Izzy Neale Death: ઓસ્ટ્રેલિયામાં રેસ દરમિયાન 22 વર્ષીય જોકી ઇજી નીલનું દુઃખદ અવસાન, ઘોડાને પણ ન બચાવી શકાયો

Arati Parmar
4 Min Read
Izzy Neale Death

Izzy Neale Death: ઓસ્ટ્રેલિયામાં રેસ દરમિયાન 22 વર્ષીય જોકી ઇજી નીલ ગંભીર અકસ્માતનો ભોગ બની હતી. રેસ દરમિયાન તે પોતાના ઘોડા સાથે જમીન પર પડી ગઈ હતી. આ ઘટનામાં જોકી અને ઘોડાને ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટના બાદ તરત જ ઇજીને હવાઈ માર્ગે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જોકે, તેમનો જીવ બચાવી શકાયો નહોતો. રવિવારે ન્યૂ સાઉથ વેલ્સના વોરેનમાં કોટન કપ રેસ દરમિયાન આ અકસ્માત થયો હતો. ઇજીએ મંગળવારે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પરિવારે આ વાતની પુષ્ટિ કરી છે.

આ અકસ્માત રવિવારે વોરેનશાયર કોટન કપની 1600 મીટરની રેસ દરમિયાન થયો હતો. ઇજી નીલ પોતાના ઘોડા મારનૂ પર સવાર હતી. રેસ દરમિયાન ઘોડો હોમ સ્ટ્રેટમાં પ્રવેશી રહ્યો હતો ત્યારે અચાનક પડી ગયો હતો. આ દરમિયાન નીલ પણ ગંભીર રીતે પડી હતી. તેમને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે જ તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ હવાઈ માર્ગે ડબ્બો હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેમને હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યા હતા.

- Advertisement -

અન્ય એક જોકી પણ ઘાયલ થયો

આ અકસ્માતમાં અન્ય એક જોકી ડિએગો મોન્ટેસ ડી ઓકા પણ ઘોડા પરથી પડી ગયા હતા. તેઓ શેડો ડેન નામના ઘોડા પર સવાર હતા. તેમને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં તેમના ડાબા પગમાં સોફ્ટ ટિશ્યૂની ઈજા હોવાની પુષ્ટિ થઈ હતી. જોકે, બાદમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. અકસ્માત બાદ છેલ્લી રેસ રદ કરવામાં આવી હતી. આ ઉપરાંત સોમવારે યોજાનારી સ્કોન રેસ મીટિંગ પણ અટકાવી દેવામાં આવી હતી.

- Advertisement -

પરિવારે ભાવુક નિવેદન જાહેર કર્યું

ઇજી નીલના પરિવારે મંગળવારે તેમના અવસાનની જાણકારી આપતાં નિવેદન જાહેર કર્યું હતું. પરિવારે જણાવ્યું હતું કે તેમના પ્રિયજનો અને નજીકના મિત્રોની વચ્ચે તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી. પરિવારના જણાવ્યા અનુસાર, ઇજીને ઘોડાઓ પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. તે ચાલતાં શીખે તે પહેલાં જ ઘોડેસવારી કરવા લાગી હતી. બાદમાં આ જ લગન તેમનો વ્યવસાય બની ગઈ અને તેમણે ઘોડાની રેસની દુનિયામાં પોતાની ઓળખ બનાવી હતી. પરિવારે એ પણ જણાવ્યું હતું કે ઇજીનાં અંગોનું દાન કરવામાં આવશે. આનાથી તેઓ અન્ય લોકોનું જીવન વધુ સારું બનાવશે અને પોતાના શરીરના અંગો દ્વારા આ દુનિયામાં જીવંત રહેશે.

ટૂંકી કારકિર્દીમાં 88 રેસ જીતી હતી

ઇજી નીલ ઓસ્ટ્રેલિયાની ઊભરતી યુવા જોકી હતી. પોતાની ટૂંકી વ્યાવસાયિક કારકિર્દીમાં તેમણે કુલ 88 રેસ જીતી હતી. ફેબ્રુઆરી 2024માં સ્ક્રફ્સ મેજિક પર સવાર થઈને તેમણે પોતાની પહેલી રેસ જીતી હતી. ત્યારબાદ તેમણે સતત સારું પ્રદર્શન કર્યું અને ન્યૂ સાઉથ વેલ્સના રેસિંગ સર્કિટમાં પોતાની ઓળખ બનાવી હતી. તેમના દુઃખદ અવસાનથી ઓસ્ટ્રેલિયાની ઘોડાની રેસની દુનિયામાં શોકની લાગણી ફેલાઈ છે.

- Advertisement -

ઘોડાને પણ બચાવી શકાયો નહીં

આ અકસ્માતમાં ઇજી નીલના ઘોડા મારનૂને પણ ગંભીર ઈજા થઈ હતી. તેના આગળના પગમાં ઈજા થઈ હતી. ત્યારબાદ તેને બચાવી શકાયો નહોતો અને તેને પીડામાંથી મુક્તિ આપવા માટે ઈચ્છામૃત્યુ આપવામાં આવ્યું હતું. ગાય કે ભેંસની જેમ ઘોડાને પગ ભાંગી ગયા પછી ઘણા દિવસો સુધી સુવડાવી રાખી શકાતો નથી. તેનાથી તેના પેટમાં ગંભીર સમસ્યાઓ થવા લાગે છે અને તેનું પીડાદાયક મૃત્યુ થઈ શકે છે. આ જ કારણસર ઘોડાના પગમાં ગંભીર ફ્રેક્ચર થાય ત્યારે તેને ઈચ્છામૃત્યુ આપવું પડે છે.

Share This Article