નવી દિલ્હી, તા. 7 : આરબીઆઇના 2024-’25ના વર્ષ માટે બહેતર વૃદ્ધિદરનાં અનુમાન અને મોદી સરકાર 3.0ની તૈયારીઓ વચ્ચે શેરબજારમાં સતત ત્રીજા દિવસે જબરદસ્ત અને સેન્સેક્સ પોઇન્ટના ઉછાળા સાથે તો નિફ્ટી 468.75 અંકના વધારા સાથે સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. તેજી જોવા મળી હતી.
કારોબારના અંતમાં સેન્સેક્સ 76,693ના સ્તરે બંધ થયું હતું, તો એનએસઈ નિફ્ટી સાથે 23,290ના સ્તરે બંધ થયું હતું. મંગળવારે રોકાણકારોના રૂા. 31 લાખ કરોડ ધોવાયા હતા, પણ ત્યાર પછીના ત્રણ દિવસમાં તેમની મૂડીમાં રૂા. 28.65 લાખ કરોડનો વધારો થયો હતો. શેરમાર્કેટમાં ચૂંટણી પરિણામના દિવસે મંગળવારે મોટો કડાકો બોલ્યો હતો. જો કે બીજા જ દિવસે બુધવારથી માર્કેટમાં તેજી શરૂ થઈ હતી. આ તેજી સતત ત્રણ દિવસ રહી છે.

રાજકીય હિલચાલની પણ અસર બજાર ઉપર જોવા મળી રહી છે. પહેલાં એક્ઝિટ પોલનાં અનુમાન મુજબ પરિણામ ન આવતાં બજારમાં કડાકો થયો હતો. જો કે, એનડીએ સરકાર બનવાના આસારથી બીજા જ દિવસે રિકવરી શરૂ થઈ હતી. હવે શુક્રવારે પીએમ મોદીનાં નામ ઉપર તમામનાં સમર્થન બાદ સેન્સેક્સ નવા મુકામે પહોંચ્યો છે. શુક્રવારે સેન્સેક્સ સવારે 9.15 વાગ્યે મામૂલી ઉછાળા સાથે 75,031.79ના સ્તરે ઓપન થયો હતો. જો કે, બાદમાં તેજી આવતી ગઈ હતી અને 1600 અંકથી વધારેની બઢત સાથે 76,795.331ના સ્તરે પહોંચી ગયો હતો. જે ઓલટાઈમ હાઈ લેવલ છે. આ ઉપરાંત નિફ્ટી પણ 22,821.85ના લેવલે ઓપન થયા બાદ તોફાની રફતાર પકડતાં 23,000ને પાર નીકળી હતી અને 23,320ના દિવસના ઓલટાઈમ હાઈએ પહોંચી હતી. નિફ્ટીનો આંકડો સર્વકાલીન શ્રેષ્ઠ સપાટી લેવલ 23,338ની ખૂબ જ નજીક છે. જો કે, કારોબાર ખતમ થવા ઉપર સેન્સેક્સ 1618 અંક એટલે કે 2.18 ટકાના ઉછાળા સાથે 76,693ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 468 અંકની તેજી સાથે 23,290ના સ્તરે ક્લોઝ થયો હતો. શેરબજારમાં આવેલી તેજીમાં લાર્જકેપ શેર સામેલ છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં 5.84 ટકા, વિપ્રોમાં 5.11 ટકા, ટેક મહિન્દ્રા 4.57 ટકા વગેરે છે, જ્યારે મિડકેપ કંપનીમાં પેટીએમ 10 ટકા, એલએન્ડટી ફાઈનાન્સ 5.91 ટકા અને વોડાફોન-આઈડિયા શેર 5.67 ટકાની તેજી સાથે બંધ થયા હતા. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેની આજની બેઠકમાં વ્યાજદર સ્થિર રાખ્યો હતો અને 2024.25ના જીડીપીના વિકાસનો અંદાજ વધારીને 7.2 ટકા કર્યો હતો, જેની બજાર પર સાનુકૂળ અસર હતી. લગભગ 2747 શેર વધ્યા હતા, 951 શેર ઘટયા હતા અને 105 શેર સ્થિર રહ્યા હતા.

