RSSના અમેરિકામાં લોબિંગના દાવા વચ્ચે નવું સંગઠન સામે આવ્યું, અમેરિકી ન્યાય વિભાગમાં નોંધણી કરાવી
RSS Friends USA Registration: અમેરિકામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પહોંચ વધારવાના હેતુથી RSS ફ્રેન્ડ્સ નામના એક નવા સંગઠને અમેરિકાના ન્યાય વિભાગ (DoJ) પાસે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ જૂથે પોતાને ‘વિદેશી એજન્ટ’ તરીકે નોંધાવ્યું છે અને કહ્યું છે કે તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું પ્રતિનિધિત્વ કરે છે. અહેવાલ અનુસાર, RSS ફ્રેન્ડ્સે 27 ઑગસ્ટે અમેરિકામાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ RSSના એવા દાવાઓથી તદ્દન વિપરીત છે, જેમાં સંઘ કહે છે કે તે અમેરિકામાં કોઈ લોબિંગ કરતું નથી.
RSSના શુભચિંતક તરીકે ઓળખાવતું આ જૂથ અમેરિકાના ન્યાય વિભાગમાં રજિસ્ટ્રેશન માટે જ્યોર્જિયાનું એક સરનામું આપ્યું છે. તેણે નવી દિલ્હીમાં આવેલા RSSના મુખ્યાલય કેશવ કુંજને પોતાના વિદેશી મુખ્ય મથક તરીકે દર્શાવ્યું છે. જૂથનું કહેવું છે કે તેનું કામ રાજકીય હેતુ ધરાવતા લોકો દ્વારા ફેલાવવામાં આવતી RSS વિશેની ગેરસમજ દૂર કરવાનું છે. તેમાં ખોટી, અધૂરી અથવા સંદર્ભથી અલગ રીતે રજૂ કરવામાં આવેલી માહિતીનો જવાબ આપવો અથવા તેને સુધારવાનો સમાવેશ થાય છે.
જૂથનો હેતુ શું છે?
- જૂથે જણાવ્યું કે RSS સાથે તેનો કોઈ લેખિત રોજગાર અથવા લોબિંગ કરાર નથી, જેમાં પગાર અથવા કામના બદલામાં વેતન કે અન્ય લાભોનો ઉલ્લેખ હોય.
- તેણે એમ પણ કહ્યું કે લેખિત કરાર ન હોવાનો અર્થ એ નથી કે જૂથ અને RSS વચ્ચે કોઈ સંબંધ, વિનંતી, સંકલન, નિર્દેશ અથવા અન્ય વાસ્તવિક જોડાણ નથી.
- આ સંગઠન સામાન્ય જનતા, પત્રકારો, મીડિયા સંસ્થાઓ, સંશોધકો, શૈક્ષણિક અને નીતિગત સંસ્થાઓ, સામુદાયિક નેતાઓ, નાગરિક સમાજ અને જરૂર પડે ત્યારે સરકારી એજન્સીઓના અધિકારીઓ સાથે વાતચીત કરી શકે છે.
મોહન ભાગવતના ન્યૂયોર્ક કાર્યક્રમ પહેલાં રજિસ્ટ્રેશન
જૂથે ફૉરેન એજન્ટ્સ રજિસ્ટ્રેશન ઍક્ટ (FARA) હેઠળ 27 ઑગસ્ટે નોંધણી કરાવી હતી. આ ઘટનાક્રમ મેડિસન સ્ક્વેરમાં RSSના વડા મોહન ભાગવતના સંબોધનના બરાબર પહેલાં બન્યો હતો. મોહન ભાગવતે 29 ઑગસ્ટે પોતાનું સંબોધન આપ્યું હતું.
RSS અને અમેરિકામાં લોબિંગ
RSS દાવો કરતું રહ્યું છે કે તે અમેરિકામાં લોબિંગ કરતું નથી, પરંતુ નવેમ્બર 2025માં આવેલા એક અહેવાલે આ મુદ્દે વિવાદ ઊભો કર્યો હતો. સમાચાર માધ્યમ પ્રિઝમે તે સમયે જણાવ્યું હતું કે RSS માટે પેટન બોગ્સ નામની લોબિંગ ફર્મને કામે રાખવામાં આવી હતી. તેનું કામ અમેરિકાના અધિકારીઓ સાથે RSSની મુલાકાત કરાવવાનું હતું. RSSએ આ અહેવાલને નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે તેણે કોઈ લોબિંગ ફર્મને કામે રાખી નહોતી. સ્ક્વાયર પેટન બોગ્સે જણાવ્યું હતું કે તેનો કરાર 30 સપ્ટેમ્બર 2025ના રોજ સમાપ્ત થઈ ગયો હતો.

