સિયાંગ પરિયોજનાને લઈને કોંગ્રેસના સવાલો, પેમા ખાંડુના ભ્રષ્ટાચારના આરોપો પર પણ વડાપ્રધાન મોદી સામે ઉઠાવ્યા પ્રશ્નો
Siang Hydropower Project: અરુણાચલ પ્રદેશ કોંગ્રેસે પ્રસ્તાવિત અપર સિયાંગ બહુહેતુક પરિયોજના માટે સર્વેક્ષણ, ડ્રિલિંગ અને પ્રી-ફિઝિબિલિટી રિપોર્ટ (PFR) તૈયાર કરવાના હેતુથી સિયાંગ અને અપર સિયાંગ જિલ્લાઓમાં મોટી સંખ્યામાં સુરક્ષા કર્મચારીઓની તૈનાતીનો વિરોધ કર્યો છે. પાર્ટીએ કહ્યું કે વિકાસ પરિયોજનાઓને બળ અથવા ડરાવી-ધમકાવીને આગળ વધારી શકાય નહીં.
નૉર્થઈસ્ટ નાઉના અહેવાલ મુજબ, અરુણાચલ પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રવક્તા જૉની યાંગફોએ સવાલ ઉઠાવ્યો કે જો પ્રસ્તાવિત પરિયોજનાને સ્થાનિક સમુદાયોનો વિશ્વાસ અને સમર્થન મળ્યું છે, તો આટલી ભારે સુરક્ષાની જરૂર શા માટે છે.
યાંગફોએ એક નિવેદનમાં કહ્યું, ‘બંદૂકના સાયામાં, વહીવટી દબાણ અથવા પૈસાની લાલચ આપીને સંમતિ મેળવી શકાય નહીં.’
કોંગ્રેસે કહ્યું કે અપ્રિય ઘટનાઓને રોકવા માટે સુરક્ષા દળોને તૈનાત કરી શકાય છે, પરંતુ લોકોનો વિશ્વાસ જીતવા માટે તેમનો ઉપયોગ કરી શકાય નહીં.
સિયાંગના ડેપ્યુટી કમિશનર તાયી ટેગ્ગુએ કહ્યું કે PFRના કામ દરમિયાન કોઈ અપ્રિય ઘટનાને રોકવાના હેતુથી સુરક્ષા દળોની તૈનાતી કરવામાં આવી છે.
કોંગ્રેસે કહ્યું કે સિયાંગ વિસ્તારના લોકો વિકાસના વિરોધી નથી, પરંતુ તેમને જમીન, આજીવિકા, વિસ્થાપન, જંગલો, જૈવવિવિધતા, સાંસ્કૃતિક વારસા, નદીની પરિસ્થિતિતંત્ર અને ભૂકંપીય સંવેદનશીલતાને લઈને ચિંતાઓ છે.
પાર્ટીએ કહ્યું કે સિયાંગ વિસ્તાર સ્વદેશી સમુદાયોની પેઢીઓથી ચાલી આવતી જમીન છે અને તેને માત્ર વીજ ઉત્પાદન માટેના સંસાધન વિસ્તાર તરીકે જોવો જોઈએ નહીં.
પ્રસ્તાવિત 12,500 મેગાવોટની સિયાંગ અપર બહુહેતુક પરિયોજના (SUMП)થી અરુણાચલ પ્રદેશની જળવિદ્યુત ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. જોકે, વિસ્થાપન, પર્યાવરણીય અસર, સાંસ્કૃતિક વારસા અને ભૂકંપીય જોખમોને લઈને સ્થાનિક સમુદાયોના કેટલાક વર્ગો અને નાગરિક સમાજ સંગઠનો તરફથી પરિયોજનાનો વિરોધ અને દેખાવો થતા રહ્યા છે.
કોંગ્રેસે કહ્યું કે પરિયોજનાને લઈને થઈ રહેલા વિરોધથી સ્પષ્ટ થાય છે કે સુરક્ષા તૈનાતી વધારવાને બદલે વધુ પારદર્શિતા અને વ્યાપક સંવાદની જરૂર છે.
પાર્ટીએ માંગ કરી કે કોઈ એવો નિર્ણય લેવામાં આવે તે પહેલાં, જેને પછી બદલી ન શકાય, સ્વતંત્ર વૈજ્ઞાનિક તપાસ અને અસરગ્રસ્ત સમુદાયોની અર્થપૂર્ણ ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવે. કોંગ્રેસે ગામડાંઓ અને પરિયોજનાના સર્વેક્ષણ વિસ્તારોમાંથી કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો તથા અન્ય સુરક્ષા કર્મચારીઓની તે તૈનાતી તાત્કાલિક પાછી ખેંચવાની માંગ કરી, જેને તેણે ‘અતિશય તૈનાતી’ ગણાવી.
પાર્ટીએ એવી પણ માંગ કરી કે જ્યાં સુધી પારદર્શક પરામર્શ પ્રક્રિયા પૂર્ણ ન થાય, ત્યાં સુધી પરિયોજના સંબંધિત બળજબરીથી કરવામાં આવતી પ્રવૃત્તિઓ સ્થગિત કરવામાં આવે. કોંગ્રેસે કહ્યું કે બળ અથવા ડરાવી-ધમકાવીને કોઈ સર્વેક્ષણ કે તપાસ કરવામાં આવવી જોઈએ નહીં.
પાર્ટીએ રાજ્ય સરકારને અસરગ્રસ્ત સ્વદેશી સમુદાયો, ગ્રામ સંસ્થાઓ, કેબાંગો, નાગરિક સમાજ સંગઠનો અને અન્ય હિતધારકો સાથે સુનિયોજિત અને સમયબદ્ધ સંવાદ શરૂ કરવા અપીલ કરી.
કોંગ્રેસે સ્પષ્ટ કર્યું કે તે વિકાસ અથવા જવાબદાર રીતે જળવિદ્યુત ઉત્પાદનના વિરોધમાં નથી, પરંતુ તેણે એવા વિકાસ મોડલને નકારી કાઢ્યો છે જે તેના અનુસાર લોકોના અધિકારો, પર્યાવરણ અને સાંસ્કૃતિક વારસા સાથે સમાધાન કરી શકે છે.
દરમિયાન, અરુણાચલના મુખ્યમંત્રી પેમા ખાંડુએ સિયાંગ બંધ પરિયોજના થોપવાની વાતનો ઇનકાર કર્યો.
ખાંડુએ ગુરુવારે પત્રકારોને કહ્યું, ‘પ્રી-ફિઝિબિલિટી રિપોર્ટ અંગે અમારી વાતચીત છેલ્લા બે વર્ષથી ચાલી રહી છે. ઘણા ગામો અને રહેવાસીઓએ PFR એટલે કે સર્વેક્ષણ માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જોકે, હજુ પણ કેટલાક ગામો અને લોકોનો એક વર્ગ તેનો વિરોધ કરી રહ્યો છે.’
કોંગ્રેસે ભ્રષ્ટાચારના આરોપો છતાં પેમા ખાંડુના પદ પર ચાલુ રહેવા અંગે ઉઠાવ્યા સવાલ
કોંગ્રેસે શુક્રવારે (18 સપ્ટેમ્બર) અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુના પદ પર ચાલુ રહેવાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ‘સંપૂર્ણ પાખંડ’નો આરોપ લગાવ્યો. પાર્ટીએ કહ્યું કે ખાંડુ રાજ્યના લોક નિર્માણ વિભાગ (PWD) મંત્રી હતા તે સમયગાળા દરમિયાન કથિત રીતે તેમના પરિવારના સભ્યોને આપવામાં આવેલા 1,270 કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટની સુપ્રીમ કોર્ટના આદેશ પર CBI તપાસ ચાલી રહી છે, તેમ છતાં તેઓ મુખ્યમંત્રી પદ પર ચાલુ છે.
કોંગ્રેસના મહાસચિવ અને સંચાર વિભાગના પ્રભારી જયરામ રમેશે કહ્યું કે ખાંડુએ રાજીનામું આપી દેવું જોઈતું હતું અથવા તેમને પદ છોડવા માટે કહેવામાં આવવું જોઈતું હતું. તેમણે આરોપ લગાવ્યો કે આ ભ્રષ્ટાચારને વિકસવા દેવાનું વધુ એક ઉદાહરણ છે.
રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરની એક પોસ્ટમાં કહ્યું, ‘પરંતુ મુખ્યમંત્રી અને તેમના સુપ્રીમ લીડર વડાપ્રધાન બંનેએ આ મામલે નિર્લજ્જતાથી અડગ રહેવાનો નિર્ણય કર્યો.’
રમેશ અનુસાર, 6 એપ્રિલે સુપ્રીમ કોર્ટે 1,270 કરોડ રૂપિયાના તે કોન્ટ્રાક્ટની CBI તપાસનો આદેશ આપ્યો હતો, જે કથિત રીતે ખાંડુએ 2015થી 2025 દરમિયાન અરુણાચલ પ્રદેશના PWD મંત્રી તરીકે રહેતા તેમના પરિવારના સભ્યોને આપ્યા હતા.
રમેશે કહ્યું કે સુપ્રીમ કોર્ટનો આ નિર્દેશ મોદી સરકાર માટે અણધાર્યો હતો.
કોંગ્રેસ નેતાએ આગળ દાવો કર્યો કે 3 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે અરુણાચલ પ્રદેશ સરકારના વરિષ્ઠ અધિકારીઓને સમન્સ પાઠવ્યું હતું. આવું ત્યારે થયું જ્યારે CBIએ ફરિયાદ કરી હતી કે રાજ્ય સરકાર તપાસમાં સહયોગ કરી રહી નથી.
રમેશે કહ્યું, ‘મુખ્યમંત્રી, જેઓ હજુ પણ PWD મંત્રી છે, સંબંધિત ફાઇલો સુધી પહોંચ આપવાનો ઇનકાર કરી રહ્યા હતા. અહેવાલ મુજબ, ગૃહમંત્રી CBIની આ નવી હિંમતથી આશ્ચર્યચકિત હતા.’
રમેશે કહ્યું કે 24 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે સંબંધિત દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવાને બદલે રાજ્ય સરકારે CBIને ‘દસ્તાવેજોના વિશાળ ઢગલા’ સોંપી દીધા હતા.
તેમણે કહ્યું, ‘આ અસાધારણ અને સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે કે મુખ્યમંત્રી પદ પર ચાલુ છે. આ વડાપ્રધાનના સંપૂર્ણ પાખંડને દર્શાવે છે.’
રમેશે ભ્રષ્ટાચારના મુદ્દે વડાપ્રધાનના કથિત વિરોધાભાસી વલણ પર પણ સવાલ ઉઠાવ્યો. તેમણે વડાપ્રધાન મોદીના વારંવાર પુનરાવર્તિત નિવેદન ‘ન ખાઈશ, ન ખાવા દઈશ’નો ઉલ્લેખ કર્યો.
કોંગ્રેસ નેતાએ કહ્યું, ‘આ ‘ખાધું છે, ખાવા દીધું છે અને ખવડાવ્યું પણ છે’ તેનું વધુ એક ઉદાહરણ છે.’

