમ્યુનિસ્ટ પાર્ટીની સરમુખત્યારશાહી છે, ત્યાં ભારતમાં લોકશાહી છે. વિન્સ લખે છે કે શીત યુદ્ધના અંત સુધી જ્યાં વૈશ્વિક GDPમાં પશ્ચિમી દેશોનું યોગદાન લગભગ 60% હતું, તે હવે ઘટીને લગભગ 40% રહી ગયું છે.
બીજી તરફ, ચીન અને ભારત જેવા ઇમર્જિંગ માર્કેટ્સનું તેમાં યોગદાન સતત વધી રહ્યું છે. તેઓ એ પણ જણાવે છે કે અમેરિકાના વૈશ્વિક વેપારી નિયમો લાગુ કરાવવાની પ્રક્રિયા, સુરક્ષા ગેરંટી અને ક્લાઇમેટ કમિટમેન્ટમાંથી પીછેહઠ કરવાને કારણે દુનિયામાં એક પાવર વેક્યૂમ ઊભું થયું છે.
આનાથી એશિયાઈ દેશો માટે આ ખાલી જગ્યા ભરવાની તક ઊભી થઈ રહી છે. તેમાં ખાસ કરીને ચીન અનેક સ્થળોએ અમેરિકાને પડકારતું જોવા મળી રહ્યું છે.

