Electric Cars Sales: ભારતીય ઓટોમોબાઇલ બજારમાં ઇલેક્ટ્રિક કારની માંગ ઝડપથી વધી રહી છે. ફેડરેશન ઑફ ઑટોમોબાઇલ ડીલર્સ એસોસિએશન (FADA) દ્વારા જાહેર કરાયેલા તાજા આંકડા અનુસાર, ઓક્ટોબર 2026માં ઇલેક્ટ્રિક કારના છૂટક વેચાણમાં વાર્ષિક ધોરણે 76.47 ટકાનો મોટો વધારો નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન દેશભરમાં કુલ 37,049 ઇલેક્ટ્રિક કાર વેચાઈ હતી, જ્યારે ઓક્ટોબર 2025માં આ આંકડો 20,995 એકમ હતો. આ મોટા વધારા સાથે કુલ પેસેન્જર વ્હીકલના વેચાણમાં ઇલેક્ટ્રિક કારનો હિસ્સો વધીને 7.3 ટકા થયો છે, જે ઓક્ટોબર 2025માં નોંધાયેલા 3.5 ટકાની સરખામણીએ બમણાથી પણ વધુ છે.
ઈવી ક્ષેત્રમાં 76.4 ટકાની વિક્રમી વૃદ્ધિ અને બજારહિસ્સામાં વધારો
FADAના ઓક્ટોબર 2026ના છૂટક વેચાણના આંકડા મુજબ, ભારતીય ગ્રાહકોમાં ઇલેક્ટ્રિક કારની સ્વીકૃતિ ઝડપથી વધી છે. ઓક્ટોબર 2026માં 37,049 એકમના વેચાણ સાથે ઇલેક્ટ્રિક કાર ક્ષેત્રે વાર્ષિક ધોરણે 76.47 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે. જોકે, સમગ્ર પેસેન્જર વ્હીકલ બજારમાં 14 ટકાનો ઘટાડો થયો હોવા છતાં ઇલેક્ટ્રિક કારનો બજારમાં હિસ્સો ગયા વર્ષના 3.5 ટકાથી વધીને 7.3 ટકા થયો છે.
ટાટા મોટર્સનું વર્ચસ્વ યથાવત, મહિન્દ્રાની 85.7 ટકાની છલાંગ
ઇલેક્ટ્રિક પેસેન્જર વ્હીકલ બજારમાં ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી 14,669 એકમના છૂટક વેચાણ અને લગભગ 40 ટકાના બજારહિસ્સા સાથે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે.
બીજી તરફ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ 8,538 એકમના વેચાણ સાથે વાર્ષિક ધોરણે 85.7 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે, કારણ કે ઓક્ટોબર 2025માં વેચાણનો આંકડો 4,599 એકમ હતો. JSW MG મોટર ઇન્ડિયાએ પણ પોતાની મજબૂત પકડ જાળવી રાખતાં 5,939 એકમનું છૂટક વેચાણ નોંધાવ્યું છે, જે વાર્ષિક ધોરણે 10.8 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
વિનફાસ્ટ અને મારુતિ સુઝુકીનું નોંધપાત્ર પ્રદર્શન
આ વખતે વેચાણના આંકડામાં નવા અને ઉભરતા વૈશ્વિક તેમજ સ્થાનિક કંપનીઓની મજબૂત હાજરી જોવા મળી છે. વિયેતનામની જાણીતી ઇલેક્ટ્રિક વ્હીકલ કંપની વિનફાસ્ટે ભારતીય બજારમાં પોતાનું વેચાણ ઝડપથી વધારતાં ઓક્ટોબરમાં 2,571 એકમનું વેચાણ નોંધાવ્યું અને ચોથું સ્થાન મેળવ્યું.
આ સાથે જ દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ પણ પોતાના નવા ઇલેક્ટ્રિક સ્વરૂપ સાથે વેચાણના આંકડામાં 1,200 એકમ નોંધાવીને ઈવી સ્પર્ધામાં પોતાની મજબૂત હાજરી દર્શાવી છે.
કિયા, લક્ઝરી બ્રાન્ડ્સ અને ભારતીય ઈવી બજારનું ભવિષ્ય
દક્ષિણ કોરિયાની કંપની કિયા ઇન્ડિયાએ પણ 1,395 એકમના વેચાણ સાથે આ ક્ષેત્રમાં પાંચમું સ્થાન મેળવ્યું છે અને તેમાં વાર્ષિક ધોરણે 85.26 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. લક્ઝરી કાર ક્ષેત્રમાં BMW ઇન્ડિયાએ 462 એકમ અને ટેસ્લા ઇન્ડિયાએ 291 એકમનું છૂટક વેચાણ નોંધાવ્યું છે. નવા મોડલ સતત રજૂ થવા, ચાર્જિંગ સુવિધાઓનો વિસ્તાર અને તહેવારોની મોસમના સહકારને કારણે સ્પષ્ટ થાય છે કે ભારતીય પેસેન્જર કાર બજારમાં ઇલેક્ટ્રિક મોબિલિટીનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે.

