Maserati GT2 Stradale: ઇટાલીની લક્ઝરી સ્પોર્ટ્સ કાર બનાવતી કંપની માસેરાતીએ ભારતમાં પોતાની નવી ટ્રેક-ફોકસ્ડ અને રોડ-લીગલ સુપરકાર Maserati GT2 Stradale લોન્ચ કરી છે. તેની એક્સ-શોરૂમ કિંમત ₹5.72 કરોડ રાખવામાં આવી છે. આ કાર માસેરાતીની જાણીતી MC20 પર આધારિત છે, પરંતુ તેને કંપનીની GT2 રેસ કારથી પ્રેરણા લઈને વધુ શક્તિશાળી એન્જિન, અદ્યતન એરોડાયનેમિક્સ અને ઓછા વજન સાથે તૈયાર કરવામાં આવી છે. સમગ્ર વિશ્વમાં તેની માત્ર 914 કાર જ બનાવવામાં આવશે, જે 1914માં માસેરાતીની સ્થાપના થઈ હતી તે વર્ષ દર્શાવે છે.
શક્તિશાળી V6 એન્જિન અને પરફોર્મન્સ
– એન્જિન અને પાવર – GT2 સ્ટ્રાડેલમાં 3.0-લિટરનું ટ્વિન-ટર્બો V6 નેટ્ટુનો પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 640 hpની શક્તિ અને 720 Nmનો ટોર્ક ઉત્પન્ન કરે છે. આ સ્ટાન્ડર્ડ MC20 કરતાં 10 hp વધુ શક્તિશાળી છે.
– ગિયરબોક્સ – તેમાં 8-સ્પીડ ડ્યુઅલ-ક્લચ ઑટોમેટિક ગિયરબોક્સ મળે છે, જે પાછળનાં પૈડાં (RWD)ને શક્તિ પહોંચાડે છે.
– તોફાની ઝડપ – આ કાર માત્ર 2.8 સેકન્ડમાં 0થી 100 km/hની ઝડપ પકડી લે છે અને તેની ટોપ સ્પીડ 324 km/h છે.
– હલકી બોડી – આ સુપરકારનું વજન 1,365 કિલોગ્રામ છે. સ્ટાન્ડર્ડ MC20ની સરખામણીમાં તેનું વજન 60 કિલોગ્રામ ઓછું છે.
રેસિંગ એરોડાયનેમિક્સ અને ડાઉનફોર્સ
– રેસિંગ ડિફ્યુઝર અને વિંગ – તેમાં GT2 રેસ કાર જેવું બમ્પર, ફ્રન્ટ ડિફ્યુઝર, બોનેટ પર વેન્ટ્સ અને પાછળ મોટી એડજસ્ટેબલ રિયર વિંગ આપવામાં આવી છે.
– 500kg ડાઉનફોર્સ – 280 km/hની ઝડપે આ વિંગ 500 કિલોગ્રામનું ડાઉનફોર્સ ઉત્પન્ન કરે છે, જેના કારણે કાર વધુ ઝડપે પણ રસ્તા સાથે ચોંટેલી રહે છે.
– સિંગલ-નટ વ્હીલ્સ અને ફ્રન્ટ-લિફ્ટ – કારમાં રેસિંગ મોડેલથી પ્રેરિત 20-ઇંચનાં સિંગલ-નટ ફોર્જ્ડ વ્હીલ્સ આપવામાં આવ્યાં છે, જે વજન 19 કિલોગ્રામ ઓછું કરે છે. તેમાં સ્પીડ બ્રેકર્સથી બચવા માટે 35mmની ફ્રન્ટ-એક્સલ લિફ્ટ સિસ્ટમ પણ મળે છે.
ઇન્ટિરિયર અને ડ્રાઇવિંગ મોડ્સ
– બટરફ્લાય ડોર્સ અને અલકાન્ટારા ફિનિશ – કારમાં MC20ની જેમ ઉપરની તરફ ખુલતા શાનદાર બટરફ્લાય ડોર્સ મળે છે. કેબિનમાં અલકાન્ટારા અપહોલ્સ્ટ્રી અને કાર્બન-ફાઇબર રેસિંગ સીટ્સ આપવામાં આવી છે.
– શાનદાર કેબિન – તેમાં 10.25-ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, સેન્ટ્રલ ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન, ઇન્ટિગ્રેટેડ શિફ્ટ લાઇટ્સ સાથેનું કાર્બન-ફાઇબર સ્ટિયરિંગ વ્હીલ, પેડલશિફ્ટર્સ અને 100-લિટરની બૂટ સ્પેસ મળે છે.
– ડ્રાઇવિંગ મોડ્સ – તેમાં વેટ, GT, સ્પોર્ટ અને કોર્સા જેવા ચાર ડ્રાઇવિંગ મોડ્સ મળે છે.
પરફોર્મન્સ પૅક્સ
આ સુપરકાર સાથે બે પરફોર્મન્સ પૅક્સ પણ આપવામાં આવી રહ્યા છે. પરફોર્મન્સ પૅકમાં મિશેલિન સેમી-સ્લિક ટાયર, ઇલેક્ટ્રોનિક લિમિટેડ-સ્લિપ ડિફરન્શિયલ અને કાર્બન-સિરામિક બ્રેક્સનો સમાવેશ થાય છે. જ્યારે પરફોર્મન્સ પૅક પ્લસમાં 4-પોઇન્ટ સીટબેલ્ટ, માઉન્ટિંગ બ્રેકેટ અને ફાયર એક્સ્ટિંગ્વિશરનો સમાવેશ થાય છે. ખરીદદારો પોતાની પસંદગી અનુસાર કોઈપણ પૅક પસંદ કરી શકે છે.

