Live-in Law: Live-in Relationship માં મહિલાઓને પણ મળશે IPC 498Aનું રક્ષણ, Supreme Courtનો ઐતિહાસિક ચુકાદો
Live-in Law: ભારતનો કાયદો લાંબા સમય સુધી પતિ-પત્નીના અધિકારો અને જવાબદારીઓનો આધાર માત્ર કાયદેસર લગ્નને જ માનતો રહ્યો છે. પરંતુ, સમાજની બદલાતી રચનાના આ સમયમાં Live-in Relationship પણ વાસ્તવિકતા બની ગઈ છે. આવી સ્થિતિમાં પ્રશ્નો ઉઠી રહ્યા હતા કે Live-in Relationshipમાં રહેતી મહિલા જો પીડિત હોય, તો શું તેને કાનૂની સુરક્ષા નહીં મળે? Supreme Courtએ તાજેતરમાં આ અંગે ચુકાદો આપ્યો છે.
રક્ષણ મળશે: સર્વોચ્ચ અદાલતે ડૉ. લોકેશ BH વિરુદ્ધ કર્ણાટક સરકાર કેસમાં 3 ઑગસ્ટે ચુકાદો આપતાં જણાવ્યું કે જો Live-in Relationshipમાં લગ્નનો ઇરાદો સ્પષ્ટ દેખાતો હોય, તો મહિલાને IPC ની કલમ 498A હેઠળ એવું જ કાનૂની રક્ષણ મળશે, જે કોઈ પરિણીત મહિલાને મળે છે. Justice Sanjay Karol અને Justice N Kotiswar Singh ની Benchએ જણાવ્યું કે માત્ર લગ્નનો ઔપચારિક પુરાવો ન હોવાના આધારે કોઈ મહિલાને આ સુરક્ષાથી વંચિત રાખી શકાય નહીં, કારણ કે તે બંધારણના Article 14 હેઠળ મળતા સમાનતાના અધિકારનું ઉલ્લંઘન ગણાશે.
કાનૂની માન્યતા: Supreme Court Live-in Relationshipને અગાઉથી જ કાનૂની માન્યતા આપી ચૂક્યું છે. વર્ષ 2010માં અદાલતે જણાવ્યું હતું કે Live-inમાં રહેતી મહિલાને પણ કેટલાક માપદંડો પૂર્ણ થવા પર ભરણપોષણ મળવું જોઈએ. 14 જૂન 2022ના રોજ અદાલતે માન્યું હતું કે જો કોઈ પુરુષ અને મહિલા લાંબા સમય સુધી પતિ-પત્ની તરીકે સાથે રહે છે, તો પરિસ્થિતિઓના આધારે તે સંબંધને લગ્ન તરીકે માનવામાં આવી શકે છે. અન્ય એક ચુકાદામાં અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે Live-in Relationshipમાં રહેતી મહિલા Domestic Violence Act (DV Act) હેઠળ રક્ષણ અને ભરણપોષણ માટે અદાલતનો દરવાજો ખટખટાવી શકે છે.
લગ્ન પર નિર્ભર નહીં: Supreme Courtએ પોતાના તાજેતરના ચુકાદામાં જણાવ્યું કે 498A હેઠળ મળતું રક્ષણ માત્ર પરિણીત મહિલાઓ સુધી મર્યાદિત રહેશે નહીં. કાનૂનની આ કલમનો હેતુ ઘરેલુ હિંસાથી મહિલાઓનું રક્ષણ કરવાનો છે. અદાલતે સ્પષ્ટ કર્યું કે Article 21 હેઠળ કોઈ સાથી સાથે રહેવાનો નિર્ણય વ્યક્તિના ગૌરવ અને વ્યક્તિગત સ્વતંત્રતાનો ભાગ છે. તેથી મહિલાની સુરક્ષા માત્ર ઔપચારિક લગ્ન પર નિર્ભર રહી શકે નહીં.
દંડ આપવાનો હેતુ: અદાલતમાં સરકારે દલીલ કરી હતી કે Domestic Violence Act (DV Act) પહેલેથી જ Live-in સંબંધોમાં મહિલાઓને રક્ષણ આપે છે. જોકે, Supreme Courtએ જણાવ્યું કે Domestic Violence Act મુખ્યત્વે નાગરિક રાહત આપે છે, જ્યારે IPC ની કલમ 498A એક ફોજદારી જોગવાઈ છે, જેનો હેતુ મહિલાઓ સાથે ઘરેલુ ક્રૂરતા કરનાર વ્યક્તિને દંડિત કરવાનો છે. અદાલતે ફરી ભારપૂર્વક જણાવ્યું કે જ્યારે પીડા સમાન છે, ત્યારે બંધારણીય રક્ષણ પણ સમાન હોવું જોઈએ.
દલીલ ફગાવી: આ કેસમાં આરોપી પુરુષની દલીલ હતી કે બંનેના લગ્ન થયા નથી, તેથી IPC ની કલમ 498A લાગુ પડી શકે નહીં. Supreme Courtએ આ દલીલ ફગાવતા જણાવ્યું કે કોઈપણ કાનૂનની એવી સંકુચિત વ્યાખ્યા કરી શકાય નહીં, જેના કારણે તેનો મૂળ હેતુ જ નિષ્ફળ બની જાય. અદાલતે ગોપનીયતા અને વ્યક્તિગત સ્વતંત્રતા સંબંધિત પોતાના અગાઉના ચુકાદાઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે પોતાની પસંદગીનો જીવનસાથી પસંદ કરવો કોઈપણ વ્યક્તિના ગૌરવ અને સ્વતંત્રતાનો ભાગ છે. કાનૂન એક તરફ પોતાની પસંદગીનો જીવનસાથી પસંદ કરવાની સ્વતંત્રતા આપે અને બીજી તરફ એ જ આધારે સુરક્ષાથી વંચિત રાખે, તે સ્વીકાર્ય નથી. જોકે અદાલતે સ્પષ્ટ કર્યું કે માત્ર તે જ સંબંધો રક્ષણના દાયરામાં આવશે, જે ખરેખર લગ્ન જેવી પ્રકૃતિ ધરાવતા હોય, જેમાં બંને પુખ્ત વયના હોય અને લગ્નનો સ્પષ્ટ ઇરાદો સ્થાપિત થઈ શકે.
વિચારધારાનો વિસ્તાર: આ ચુકાદો Supreme Courtની વિકસતી ન્યાયિક વિચારધારાની આગામી કડી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અદાલતે પોતાના અનેક ચુકાદાઓ દ્વારા સ્પષ્ટ કર્યું છે કે મહિલાઓના અધિકારો માત્ર લગ્નની તકનીકી માન્યતા સુધી મર્યાદિત રહી શકે નહીં. વર્ષ 2010માં Live-in સંબંધોને મર્યાદિત કાનૂની માન્યતા આપ્યા પછી અને જૂન 2022માં લાંબા સમય સુધી સાથે રહેતા યુગલોને પરિસ્થિતિઓના આધારે પરિણીત માનવાની ધારણાને સ્વીકાર્યા બાદ હવે કલમ 498A અંગેનો આ ચુકાદો એ જ વિચારધારાનો વધુ વિસ્તાર છે.
સામાજિક બદલાવ: અદાલતે સંકેત આપ્યો છે કે ન્યાયનો આધાર કોઈપણ સંબંધની વાસ્તવિકતા હોવી જોઈએ, માત્ર લગ્નનું પ્રમાણપત્ર નહીં. જો કોઈ મહિલા વ્યવહારમાં પત્ની તરીકે જીવન જીવી રહી હોય અને એ જ સંબંધમાં પીડા સહન કરતી હોય, તો તેને કાનૂની રક્ષણ મળવું જોઈએ. આ ચુકાદો ભારતીય પારિવારિક કાનૂનને સામાજિક બદલાવોને અનુરૂપ બનાવવાની દિશામાં એક સીમાચિહ્ન સમાન માનવામાં આવી શકે છે.

