Gujarat DGP G S Malik એ યાદ કર્યા પોતાના મેન્ટર્સ, કહ્યું- શરૂઆતમાં મળેલું માર્ગદર્શન જ આગળની સફળતા નક્કી કરે છે

Arati Parmar
4 Min Read

‘સલામ અવર મેન્ટર્સ’ કાર્યક્રમમાં 30થી વધુ નિવૃત્ત પોલીસ અધિકારીઓનું સન્માન, જી. એસ. મલિકે પ્રોબેશન સમયના અનુભવો કર્યા યાદ

Gujarat DGP G S Malik: કહેવાય છે કે મુશ્કેલ પરિશ્રમને યોગ્ય માર્ગદર્શનનો સાથ મળે તો સફળતાને હાંસલ કરતાં કોઈ રોકી શકતું નથી. જૂનમાં ગુજરાતના DGP બનેલા 1993 બેચના IPS જી. એસ. મલિકની ગણના મહેનતી અધિકારીઓમાં થાય છે. ગુજરાતની સાથે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં વિવિધ જવાબદારીઓ સંભાળી ચૂકેલા જ્ઞાનેદ્રસિંહ મલિક (જી. એસ. મલિક) ‘સલામ અવર મેન્ટર્સ’ કાર્યક્રમમાં પોતાના સિનિયર્સને યાદ કર્યા. જેમણે 1993માં પોલીસ સેવામાં આવ્યા બાદ મલિકને માર્ગદર્શન આપ્યું હતું.

સાબરકાંઠાથી ગાંધીનગર સુધીની સફર

ગુજરાત DGP ઑફિસમાં યોજાયેલા ‘સલામ અવર મેન્ટર્સ’ કાર્યક્રમમાં જી. એસ. મલિકે પોતાના શરૂઆતના દિવસોને યાદ કર્યા. મલિકે સાબરકાંઠાના હિંમતનગરમાં પોતાના પ્રોબેશન પિરિયડનો ઉલ્લેખ કરતાં કહ્યું કે વરિષ્ઠ અધિકારીઓ પ્રિયદર્શી અને પી. બી. ગોંડિયાના યોગદાનની વિશેષ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે ફીલ્ડ ટ્રેનિંગ દરમિયાન નિયમિત રીતે અંગ્રેજીમાં સાપ્તાહિક ડાયરી લખવાનો આગ્રહ, રાત્રિ રાઉન્ડ, ગેરહાજર કર્મચારીઓના જાતે નિવેદન લેવા તેમજ લોક ફરિયાદોનું સંવેદનશીલતાથી નિરાકરણ કરવા જેવી પદ્ધતિઓ તેમને આ મેન્ટર્સ પાસેથી શીખવા મળી હતી.

- Advertisement -

DGPએ યાદ કર્યા જૂના દિવસો

DGP મલિકે જણાવ્યું કે જૂનાગઢમાં ટ્યુનિક યુનિફોર્મ અને તત્કાલીન IG ગુરદયાલ સિંહની ઇન્સ્પેક્શન પરેડથી શિસ્ત અને લાઇન તપાસનું મહત્વ સમજાયું હતું, જ્યારે પ્રાંતિજમાં ASP તરીકે પોલીસ સ્ટેશનનું સંચાલન અને પંચાયત ચૂંટણી દરમિયાન ચૂંટણી વ્યવસ્થાપનનું મહત્વપૂર્ણ ટ્રેનિંગ મળ્યું હતું. તેમણે જણાવ્યું કે બાદમાં પોરબંદરમાં પ્રિયદર્શી સરના નિરીક્ષણ દરમિયાન ભૂલરહિત પરેડ આપી ત્યારે તેમણે પ્રશંસા કરીને હિંમત વધારી હતી. જી. એસ. મલિક ગુજરાતના 41મા DGP છે. તેઓ ગયા વર્ષે અમદાવાદની ચંડોળા ઝીલ, જેને ‘મિની બાંગ્લાદેશ’ કહેવામાં આવતી હતી, તેનો સફાયો કરીને દેશભરમાં ચર્ચામાં આવ્યા હતા.

અમદાવાદ CPએ કહી મોટી વાત

આ સમારોહમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે કહ્યું કે પોલીસના સર્વિસ રેકોર્ડમાં પોસ્ટિંગ અને પ્રમોશન જેવી બાબતો નોંધાય છે, પરંતુ તેઓ રાત્રે મોડા ઘરે પહોંચે છે, બાળકો જાગે તે પહેલાં ફરી ડ્યૂટી પર પહોંચી જાય છે, તહેવારોમાં રસ્તા પર ઊભા રહીને જનતાની સુરક્ષા કરે છે અથવા સામાજિક કાર્યક્રમો છોડવા પડે છે. આ ત્યાગ અને સંઘર્ષ ક્યારેય રેકોર્ડમાં લખાતો નથી. તેમણે ખાસ પ્રશંસા કરી કે આવા સંજોગોમાં પોલીસ અધિકારીઓના સતત થતા ટ્રાન્સફર અને પડકારો વચ્ચે તેમના પરિવારજનો અને પત્નીએ જે સાથ આપ્યો, ઘર સંભાળ્યું અને ત્યાગ કર્યો.

- Advertisement -

નિવૃત્ત ઑફિસર્સનું સન્માન

ગુજરાત પોલીસે પોતાની પરંપરા જાળવી રાખતાં ગાંધીનગર સ્થિત પોલીસ ભવનમાં ‘સલામ અવર મેન્ટર્સ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કર્યું. ગુજરાતના પૂર્વ DGP વિકાસ સહાયે બે વર્ષ પહેલાં આ કાર્યક્રમનો પાયો નાખ્યો હતો. જેને જી. એસ. મલિકે આગળ વધાર્યો. કાર્યક્રમમાં પોતાનું સંપૂર્ણ જીવન ગુજરાત પોલીસને સમર્પિત કરીને ગુજરાત પોલીસના ગૌરવમાં વધારો કરનારા 30થી વધુ DGP અને ADGP રેન્કના નિવૃત્ત પોલીસ અધિકારીઓનું પુસ્તક આપીને સન્માન કરવામાં આવ્યું.

શરૂઆત સફળતા નક્કી કરે છે: મલિક

‘વી સલામ અવર મેન્ટર્સ’ કાર્યક્રમમાં ગુરુ સમાન તમામ નિવૃત્ત વરિષ્ઠ અધિકારીઓને સંબોધતા રાજ્યના પોલીસ મહાનિર્દેશક જ્ઞાનેદ્રસિંહ મલિકે કહ્યું કે શરૂઆતમાં મળેલું માર્ગદર્શન આગળની સફળતા નક્કી કરે છે. કાર્યક્રમમાં નિવૃત્ત DGP પી. સી. પાંડે, એસ. એસ. ખાંડવાવાલા, સતીશ શર્મા, મીરા રામનિવાસ, નિવૃત્ત ADGP આર. પી. પ્રિયદર્શી, વિજય સિંહ ગુમાન, જે. એસ. બિન્દ્રા, પૂર્વ DGP આશિષ ભાટિયા, શિવાનંદ ઝા અને વિકાસ સહાય હાજર રહ્યા.

- Advertisement -
Share This Article