ગાઝા પટ્ટી પર ઈઝરાયલનો હુમલો : 700 મોત
Wednesday, 25 October 2023
ગાઝા પટ્ટી પર ઈઝરાયલનો હુમલો : 700 મોત
તેલ અવીવ, તા. 24 : ઈઝરાયલ અને આતંકી સંગઠન હમાસ વચ્ચેનું યુદ્ધ 18મા દિવસે વધુ ભીષણ બન્યું છે. ગાઝામાં અત્યાર સુધીમાં લડાયેલાં પાંચ યુદ્ધમાં વર્તમાન સૌથી લોહિયાળ સાબિત થયું છે. છેલ્લાં ર4 કલાકમાં ઈઝરાયલે ગાઝામાં હમાસનાં 3ર0 સ્થાનોને નિશાન બનાવી બોમ્બ વરસાવ્યા હતા. મંગળવારે કુલ મૃત્યુઆંક 6પ00ને પાર કરી ગયો હતો જેમાં પ087 પેલેસ્ટાઇની નાગરિકો સામેલ છે. આજે મોડી સાંજે મધ્ય ઈઝરાયલમાં હમાસ તરફથી અચાનક રોકેટ હુમલો કરાતાં પાંચ નાગરિકને ઈજા પહોંચી હતી. બીજી તરફ ગાઝામાં મોડી રાત્રે ઈઝરાયલની એરસ્ટ્રાઈકમાં 700થી વધુનાં મોત થયાં હોવાનું અહેવાલોમાં જણાવાયું હતું. સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રી એંતાનિયો ગુતરેસે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે, ગાઝામાં આંતરરાષ્ટ્રીય કાયદાઓનો ભંગ થઈ રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને ચર્ચાને બદલે નક્કર પગલાં ભરવાનું કહેતાં પેલેસ્ટાઈની વિદેશમંત્રી રિયાદ અલ-માલિકીએ ટકોર કરી કે, અહીં ભાષણ થતાં રહેશે ત્યાં સુધીમાં તો 1પ0 પેલેસ્ટાઈનીનાં મોત થઈ ચૂકયાં હશે. અમેરિકાએ આ યુદ્ધમાં ઈઝરાયલની મદદ માટે સલાહકારોનો કાફલો મોકલ્યો છે જે આગળની રણનીતિ ઘડવામાં મદદ કરશે. ગાઝામાં આમને સામને લડાઈ માટે અમેરિકાએ હાલ જ્યાં સુધી બંધકોની મુક્તિ ન થાય ત્યાં સુધી રૂક જાવનો આદેશ આપ્યો છે. હમાસની કેદમાં રર0 નાગરિકો હોવાનું મનાય છે. અત્યાર સુધીમાં માનવીય અને સ્વાસ્થ્ય ધોરણે 4ને છોડી મુકાયા છે જેમાં અમેરિકી માતા-પુત્રી અને 80 તથા 8પ વર્ષીય બે ઈઝરાયલી વૃદ્ધા સામેલ છે. છેલ્લાં 40 વર્ષમાં પહેલીવાર અમેરિકાએ ભૂમધ્ય સાગરના પૂર્વમાં સૈન્ય તૈનાત કર્યું છે. ઈઝરાયલ-હમાસનાં યુદ્ધમાં અત્યાર સુધીમાં યુએનના 3પ કાર્યકરનાં મૃત્યુ થયાનું જાહેર કરાયું છે. ઈટાલીએ જાહેર કર્યું કે હમાસના હુમલામાં તેના 3 નાગરિકનાં મૃત્યુ થયાં છે. આતંકી સંગઠને પહેલીવાર શરત મૂકી છે કે જો ઈંધણની સપ્લાય ચાલુ કરવામાં આવે તો તે પ0 બંધકને છોડવા તૈયાર છે. ઈઝરાયલે એક ઝાટકે આ ઓફર ફગાવી દઈ સામી ઓફર મૂકી કે તમામ રર0 બંધકને છોડી મૂકવામાં આવે પછી જ ઈંધણ સપ્લાય ચાલુ કરાશે. કતર અને ઇજિપ્ત હમાસ સાથે બંધકોની મુક્તિ માટે મધ્યસ્થી બન્યા છે. દરમ્યાન ગઈરાત્રે ગાઝા પર ત્રાટકેલા ઈઝરાયલે ભારે બોમ્બવર્ષા કરતાં 700થી વધુનાં મોત નીપજયાં હતાં. ભારે બોમ્બમારા અને ઠપ પડેલા વીજપુરવઠાને કારણે તબીબી વ્યવસ્થા સંપૂર્ણ પડી ભાંગી હતી.
