અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા માર્કો રુબિયોનું જે નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, તેમાં તેમણે કહ્યું હતું કે, ‘આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં જહાજોની સુરક્ષિત અવરજવર વિશ્વની આજીવિકા માટે ખૂબ જ જરૂરી છે અને અમે આ હુમલાઓ જોઈ રહ્યા છીએ.’ તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘આજે આપણે એવી દુનિયામાં જીવી રહ્યા છીએ, જ્યાં ઈરાની શાસન ખુલ્લેઆમ વ્યાપારી જહાજોને નિશાન બનાવી રહ્યું છે.’
તેમણે કહ્યું હતું કે, ‘અમે નૌકાદળનાં જહાજો કે સબમરીનની વાત કરી રહ્યા નથી. અમે એવી સ્થિતિની વાત કરી રહ્યા છીએ, જ્યાં તેઓ (ઈરાન) કહે છે કે આ રહ્યું એક વ્યાપારી જહાજ, જેમાં માલસામાન, તેલ અને કુદરતી ગૅસ ભરેલો છે અને અમે તેને ડૂબાડવાનો પ્રયાસ કરીશું.’ માર્કો રુબિયોએ કહ્યું હતું કે તેઓ (ઈરાન) ખુલ્લેઆમ જહાજો પર હુમલા કરી રહ્યા છે અને તેનો ઉપયોગ પોતાની વ્યૂહાત્મક ચાલના એક હથિયાર તરીકે કરી રહ્યા છે. આજે આપણે આવી જ દુનિયામાં જીવી રહ્યા છીએ અને મને લાગે છે કે સેન્ટ્રલ કમાન્ડ તથા અમેરિકાએ આ જહાજોની સુરક્ષા માટે ખૂબ જ સારું કામ કર્યું છે.
Breaking: Iran is blowing up ships that have Indian sailors on them, says US Secretary of State Marco Rubio at G20 https://t.co/Qt5ELmHNGU
— Shashank Mattoo (@MattooShashank) November 1, 2026
ઈરાન ભારતીય વ્યાપારી જહાજો પર હુમલા કરી રહ્યું છે – અમેરિકાના વિદેશ મંત્રી
અમેરિકાના વિદેશ મંત્રીને પત્રકાર પરિષદમાં પૂછવામાં આવ્યું હતું કે, ‘ઈરાનના મામલે G-20 સમક્ષ રાજદ્વારી પ્રયાસો અંગે તમારો શું સંદેશ હતો? અને ઈરાન સાથે કતરના સમર્થનથી ચાલી રહેલી આ વાટાઘાટોને સફળ થવાની તક આપવા માટે તમે કેટલો સમય આપી રહ્યા છો, જેના પછી કદાચ તમે ફરીથી સૈન્ય કાર્યવાહી શરૂ કરી શકો છો?’
આ સવાલના જવાબમાં માર્કો રુબિયોએ કહ્યું હતું કે, ‘જુઓ, આ વાત ખૂબ જ સીધી છે. ઈરાન જહાજોને ઉડાવી રહ્યું છે. તેમાં એવાં જહાજોનો પણ સમાવેશ થાય છે, જેના પર ભારતીય ખલાસીઓ સવાર છે અને એવાં જહાજોનો પણ સમાવેશ થાય છે, જેમાં એવી ઊર્જા (બળતણ) ભરેલી છે, જે આ બેઠક (G-20)માં હાજર દેશો માટે મોકલવામાં આવી રહી છે. આજે આપણે એવી દુનિયામાં જીવી રહ્યા છીએ, જ્યાં એક દેશ અથવા એમ કહીએ કે એક શાસન ખુલ્લેઆમ કહી રહ્યું છે કે અમે વ્યાપારી જહાજોને ઉડાવી દઈશું. જરા આ વિશે વિચારો! વિચારો કે આપણે કેવી દુનિયામાં જીવી રહ્યા છીએ. આ વાત 80 કે 100 વર્ષ જૂની કોઈ ઘટનાની જેમ લાગે છે. પરંતુ આવું થઈ રહ્યું છે અને ત્યાં હાજર દરેક દેશ સામે એક પડકાર ઊભો થયો છે.’
બીજી તરફ, અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત અંગે માર્કો રુબિયોએ કહ્યું હતું કે, ‘મને ખબર નથી કે આ માટે કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે કે નહીં. આ પ્રકારના મામલાઓમાં નિર્ણય લેવાનો અધિકાર રાષ્ટ્રપતિના કાર્યક્ષેત્રમાં આવે છે. અનેક સ્તરે વાતચીત ચાલી રહી છે. હકીકતમાં વાતચીત ક્યારેય અટકી જ નથી. સતત વાતચીત થઈ રહી છે, ક્યારેક સીધી રીતે તો ક્યારેક વચેટિયાઓ દ્વારા.’

