November 1 State Formation Day: 1 નવેમ્બરે ભારતનાં 8 રાજ્યો અને 5 કેન્દ્રશાસિત પ્રદેશોનો સ્થાપના દિવસ, જાણો તેમનો ઇતિહાસ

Arati Parmar
4 Min Read

November 1 State Formation Day: દેશમાં 1 નવેમ્બરનો દિવસ ભારતનાં અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે ખૂબ ખાસ છે, કારણ કે આ દિવસે ભાષાકીય અને વહીવટી આધારે અનેક રાજ્યોની રચના અથવા પુનર્ગઠન થયું હતું. તમામ રાજ્યોની રચનાનું વર્ષ ભલે અલગ હતું, પરંતુ દરેક માટે 1 નવેમ્બરની તારીખ ઐતિહાસિક રીતે નોંધાયેલી છે. 1 નવેમ્બરે રચાયેલા 8 રાજ્યોમાં આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, પંજાબ અને મદ્રાસ (હવે તમિલનાડુ)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 5 કેન્દ્રશાસિત પ્રદેશોમાં અંદમાન અને નિકોબાર ટાપુઓ, ચંડીગઢ, દિલ્હી, લક્ષદ્વીપ અને પુડુચેરીનો સમાવેશ થાય છે.

આ 8 રાજ્યો અને 5 કેન્દ્રશાસિત પ્રદેશોનો સ્થાપના દિવસ

– મધ્ય પ્રદેશ: મધ્ય પ્રદેશનું પુનર્ગઠન 1 નવેમ્બર 1956ના રોજ થયું હતું. આ દિવસ ‘મધ્ય પ્રદેશ સ્થાપના દિવસ’ તરીકે મનાવવામાં આવે છે, જેમાં અનેક પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવે છે.

- Advertisement -

– છત્તીસગઢ: આ ભારતમાં રચાયેલું 26મું રાજ્ય હતું, જે 1 નવેમ્બર 2000ના રોજ અસ્તિત્વમાં આવ્યું હતું અને આ દિવસે રાજ્ય પોતાનો સ્થાપના દિવસ મનાવે છે.

– હરિયાણા: ભાષાના આધારે પંજાબથી અલગ કરીને 1 નવેમ્બર 1966ના રોજ હરિયાણા રાજ્યની રચના કરવામાં આવી હતી. આ દિવસે રાજ્યમાં સરકાર તરફથી અનેક પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવે છે.

- Advertisement -

– પંજાબ: 1966માં આ જ દિવસે પંજાબી ભાષા બોલતા લોકો માટે અલગ રાજ્ય બનાવવાના હેતુથી પંજાબનું પુનર્ગઠન કરવામાં આવ્યું હતું. પંજાબ આ દિવસને પોતાના વારસા અને સિદ્ધિઓના ઉત્સવ તરીકે મનાવે છે.

– આંધ્ર પ્રદેશ: ભાષાના આધારે રચાયેલું આ પ્રથમ રાજ્ય હતું. આંધ્ર પ્રદેશ 1 નવેમ્બર 1956ના રોજ અસ્તિત્વમાં આવ્યું હતું, જ્યારે ‘રાજ્ય પુનર્ગઠન અધિનિયમ’ હેઠળ હૈદરાબાદ રાજ્યનું વિભાજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

– કર્ણાટક: કર્ણાટક રાજ્યનું 1 નવેમ્બર 1956ના રોજ ‘રાજ્ય પુનર્ગઠન અધિનિયમ’ હેઠળ કન્નડ ભાષા બોલતા વિસ્તારોને જોડીને પુનર્ગઠન કરવામાં આવ્યું હતું.

– કેરળ: દક્ષિણ ભારતના આ રાજ્યની રચના પણ 1 નવેમ્બર 1956ના રોજ માલાબાર, કોચીન અને ત્રાવણકોર વિસ્તારોને જોડીને કરવામાં આવી હતી.

– તમિલનાડુ: 1 નવેમ્બર 1956ના રોજ ‘રાજ્ય પુનર્ગઠન અધિનિયમ’ અંતર્ગત તત્કાલીન મદ્રાસ પ્રેસિડેન્સીનું ભાષાકીય આધારે વિભાજન કરવામાં આવ્યું હતું. જોકે, 1969માં મદ્રાસનું નામ બદલીને તમિલનાડુ રાખવામાં આવ્યું હતું.

5 કેન્દ્રશાસિત પ્રદેશોનો સ્થાપના દિવસ

– દિલ્હી: 1 નવેમ્બર 1956ના રોજ રાજ્યોના પુનર્ગઠન અધિનિયમ હેઠળ દિલ્હીને ‘પાર્ટ-સી’ રાજ્યમાંથી બદલીને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું હતું.

– ચંડીગઢ: આ કેન્દ્રશાસિત પ્રદેશનો શિલાન્યાસ 1952માં કરવામાં આવ્યો હતો, પરંતુ 1 નવેમ્બર 1966ના રોજ રાજ્યોના પુનર્ગઠન સમયે, જ્યારે પંજાબ અને હરિયાણા રાજ્યો બન્યાં, ત્યારે આ શહેરને પંજાબ અને હરિયાણા બંનેની રાજધાની બનાવવામાં આવ્યું હતું.

– અંદમાન અને નિકોબાર ટાપુઓ: રાજ્યોના પુનર્ગઠન અધિનિયમ, 1956 હેઠળ આ જ દિવસે અંદમાન અને નિકોબાર ટાપુઓને પણ ‘પાર્ટ-સી’ રાજ્યમાંથી બદલીને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યાં હતાં.

– લક્ષદ્વીપ: લક્ષદ્વીપને 1 નવેમ્બર 1956ના રોજ ભારતના અલગ કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે રચવામાં આવ્યું હતું અને 1 નવેમ્બર 1973ના રોજ આ ટાપુસમૂહને સત્તાવાર રીતે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હતો.

– પુડુચેરી: 1947માં અંગ્રેજો તો ચાલ્યા ગયા હતા, પરંતુ ફ્રેન્ચ શાસન 1954 સુધી ચાલુ રહ્યું હતું. 1 નવેમ્બર 1954ના રોજ ભારતમાં ફ્રેન્ચ કબજા હેઠળના વિસ્તારો ભારતીય સંઘને સોંપવામાં આવ્યા હતા, ત્યારબાદ તે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો હતો.

Share This Article