Paraguay President Impeachment: પેરાગ્વેમાં બેંક કૌભાંડના આરોપોમાં ઘેરાયેલા રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેનાને મહાભિયોગ ચલાવીને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. શુક્રવારે દેશની સેનેટમાં રજૂ કરવામાં આવેલા મહાભિયોગના પ્રસ્તાવ દરમિયાન 45માંથી 44 સભ્યોએ તેમને પદ પરથી હટાવવા માટે મતદાન કર્યું હતું. મહાભિયોગ બાદ ઉપરાષ્ટ્રપતિ પેડ્રો એલિયાનાએ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. ત્યારબાદ પેનાને હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યા છે. ન્યાયાધીશ તેમના વિરુદ્ધ ગુનાહિત કાર્યવાહી દરમિયાન તેમને ક્યાં રાખવામાં આવશે તે અંગે નિર્ણય ન લે ત્યાં સુધી પેના હાઉસ અરેસ્ટમાં રહેશે.
બેંક કૌભાંડને કારણે ગુમાવ્યું પદ
પેના દેશની એક મોટી બેંકના ડૂબી જવાના મામલે ગુનાહિત તપાસનો સામનો કરી રહ્યા છે. આ મામલો ઉએના બેંક (Uena Bank) સાથે જોડાયેલો છે, જેની પાસે નાણાંની અછત સર્જાઈ હતી અને લાખો ગ્રાહકો પોતાના પૈસા ઉપાડી શકતા નહોતા. આ ઘટનાએ મોટા કૌભાંડનું સ્વરૂપ ધારણ કર્યું છે. પેરાગ્વેના એટર્ની જનરલે બેંક કૌભાંડ સાથે જોડાયેલા મામલે પેના અને અન્ય ભૂતપૂર્વ અધિકારીઓ વિરુદ્ધ ત્રણ ગુનાહિત કેસ નોંધ્યા છે.
કોંગ્રેસે રાજીનામું સ્વીકાર્યું નહીં
ગુરુવારે બેંક અચાનક બંધ થઈ ગયા બાદ સેન્ટિયાગો પેનાએ રાજીનામું આપવાની રજૂઆત કરી હતી, પરંતુ સેનેટે તેનો સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો હતો. વિપક્ષી સેનેટરોએ દલીલ કરી હતી કે રાજીનામું આપવાથી પેના પોતાની જવાબદારીમાંથી છટકી ગયા હોત.
પેનાના વકીલોએ આ નિર્ણયને પડકાર્યો છે. તેમનું કહેવું છે કે સાંસદોએ મહાભિયોગની પ્રક્રિયા આગળ વધારવાને બદલે રાજીનામું સ્વીકારી લેવું જોઈતું હતું.
મહાભિયોગ પસાર થયા બાદ પેનાને મળતી સંસદીય મુક્તિ (Immunity) પણ સમાપ્ત થઈ ગઈ છે. પેના હવે સેનેટમાં આજીવન બેઠક મેળવવાના હકદાર પણ રહ્યા નથી. સેનેટે પેના પર બેંક સાથેના વ્યવહારોના મામલે ગંભીર અને વ્યવસ્થિત રીતે પોતાની ફરજોની અવગણના કરવાનો આરોપ મૂક્યો હતો.
મહાભિયોગ દરમિયાન પેના હાજર નહોતા
મહાભિયોગની કાર્યવાહી દરમિયાન પેના પોતે સેનેટમાં હાજર નહોતા. કોંગ્રેસમાં પેનાની કાનૂની ટીમે તેમનો પક્ષ રજૂ કર્યો હતો. આ પહેલાં પેનાએ પોતાનો બચાવ તૈયાર કરવા માટે 72 કલાકનો વધારાનો સમય માંગ્યો હતો, પરંતુ સેનેટરોએ તેને ફગાવી દીધો હતો. ત્યારબાદ પેનાના વકીલ એડોલ્ફો ફેરેરો અને રિકાર્ડો પ્રેડા સેનેટમાં હાજર થયા હતા.
પેનાએ શું કહ્યું?
સેનેટમાં મતદાન પહેલાં પેનાએ એક નિવેદન જાહેર કર્યું હતું અને કહ્યું હતું કે તેમને આશા છે કે તેમના પદ છોડવાથી રાજકીય અસ્થિરતા સર્જાશે નહીં. વિદેશમાં મોકલેલા સંદેશમાં પેનાએ લખ્યું હતું, “હું નથી ઇચ્છતો કે મારી હાજરી વધુ વિભાજન અથવા અસ્થિરતાનું કારણ બને. મારી જવાબદારી છે કે હું દેશને મારા અંગત ભવિષ્યથી ઉપર રાખું.”

