Asian Games 2026 માં ભારતને MMAનો પહેલો મેડલ, સુચિકા તરિયાલે 60 કિગ્રા કેટેગરીમાં જીત્યો બ્રોન્ઝ

Arati Parmar
3 Min Read

Asian Games 2026: એશિયન ગેમ્સ 2026માં ભારતને મિક્સ્ડ માર્શલ આર્ટ્સ (MMA) ઇવેન્ટમાં પહેલો ઐતિહાસિક મેડલ મળી ગયો છે. 36 વર્ષની ભારતીય ફાઇટર સુચિકા તરિયાલે સોમવારે મહિલાઓની પરંપરાગત 60 કિગ્રા સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો. જોકે આ મુકાબલો ભારે હાઇ-ડ્રામાથી ભરેલો રહ્યો. સેમિફાઇનલમાં સિંગાપોરની તેઓ હુઇ હૂન સામે સુચિકાએ જોરદાર સંઘર્ષ કર્યો અને મેચને ઓવરટાઇમ સુધી લઈ ગઈ, પરંતુ જજનો અંતિમ નિર્ણય સિંગાપોરની ખેલાડીની તરફેણમાં રહ્યો. નિર્ણય જાહેર થતાં જ સુચિકા પોતાના આંસુ રોકી શકી નહીં અને ખૂબ ભાવુક થઈને રિંગમાંથી પરત ફરી.

મેચ બાદ જ્યારે રેફરીએ સત્તાવાર વિજેતાની જાહેરાત માટે બંને ખેલાડીઓને મંચ પર બોલાવ્યા, ત્યારે સુચિકા અગાઉના નિર્ણયથી નિરાશ હોવાથી ઉપર જવા માટે તૈયાર નહોતી. જોકે, ભારતીય કોચે સમજાવ્યા બાદ તે અનિચ્છાએ મંચ પર ગઈ, પરંતુ નિર્ણય બાદ આંખોમાં આંસુ સાથે પરત ફરી. નોંધનીય છે કે એશિયન ગેમ્સ 2026માં BMX, ટેકબોલ, પેડેલ, સર્ફિંગ અને વર્ચ્યુઅલ તાઈક્વાન્ડોની સાથે MMAને પણ પહેલીવાર સામેલ કરવામાં આવ્યું છે. સુચિકાએ રવિવારે ક્વાર્ટરફાઇનલમાં મંગોલિયાની અલતાનચિમેગ બાયગલ્માને 2-0થી હરાવીને જ ભારતનો મેડલ નિશ્ચિત કરી દીધો હતો.

- Advertisement -

કારકિર્દી અને MMAમાં વાપસીની સફર

સુચિકા તરિયાલે વર્ષ 2017માં મિક્સ્ડ માર્શલ આર્ટ્સમાં પોતાનું ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેમણે MMAથી આશરે સાત વર્ષનો વિરામ લીધો અને આ દરમિયાન જુડો તથા જુ-જિત્સુમાં ભારતનું પ્રતિનિધિત્વ ચાલુ રાખ્યું. વર્ષ 2024માં તેમણે બ્રેવ કોમ્બેટ ફેડરેશન સાથે કોન્ટ્રેક્ટ પર હસ્તાક્ષર કર્યા. ત્યારબાદ ડિસેમ્બર 2024માં બહેરીનમાં આયોજિત બ્રેવ CF 92 દ્વારા તેમણે પ્રોફેશનલ MMA રિંગમાં શાનદાર વાપસી કરી હતી.

છેડતીની ઘટનાથી મળી પ્રેરણા

હરિયાણાના રોહતકની રહેવાસી સુચિકાની રમતયાત્રા ઘણી પ્રેરણાદાયક રહી છે. માત્ર 12 વર્ષની ઉંમરે પોતાની સાથે બનેલી છેડતીની એક ઘટના બાદ તેમણે આત્મરક્ષાના હેતુથી જુડો શીખવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેમણે પાછળ ફરીને જોયું નથી અને 20થી વધુ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું. સુચિકા 8 વખતની નેશનલ જુડો ચેમ્પિયન છે. આ ઉપરાંત તેમણે 2019 કોમનવેલ્થ જુડો ચેમ્પિયનશિપ અને 2019 સાઉથ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2022ની બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં પણ તેમણે 57 કિગ્રા વર્ગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જ્યાં તેઓ ખૂબ જ નજીવા અંતરથી મેડલ ચૂકી ગયા હતા. રમત ઉપરાંત સુચિકા CISFમાં હેડ કોન્સ્ટેબલના પદ પર ફરજ બજાવી ચૂકી છે અને બાદમાં હરિયાણા રમત વિભાગમાં જુનિયર કોચ તરીકે સેવાઓ આપી હતી.

- Advertisement -
Share This Article