BS6 PUC Rules: નવી પીયુસી નિયમોમાં મોટો ફેરફાર, બીએસ-6 ખાનગી વાહનો માટે સરકારે મૂક્યો મહત્વનો પ્રસ્તાવ
BS6 PUC Rules: વાહન માલિકો માટે સારા સમાચાર છે. સરકારે વાહન માલિકો પર પાલન સંબંધિત બોજ ઘટાડવા માટે 6 વર્ષ સુધી જૂના ખાનગી બીએસ-6 વાહનો માટે પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર (પીયુસીસી) ની માન્યતા હાલના 1 વર્ષથી વધારીને 3 વર્ષ કરવાની દરખાસ્ત મૂકી છે. આ પ્રસ્તાવ મુજબ આવા વાહનોના પ્રથમ નોંધણીની તારીખથી 6 વર્ષ સુધી પીયુસી હવે સંપૂર્ણ 3 વર્ષ માટે માન્ય રહેશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ અંગે એક ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કર્યું છે. આ પગલાનો હેતુ વાહન માલિકો પરનો બોજ ઘટાડવાનો છે.
આ પ્રસ્તાવ મુજબ 6 વર્ષથી 10 વર્ષ સુધી જૂના બીએસ-6 વાહનોને દર 2 વર્ષે પોતાના પીયુસીસી પ્રમાણપત્રનું નવીનીકરણ કરાવવું પડશે, જ્યારે 10 વર્ષથી વધુ જૂના વાહનો માટે દર 6 મહિને નવીનીકરણ કરાવવું ફરજિયાત રહેશે. નોટિફિકેશન મુજબ બીએસ-4 ઉત્સર્જન ધોરણોને અનુરૂપ તમામ મોટર વાહનો માટે દર 6 મહિને પીયુસીસીનું નવીનીકરણ કરાવવું પડશે.
સામાન્ય નાગરિકો પાસેથી સૂચનો માંગ્યા
આ ઉપરાંત બીએસ-1, બીએસ-2 અને બીએસ-3 ઉત્સર્જન ધોરણોને અનુરૂપ તમામ મોટર વાહનો માટે દર 3 મહિને પીયુસીસીનું નવીનીકરણ કરાવવું પડશે. બીએસ અથવા ભારત ચરણ દેશમાં વાહન ઉત્સર્જન ધોરણો સાથે સંબંધિત છે. તેના દ્વારા કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ, હાઇડ્રોકાર્બન અને પાર્ટિક્યુલેટ મેટર જેવા પ્રદૂષકોની મર્યાદા નક્કી કરવામાં આવે છે. આ પ્રસ્તાવ અંગે સામાન્ય નાગરિકોને 30 દિવસની અંદર પોતાના સૂચનો આપવા જણાવાયું છે. ત્યારબાદ તેને અંતિમ સ્વરૂપ આપીને અમલમાં મૂકવામાં આવશે.
પીયુસી શું છે?
બીએસ-4 ધોરણ વર્ષ 2017થી 2020 સુધી અમલમાં હતું. બીએસ-6 ધોરણ એપ્રિલ, 2020થી અમલમાં આવ્યું છે. પ્રદૂષણ નિયંત્રણને વધુ અસરકારક બનાવવા માટે ભારતે બીએસ-5 ધોરણને છોડીને સીધું બીએસ-6 અમલમાં મૂક્યું હતું. આ વાહનોમાંથી ખૂબ ઓછા પ્રમાણમાં પ્રદૂષકોનું ઉત્સર્જન થાય છે અને તેમાં ઓછા સલ્ફરવાળા બીએસ-6 ઇંધણની જરૂર પડે છે. પીયુસી પ્રમાણપત્ર એ પ્રમાણિત કરે છે કે તમારા વાહનમાંથી નીકળતો ધુમાડો સરકાર દ્વારા નક્કી કરાયેલા ધોરણોની મર્યાદામાં છે કે નહીં.

