અમદાવાદ, તા. 21 કેન્દ્રીય કરવેરામાંથી ગુજરાતને અપાતો હિસ્સો 41 ટકાથી વધારીને 50 ટકા કરવા માટે રાજ્ય સરકારે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવેલા 16મા નાણાપંચના અધ્યક્ષ ડો.અરાવિંદ પનગઢિયા સમક્ષ ભારપૂર્વક રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 16મા નાણાપંચ સાથેની બેઠકમાં સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો કે, ગુજરાત જેવાં જે રાજ્યો ફિસ્ક્લ પ્રુડન્ટ ડિસિપ્લિન્ડ રીતે જાળવે છે, તેમને આ માટે કમિશન દ્વારા રિવોર્ડસ મળવા જોઈએ.
આનાં પરિણામે આવા રાજ્યોના જવાબદાર નાણાં વ્યવસ્થાપન અને શિસ્તબદ્ધ ખર્ચને ઓળખ મળશે. એટલું જ નહીં, અન્ય રાજ્યો પણ આ માટે પ્રેરિત થશે. અહીં નોંધવું ઘટે કે, 16મું નાણાપંચ તા. 1 એપ્રિલ-2026થી શરૂ થતા પાંચ વર્ષના સમયગાળાને આવરી લેતો અહેવાલ તા. 31 ઓક્ટોબર-2025ના ઉપલબ્ધ કરાવવાનું છે. એ પહેલાં આયોગના અધ્યક્ષ ડો. અરાવિંદ પનગઢિયા તથા સભ્યોએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાણામંત્રી કનુ દેસાઈ, મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સલાહકાર ડો. હસમુખ અઢિયા અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો સાથે બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા વિકસિત ભારત ।઼ 2047ના વિઝનને સાકાર કરવામાં ગુજરાતની સજ્જતાની પ્રભાવક ભૂમિકા આ બેઠકમાં રજૂ કરી હતી. આ માટેના મહત્ત્વાકાંક્ષી લક્ષ્યોને સિદ્ધ કરવા કેન્દ્ર સરકારના ઉચિત સંસાધન અને સહયોગની અપેક્ષા પણ તેઓએ વ્યક્ત કરી હતી. ફાયનાન્સ કમિશને આ હેતુસર એફિશિયન્સી અને આઉટકમ્સ દર્શાવતા પરફોર્મન્સ ઇન્ડિકેટર પર વધુ ધ્યાન આપવું જોઈએ, એવો સુઝાવ તેમણે કમિશન સમક્ષ રજૂ કર્યો હતો.
મુખ્યમંત્રીએ અન્ય એક મહત્ત્વપૂર્ણ પહેલુ પ્રત્યે ફાયનાન્સ કમિશનનું ધ્યાન દોરતાં કહ્યું કે, ગુજરાતમાં જે વિશિષ્ટ પરિસ્થિતિ છે, તેને પણ આયોગે ફાંડિંગ ફાળવણીમાં ધ્યાને લેવી જરૂરી છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં એક તરફ શહેરીકરણ તેજીપૂર્વક વધી રહ્યું છે, તો બીજી તરફ ગ્રામીણ વિસ્તારોમાં વસતા આદિજાતિ સમુદાયોની પણ પોતાની અલગ-અલગ જરૂરિયાતો અને આવશ્યકતાઓ છે. મહત્ત્વનું છે કે, સેન્ટ્રલ ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના અંદાજને ટાંકીને બે દિવસ પહેલાં નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા બહાર પાડવામાં આવેલા સ્ટેટ ઓફ સ્ટેટ્સ નામક રિપોર્ટમાં ગુજરાતની નાણાકીય ખાદ્ય વધતી હોવા અંગે લાલબત્તી ધરવામાં આવી છે.
કેમ કે, જીએસડીપીની ટકાવારીમાં નાણાકીય ખાદ્યનું પ્રમાણ 2023-24માં જે 0.8 હતું, તે વધીને 2024-25માં 1.7 ટકા અને 2025-26માં 2.5 ટકા થવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે. આ સંદર્ભે પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં 16મા ફાયનાન્સ કમિશનના અધ્યક્ષ ડો. અરાવિંદ પનગઢિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નાણાકીય સ્થિતિ મજબૂત હોઇ નાણાકીય ખાદ્ય થોડી ઘણી વધે તે ચિંતાકારક નથી.

